સ્વામીનારાયણ સંત જ્ઞાન પ્રકાશ સ્વામીએ કરેલ જલારામબાપા વિશે ટિપ્પણીનો મામલે આખરે સ્વામીનારાયણ સંત ઝુક્વ્યા છે. જ્ઞાન પ્રકાશ સ્વામીએ જલારામબાપા વિશે ટિપ્પણી બાદ લોહાણા સમાજમાં આક્રોશ ફેલાયો હતો. સ્વામીએ વીડિયોથી માફી માંગી હતી, પણ લોહાણા સમાજ માન્યો ન હતો. ત્યારે આજે સ્વામી જ્ઞાનપ્રકાશએ વીરપુર જઈને માફી માંગી છે.
જલારામ બાપા વિશે ટિપ્પણી કર્યા બાદ રઘુવંશી સમાજ, જલારામ બાપાના ભક્તો તેમજ વીરપુરમાં ગ્રામજનોમાં ભારે આક્રોશ ફેલાયો હતો. સ્વામીએ વીડિયો બનાવી માફી માગ્યા બાદ પણ આક્રોશ યથાવત હતો. તેથી સ્વામી જ્ઞાન પ્રકાશ જલારામબાપાના મંદિરે આવી માફી માંગી છે. લાખો લોકોની માંગ હતી કે, સ્વામી વીરપુર આવી માફી માંગે. ત્યારે સ્વામીને પોલીસના ચુસ્તબંદોબસ્ત સાથે વીરપુર લાવવામાં આવ્યા હતા. કાળા કાચ સાથેની ગાડીમાં સ્વામીને વીરપુર લાવવામાં આવ્યા હતા. જાકે, જ્ઞાન પ્રકાશ સ્વામી મીડિયા સામે નિવેદન આપવાથી ભાગ્યા હતા. તેઓએ પણ પ્રકારનો જવાબ આપવાનું ટાળ્યું હતું. સ્વામીને મંદિરની પાછળની જગ્યામાંથી સીધા મંદિરમાં લઈ જવાયા.
એક તરફ સ્વામી વીરપુર માફી માંગવા પહોંચ્યા. ત્યાં બીજી તરફ વડતાલે સ્વામીની આ હરકત સામે હાથ ઉંચા કરી લીધા. શ્રી સ્વામીનારાયણ મંદિર વડતાલ સંસ્થાન દ્વારા એક પરિપત્ર જાહેર કરીને તેમાં કહેવાયું કે, જય શ્રી સ્વામિનારાયણ સહ જણાવવાનું કે, પૂજ્યશ્રી જલારામ બાપાનું જીવન અને સંદેશ માત્ર રઘુવંશી લોહાણા સમાજ માટે જ નહિ પરંતુ દેશ વિદેશમાં પ્રસરેલ હિન્દુ સમાજ માટે પ્રેરણારૂપ છે.. વિશેષરૂપે અન્નપૂર્ણાના નિવાસ સમાન અન્નક્ષેત્ર સનાતન પરંપરાનું ગૌરવ છે અને રહેશે. વિ. વડતાલદેશના સાધુ જ્ઞાનપ્રકાશદાસ દ્વારા પૂજ્યશ્રી જલારામ બાપા વિષે જે નિવેદન કરવામાં આવ્યું છે, તે વાહીયાત નિવેદનને વડતાલ સંસ્થા સમર્થન કરતી નથી અને વડપલના કોઈ પુસ્તકમાં આવી કોઈ વાત શા†ોક્ત નથી. તેથી શિક્ષાપત્રીના આદેશાનુસાર આ વિધાનની નિંદા કરીએ છીએ અને ખેદની લાગણી વ્યક્ત કરીએ છીએ..
મહત્વનું છે કે, સુરતના અમરોલીના જ્ઞાનપ્રકાશ સ્વામીએ વીરપુરના જલારામ બાપા વિશે વિવાદિત નિવેદન આપ્યું છે. જ્ઞાન પ્રકાશ સ્વામીએ પોતાના અધુરા જ્ઞાનના દર્શન કરાવતા કહ્યુ કે વીરપુરમાં ચાલતુ સદાવ્રત અન્નક્ષેત્ર ગુણાતીત સ્વામીના આશીર્વાદથી ચાલી રહ્યું છે. જલારામ બાપાએ ગુણાતીત સ્વામી પાસે સદાવ્રત ચાલે તે માટે આશીર્વાદ માંગ્યા હતા. ત્યારે સ્વામીએ આશીર્વાદ આપ્યા હોવાથી આજે સદાવ્રત અન્નક્ષેત્ર ચાલી રહ્યુ છે. જા કે, બાદમાં જ્ઞાનપ્રકાશ સ્વામીએ માફી માંગી હતી. પરંતુ તેમના નિવેદનથી થયેલો વિવાદ શાંત નથી પડ્યો.
વીરપુર જલારામ બાપા વિશે સ્વામીની ટિપ્પણીના મામલે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ટ્‌વીટ કર્યું છે. પરિમલ નથવાણીએ કહ્યું કે, સંત શિરોમણી શ્રી જલારામ બાપાને માત્ર લોહાણા સમાજ જ નહી પરંતુ સમગ્ર હિન્દુ સમાજ ભગવાન સ્વરૂપ માને છે. તેમનું અપમાન કરવાનો કોઈને અધિકાર નથી. પોતાના સંપ્રદાય કે કોઈ વ્યક્તિને ઊંચા દેખાડવા માટે સમાજને ભ્રમિત કરે તેવા નિવેદનો કરીને જલારામ બાપાને નીચા દેખાડવાનો પ્રયાસ નિંદનીય છે. લાખો લોકોની આસ્થાને ઠેસ પહોંચાડનારે તાત્કાલિક ધોરણે વીરપુર જલારામ બાપાના મંદિરમાં જઈને પોતાની ભૂલ સ્વીકારીને માફી માંગવી જાઈએ અને પશ્ચાતાપ કરી લોકોનો રોષ ઠારવો જાઈએ.