પહેલગામમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ દુઃખદ ઘટના વચ્ચે, બોલિવૂડ અભિનેતા સુનિલ શેટ્ટીએ દેશવાસીઓને એક થવા અને આતંકવાદનો યોગ્ય જવાબ આપવા અપીલ કરી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કાશ્મીરને ડરની નહીં, પ્રેમ અને પર્યટનની જરૂર છે.
મુંબઈમાં લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ્‌સ ૨૦૨૫ સમારોહ દરમિયાન મીડિયા સાથે વાત કરતા, સુનીલ શેટ્ટીએ દેશવાસીઓને તેમની આગામી રજાઓ કાશ્મીરમાં વિતાવવાનો આગ્રહ કર્યો. તેમણે કહ્યું, “નાગરિક તરીકે આપણે ફક્ત એક જ કામ કરવાનું છે. આપણે નક્કી કરવું પડશે કે આપણી આગામી રજા ફક્ત કાશ્મીરમાં જ રહેશે. આપણે આતંકવાદીઓને બતાવવું પડશે કે આપણે ડરતા નથી, અને આપણને ખરેખર કોઈ ડર નથી.” ‘ધડકન’ અને ‘બોર્ડર’ જેવી ફિલ્મો માટે પ્રખ્યાત આ અભિનેતાએ પોતાનો મુદ્દો વધુ મજબૂતીથી રજૂ કર્યો. તેમણે કહ્યું કે તેમણે વ્યક્તિગત રીતે કાશ્મીર અધિકારીઓનો સંપર્ક કર્યો અને કહ્યું, “જા તમને લાગે કે આપણે ત્યાં પ્રવાસીઓ તરીકે અથવા કલાકારો તરીકે શૂટિંગ માટે અથવા મુલાકાત લેવા માટે આવવું જાઈએ, તો અમે તૈયાર છીએ.”
સુનિલે દેશવાસીઓને એકતા માટે પણ અપીલ કરી. તેમણે કહ્યું, “આ સમયે આપણે એકતામાં રહેવું પડશે. ભય અને નફરત ફેલાવવાનો પ્રયાસ કરી રહેલા લોકોના ફાંદામાં પડ્યા વિના, આપણે બતાવવું પડશે કે કાશ્મીર આપણું હતું, આપણું છે અને હંમેશા આપણું રહેશે.” તેમણે સેના, નેતાઓ અને સામાન્ય નાગરિકોના સંયુક્ત પ્રયાસોની પ્રશંસા કરી અને કહ્યું કે બધાએ સાથે મળીને આ પડકારનો સામનો કરવો પડશે. ૨૨ એપ્રિલના રોજ, પહેલગામની બૈસરન ખીણમાં થયેલા આતંકવાદી હુમલામાં ૨૫ ભારતીય નાગરિકો અને એક નેપાળી નાગરિકના મોત થયા હતા જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા. આ ઘટના બાદ, કેન્દ્ર સરકારે ગુરુવારે સુરક્ષા પરિસ્થિતિની ચર્ચા કરવા અને સામૂહિક પ્રતિભાવ તૈયાર કરવા માટે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી.