સુરત સ્થાયી થયેલા મૃતક શૈલેષભાઈ કળથિયા મુંબઈ ખાતે એસબીઆઈમાં મેનેજર તરીકે કાર્યરત હતા
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં ૨૨ એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલામાં ૨૭ લોકોનાં મોત થયા છે. જેમાં ત્રણ ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે. ભાવનગરના પિતા-પુત્ર અને એક સુરતના યુવકનું મોત થયું હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. જા કે સુરતના મૃતક યુવક મૂળ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ધ્રુફણીયા ગામના વતની છે. હિંમતભાઈ કળથિયા ૩પ વર્ષથી સુરત સ્થાયી થયા છે. તેમના પુત્ર શૈલેષભાઈને પણ આતંકવાદીઓએ ગોળી મારતા તેમનુ મોત નિપજ્યુ હતું. ભાવનગર જિલ્લા કલેક્ટરના જણાવ્યા મુજબ મૃતદેહોને હવાઇ માર્ગે શ્રીનગરથી મુંબઇ અને બાદમાં ભાવનગર લાવવામાં આવશે. આ બાબતે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીએ કહ્યું કે ૩ ગુજરાતીના મૃત્યુ થયા છે. મૃતકોના મૃતદેહ લાવવા માટેની વ્યવસ્થા કેન્દ્ર સરકારે કરી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આતંકી હુમલા અંગે જણાવ્યું કે પર્યટકો પરિવાર સાથે કાશ્મીરના પ્રવાસે હતા તેમને ધર્મ પૂછવામાં આવ્યો અને ધર્મના આધારે આતંકીઓએ કાયર હુમલો કર્યો છે. જેમાં ગુજરાતના ૩ પર્યટકોના મૃત્યુ થયા છે. જેમાં શૈલેષભાઈ હિંમતભાઈ કળથિયા (સુરત), યતીશભાઈ સુધીરભાઈ પરમાર (ભાવનગર), સ્મિત યતીશભાઈ પરમાર (ભાવનગર)ના મોત થયા છે. રાજ્ય સરકારે કાશ્મીર ગયેલા નાગરિકોને વતન પરત લાવવાની વ્યવસ્થા કરી છે. મુખ્યમંત્રીએ પર્યટકોને વતન પરત લાવવા માટેની સૂચનાઓ આપી છે.
મૃતકના પિતાની ધ્રુફળીયા ગામે જમીન છે
સુરતના વરાછા વિસ્તારમાં હીરાબાગ સોસાયટીમાં રહેતા હિંમતભાઈ કળથિયા મૂળ લાઠી તાલુકાના ધ્રુફળીયા ગામના રહેવાસી છે. છેલ્લાં ૩પ વર્ષથી હિંમતભાઈ કળથિયા સુરત સ્થાયી થયા છે. હિંમતભાઈ કળથિયાની જમીન તેમજ તેમનું કુંટુંબ અહી રહેતું હોય ત્યારે મૃતક શૈલેષભાઈ પણ ધ્રુફળીયા ગામે આવતા હતા.
શૈલેષભાઈ મુંબઈ એસબીઆઈ બેન્કમાં મેનેજર હતા
જાણવા મળતી માહિતી મુજબ શૈલેષભાઈ કથળિયા હાલ મુંબઈ ખાતે એસબીઆઈમાં બ્રાન્ચ મેનેજર તરીકે કાર્યરત હતા. આ પહેલા તેઓ જયપુર ખાતે બ્રાન્ચ મેનેજર હતા. એસબીઆઈમાં મેનેજર હોવાથી બેન્ક દ્વારા એલટીસી મળતા તેઓ તેમના પરિવાર સાથે જમ્મુ-કાશ્મીર ફરવા માટે ગયા હતા.
શૈલેષભાઈ પોતાના પરિવાર સાથે ફરવા ગયા હતા
સુરતના શૈલેષભાઈ પોતાની પત્ની અને એક દીકરો અને એક દીકરી સાથે જમ્મુ-કાશ્મીર ફરવા ગયા હતા. જા કે તેઓ ગૃપમાં નાસ્તો કરી રહ્યાં હતા ત્યારે આતંકવાદીઓએ અંધાધૂધ ફાયરીંગ કરતા શૈલેષભાઈનું મોત થયુ હતું. શૈલેષભાઈના મોતથી સુરતમાં તેમના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે તો તેમના વતન ધ્રુફળીયા ગામે પણ લોકો શોકમાં ગરકાવ થઈ ગયા છે.