દુનિયા ગમે તે કહે પરંતુ માણસાઈના દીવા હજુ મનુષ્યમાં પ્રાગટ્ય સ્વરૂપ રાખીને પ્રકાશ આપે છે. ગમે તેટલી આધુનિક ભૌતિક સુખ સગવડવાળી શાળાઓ બને તેનો આનંદ છે. શાળામાં ભણાવતા ગુરુઓનું મૂલ્ય અને મહત્વ સમાજમાં હજુ પણ ટક્યું છે તે ગૌરવની બાબત છે. શિક્ષક આદર્શ સમાજનો નિર્માણદાતા છે. મોટાભાગના વિદ્યાર્થીઓ એકલવ્ય ન બને પરંતુ ગુરુનું મહત્વ સમજે અને તે પ્રમાણે આચરણ કરે એ જ સાચા ગુરુનું મૂલ્ય છે. સૌથી વધુ સાક્ષરતા ધરાવતા કેરળ રાજ્યની ઘટના હૃદયને સ્પર્શી જાય છે. આવી ઘટના વિદ્યાર્થીઓને સંદેશ આપે છે કે તમે ગમે તેટલી ઊંચાઈ ઉપર પહોંચો તેના પાયાના આધારસ્તંભ ગુરુજીઓ છે. પ્રાથમિક શાળાથી માંડીને હાયર એજ્યુકેશન સુધી આપને શિક્ષણ, સંસ્કાર અને સમજણ આ ત્રણ પાયાના મૂલ્યો આપનાર જો કોઈ હોય તો શિક્ષક છે.
રાજ્યની શાળાના શિક્ષકોને બેંક બેલેન્સ કરતા વિદ્યાર્થીના હૃદયમાં બેલેન્સ થાય તેવી કેળવણી અને શિક્ષણ આપવાની તાતી જરૂર છે. વિદ્યાર્થી ગુરુને જોવે એટલે તેને માન અને સન્માન આપવાની ભાવના ઊભી થાય તો જ તમારું શિક્ષકત્વ. વિદ્યાર્થીઓ માટે કંઈક કરી છૂટવાની તમન્ના જે શિક્ષક મિત્રોમાં છે તેમનું ભાવી ભવ્ય અને દિવ્ય હશે. તમારું કામ જ તમારી પ્રગતિ હશે. આવનાર સમયમાં તમારા કામની કદર વિદ્યાર્થીઓ કરશે ત્યારે જ તમે સાચા ગુરુ. બાકી કેટલાક શિક્ષકો જે દિવસે હાજર થાય છે તે દિવસે નિવૃત્ત થઈ જાય છે. સમાજમાં કેટલાક પગારધારી છે અને કેટલાક વિદ્યાર્થીને અન્નદાતા સમજીને નિષ્ઠાને કર્મ સમજી પ્રમાણિકતાથી પોતાની ફરજ અદા કરે છે. તેવા શિક્ષકો કાયમ માટે વિદ્યાર્થીઓનું સંભારણું બની જાય છે. કેરળની ઘટના વાંચી ત્યારે હું ગર્વથી કહી શકું છું હું શિક્ષક છું. એક બહેન રેલવેની ભીડને ચીરતા ખૂબ ઉતાવળેથી પોતાના ઘરે જઈ રહ્યા છે. એક ગરીબ ભીખારણને એક ઉપેક્ષિત નજરે જોઈ આગળ વધી જાય છે. અચાનક તેમના ડગ આગળ વધતા અટકી જાય છે. ધીમે રહી પોતાની નજર પાછળ ઘુમાવી એ પેલી ભીખારણ પાસે જાય છે. ધ્યાનથી જોતા તેમનો ચહેરો સહેજ પરિચિત લાગે છે. તેમનું નામ ખૂબ નમ્ર ભાવે પૂછતાં એ ભીખારણ પોતાનું નામ જણાવે છે. એ સાંભળતા જ બહેન ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગે છે. આ એ જ એના પથદર્શક મેથ્સના ટીચર જે તેના જેવા હજારો વિદ્યાર્થીઓના પ્રેરણાદાયક વ્યક્તિ છે એ જાણી તે બહેન ગમગીન થઈ જાય છે. તેમને પોતાની સાથે પોતાના ઘરે લઈ જઈ, સ્નાન કરાવી, નવા કપડાં પહેરાવી તેમને પૂછતાં દિલ દહેલાવી દે તેવી એક કથા સાંભળવા મળી. પતિના મૃત્યુ પછી ૩ દીકરામાંથી એક પણ દીકરો એક પણ ટંકનું ભોજન આપવા રેડી નથી. રહેવા માટેના માતા-પિતાના ઘરને વેચી નાખી તેના ૩ દીકરાઓએ તે રકમને સરખે ભાગે વહેંચી લઈને વિધવા માને રસ્તે રઝળતી કરી દીધી. કોઈ આધાર અને આવક ન રહેતા મેથ્સ ટીચર બાજુના શહેરમાં રેલવે સ્ટેશને ભીખ માંગી રહ્યાં હતા. આવી પરિસ્થિતિ વખતે પેન્શન હોત તો ગણિત ટીચરને રેલવે સ્ટેશન ઉપર ભીખ ના માંગવી પડત.
ફટાફટ ફોન નમ્બર ડાયલ થવા લાગ્યા. ૨૪ કલાકમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પોતાના આદરણીય મેથ્સ ટીચર માટે ભેગા થવા લાગ્યા. એક વીકમાં અભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પોતાની ગુરુદક્ષિણાની લાજ સચવાય એમ લાખો રૂપિયા સાથે ઉમટી પડ્‌યા. જોતજોતાંમાં એક ફુલફર્નિશ ઘર ખરીદી લેવામાં આવ્યું. ૬ મહિના ચાલે તેટલું રાશન અને દર મહિને એક ચોક્કસ રકમ પોતાના ગુરુજીને મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી. કેરળના મલ્લાપુરમ નામના નાના એવા શહેરની વાસ્તવમાં બનેલી ઘટના છે. સાચા શિક્ષણ સાથે કામ કરતા ગણિત શિક્ષકને તેમના વિદ્યાર્થીઓએ ગુરુદક્ષિણા અર્પણ કરી પોતાની ફરજ અદા કરી તે ગૌરવની બાબત છે.
વિદ્યાર્થી મિત્રો શાળાના વિકાસ માટે જ્યારે પણ ફંડ ફાળો આપવાનો હોય ત્યારે આપણે વિચારીએ છીએ શું આપીશું, હપ્તા બાકી છે, પગાર ઓછો છે તે સમયે એકલવ્ય અને અન્ય વિદ્યાર્થીઓએ આવું વિચાર્યું હોત તો આજે તેમને કોઈ યાદ કરતું હોત. ગુરુઓ પોતાના માટે ક્યારે માગતા નથી તેઓ તો શાળાના વિકાસ માટે માગે છે મારા નેનપુરના વિદ્યાર્થીઓ ઉપરોક્ત બાબતને જીવનમાં ઉતારી તેનું આચરણ કરે તે જ મારી ગુરુદક્ષિણા છે.Mo.૯૮૨૫૭૦૨૨૮૨