જસદણ, તા.૨૬
જસદણ તાલુકાના આટકોટ ખાતે આવેલી માતુશ્રી ડી.બી.પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત કન્યા છાત્રાલયમાં રહી બી.એસ.સી. સુધીનો અભ્યાસ કરતી યુવતીને કહેવાતા સમાજસેવકો દ્વારા હવસનો શિકાર બનાવ્યાનો બનાવ પ્રકાશમાં આવતા જસદણ પંથકમાં સામાજીક અને રાજકીય ક્ષેત્રે હડકંપ મચી ગયો છે. સમાધાનના ધમપછાડા બાદ પીડિતાએ વૃધ્ધ સહિત ચાર શખ્સો વિરૂધ્ધ એસ.પી.ને લેખિત રજૂઆત કર્યા બાદ આટકોટ પોલીસે ટ્રસ્ટના ટ્રસ્ટી અને જિલ્લા પંચાયતના સદસ્યના પતિ અને પાંચવડાના પૂર્વ સરપંચ સામે ગુનો નોંધ્યો હતો. યુવતી ઉપર ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ દુષ્કર્મ આચર્યા અંગેની જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. યુવતીની ફરિયાદ પરથી પાંચવડા ગામના પૂર્વ સરપંચ મધુ ટાઢાણી, વીરનગર ગામે રહેતા અને જિલ્લા પંચાયતના સભ્યના પતિ પરેશ રાદડીયા વિરૂધ્ધ ગુનો નોંધાયો હતો.