આજના સમયમાં ઠેર ઠેર સામાજિક પ્રસંગો, કથાઓ, ઉત્સવ ઉજવણી, સમૂહલગ્નો, સન્માન સમારંભો, મેળાવડા જેવા જાહેર કાર્યક્રમોમાં લોકોની ખૂબ મોટી ભીડ જોવા મળે છે. મોટે ભાગે દરેક જગ્યાએ થતાં આવા મોટા કાર્યક્રમોમાં આયોજક કે યજમાન કે મુખ્ય દાતા તરીકે મોટા ઉદ્યોગપતિ મોટા ભાગનો ખર્ચ ભોગવતા હોય છે. બાકીના લોકોની મહેનત હોય છે. અને ૯૫ ટકા લોકો માત્ર હાજરી આપીને ભોજન કરીને છૂટા પડતાં હોય છે. અને આયોજકોને પણ મોટી સંખ્યા ભેગી કરવી હોય છે એટલે બધાને આમંત્રણ આપતા હોય છે. સારી વાત છે કે જે લોકો ધંધા વ્યવસાયમાં સારી સફળતા મેળવીને સારું કમાતા હોય એટલે પોતાનું સામાજિક ઉત્તરદાયિત્વ સમજીને કે પોતાના શોખ પુરા કરવા માટે અથવા તો ધાર્મિક ભાવનાથી આવા મોટા ગજાના સામાજિક, ધાર્મિક કાર્યક્રમો કરીને નિજાનંદ લેતા હોય છે. માનસિક સંતોષ અનુભવતા હોય છે. આમાં આયોજકોને પણ મજા આવે છે અને લોકોને પણ ખૂબ મઝા આવે છે. કારણ કે આખો પ્રસંગ કે ઉત્સવ જ આનંદ લેવા માટે ગોઠવ્યો હોય છે. ઘણીવાર આયોજક આવા મોટા પ્રસંગોમાં ખૂબ મોટી સંખ્યા હાજર રખાવીને પોતાનું શક્તિ પ્રદર્શન પણ કરતા હોય છે પણ આવડી મોટી હાજરીમાં મુખ્ય આયોજક દરેકને વ્યક્તિગત રીતે ઓળખતા હોય એવું શક્ય નથી પણ હાજર રહેલા બધા લોકો આયોજકોને ઓળખતા હોય છે અથવા તો આવા આયોજન પછી ઓળખતા થતાં હોય છે. આમાં બને છે એવું કે લોકોની આવડી મોટી ભીડમાં મોટા ભાગના બધા લોકો આયોજકના પોતાના અંગત નથી હોતા, કે જેઓ સંકટ સમયમાં સાથે ઊભા રહે. ખૂબ ગણ્યા ગાંઠ્‌યા લોકો જ એવા હોય જે ખરા સમયે સાથ આપતા હોય, બાકી મોટા ભાગના બધા લોકો માત્ર સુખના પ્રસંગોમાં જ હાજરી આપનાર હોય છે. જે વ્યક્તિ સફળતાની ચીડી ચડ્‌યો હોય ત્યારે અનેક પ્રકારના સંઘર્ષોમાંથી પસાર થયો હોય છે ત્યારે એની સાથે હોય તે સફળ થયા પછીના સન્માન સમારંભમાં પાછળ હોય છે અને સંઘર્ષ વખતે નબળી વાતો કરનાર કે ટાંટિયા ખેંચનાર હાર-તોરામાં આગળ હોય છે. એનાથી વિપરીત આજે જે સુખી અને સમૃદ્ધ કે સફળ હોય કે સત્તામાં હોય એની આગળ પાછળ ટોળું થઈને ફરતા લોકો કાયમ એના સાથી રહેતા નથી. જેવી સત્તા ગઈ કે સમૃદ્ધિ ઓછી થઈ કે નિષ્ફળતા મળે એટલે આ ટોળું કે ભીડ ગાયબ થઈ જાય છે. કારણ કે ભીડમાં કે ટોળામાં બધા આપણા અંગત નથી હોતા, બધા પારકા જ હોય છે અને જે અંગત કે દિલથી આપણા હોય એની ખરી ઓળખ સુખમાં કે સફળતામાં નહિ પણ દુઃખમાં કે નિષ્ફળતામાં જ થાય છે. ખાલી મોટી મોટી વાતો કરીને કે દેખાડો કરીને વાહ-વાહી કરનાર અને આવી જ ખોટી વાહ-વાહી જીલનાર બન્નેની સાચી ઓળખ સંકટ સમયે જ થાય છે. ખરા સમયે સાથે ઊભો રહેનાર માન સન્માનનો મોહતાજ નથી હોતો. એ તો પોતાની ઈજ્જત આબરૂ દાવ પર લગાવીને પોતાના માટે ગમે તે કરવા તૈયાર થઈ જાય છે. ઘણા લોકો તો એવો પણ ખોટો દેખાડો કે જશ લેતા હોય છે કે એણે કેવું જોઈએને. અરે કીધા વગર પીડા પારખી જાય એ જ ખરા સ્નેહી. એ જ આપણા અંગત ગણાય. બાકી બધા પારકા જ ગણાય. તમારા સારા સમયમાં જેવી જેની જરૂરિયાત એવો તમારો ઉપયોગ કરી તમારી વ્હારે આવવાનું તો દૂર..તમને પૂછે પણ નહિ કે કેમ છે? એવા લોકોની હાજરી હોય કે ન હોય શું ફરક પડે! તમને પચાસ કામ ચિંધનાર તમારું એક કામ ના કરી શકે અથવા તો એવી એની દાનત ના હોય તો એવા સંબંધો કે ઓળખાણ માત્ર નામની જ ગણાય, જરૂર પડે ત્યારે કંઈ કામની નહિ! શુ કામ આવા સ્વાર્થી સંબંધ આગળ ઘસાવું કે દોડવું જોઈએ. માણસની પરિસ્થિતિ કે સમય બદલાતો હોય છે પણ માણસનું ઝમીર જીવિત હોય છે. ખાનદાની અને ખુમારી એની એ જ હોય છે. ખરાબ સમય તો ચોક્કસ ચાલ્યો જ જાય છે અને ભુલાઈ પણ જાય છે પણ એ સમય દરમ્યાન લોકોએ કરેલ વર્તનની છાપ કાયમ માનસ પટ પર અંકિત થઈ જાય છે. સમય બધાને ઘણું બધું શીખવાડી જાય છે. સાથે સાથે એવા ખાસ લોકો જે દિલથી તમારી સાથે હોય એના પ્રત્યે કાયમ આદરભાવ રહી જાય છે. અને ભીડ નહી પણ ભાઈ જેવા અંગત ભાઈબંધ જ તમારું ખરું કામ કરી જાય છે એ વાતનું તમને ભાન કરાવી જાય છે. કોણ આપણા અને કોણ પારકા એની ઓળખ સુખમાં નહિ પણ સંકટમાં જ થાય છે અને આવી સાચી ઓળખ થયા પછી એની કદર કરવાની આપણી પણ ફરજ બની જાય છે. જીવનમાં ગણતરી જરૂરી છે પણ બે પાંચ ઠેકાણા એવા પણ રાખવા જ્યાં ગણતરી ના કરાય, પછી એ સમય હોય કે નાણાં હોય. ક્યાંક ઘસાવુ પડે, ક્યારેક સમયનો ભોગ દેવો પડે કે થોડું ઘણું જતુ કરવું પડે તો ખાસ આવા આપણા પોતાના માટે એનું ટાણું સાચવી લેવું એ જ એમના માટે મોટું નાણું છે બાકી તો મોટી મોટી ઓળખાણની ખોટી ઊંડી ખાણ્યું છે. જેમ ‘ગરથ ગાંઠે અને વિદ્યા પાઠે’ એમ ઓળખાણ સંકટ કાળે ઉપયોગી હોય તો જ કામની. બાકી બધું
સ્વાર્થનું સગુ કહેવાય. એવું નથી બધા ખરાબ જ છે પણ માત્ર સ્વાર્થ ખાતર નિભાવતા સંબંધ અને ખરા અર્થમાં દિલથી નિભાવતા સંબંધની ઓળખની વાત છે. કોને કેટલું મહત્વ આપવું, કોના માટે કેટલું ઘસવું એ સમજણ સાથે ખોટા સ્વાર્થી સંબંધોને લીધે સાચા સંબંધોની અવગણના ન થાય એ માટે ભીડમાં પણ આપણા પોતાના ક્યાંય ખોવાય ના જાય એની ખેવના રાખીશું તો જ સાચું સમાજ નિર્માણ કર્યું કહેવાય.