આ સૃષ્ટિમાં સમાવિષ્ટ બધા સજીવો એકબીજા પર અવલંબિત હોય છે. એકબીજા સંકળાયેલ હોય છે અને એકબીજા પર નિર્ભર હોય છે. આપણી આસપાસનું પર્યાવરણ એ આપણા જીવનના સુખ-દુઃખમાં અસરકારક પરિબળ હોય છે. સજીવ સૃષ્ટિ એ જલચક્ર, આહાર અને વાતાવરણનો અંશ હોય છે. વાતાવરણમાં થતાં ફેરફારની સીધી અસર સજીવ સૃષ્ટિના જીવન પર થતી હોય છે. પ્રકૃતિની રચના જ એવી રીતે થયેલી હોય છે કે એક જીવ બીજા જીવ પર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આધારિત હોય છે. પ્રકૃતિનો નિયમ છે કે નાનો જીવ મોટા જીવનો શિકાર હોય છે.
તૃણાહારી પ્રાણીઓ માંસાહારી પ્રાણીઓનો શિકાર હોય છે. અને માણસ એ મિશ્રાહારી પ્રાણી છે. તે શાકાહારી અને માંસાહારી બન્ને પ્રકારના હોય છે. સજીવ ચક્રમાં હજારો પ્રકારના નાના મોટા જીવો હોય છે. જમીન પર વસવાટ કરનારા અને પાણીમાં વસવાટ કરનાર અને ઉભયજીવી એટલે બન્ને જગ્યાએ વસવાટ કરનાર પ્રાણીઓ ઉપરાંત વાતાવરણમાં રહેલા અતિ સૂક્ષ્મ જીવો એટલે વાઇરસ અને બેક્ટેરિયા આ બધા જીવો આપણા જીવનમાં સુખ દુઃખ પર અસર કરતા પરિબળો છે. ઘણીવાર તો મોટા જીવો કરતા આવા સૂક્ષ્મ જીવો આપણા જીવનને સુખી કરવામાં ખૂબ મોટો ભાગ ભજવે છે. આમ મનુષ્યજીવનની સુખાકારીમાં જીવાવરણ, વાતાવરણ અને જલાવરણ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. માણસ પોતાની બુદ્ધિ અને વિશેષ આવડતથી પ્રકૃતિના તત્વોનો ઉપયોગ કરીને ભૌતિક સુખ સગવડ ઉભી કરી શકે છે. પણ એ સગવડ ક્યારે અગવડતાઓમાં ફેરવાઈ જાય એનું કંઈ નક્કી હોતું નથી. કોરોના અને પ્લેગ તથા મરકી જેવા રોગોના અતિ સૂક્ષ્મ વાઇરસ મહામારી લાવીને આખા વિશ્વની માનવ વસ્તીનું જીવન જોખમમાં મૂકી શકે એટલા તાકાતવર સાબિત થાય છે એ આપણે સૌ અનુભવ લઈ ચૂક્યા છીએ. આપણે સામાન્ય રીતે એવું માનીએ કે નાનો જીવ મોટા જીવનો શિકાર બને છે પણ અહીં નરી આંખે પણ ના જોઈ શકાય એવા જીવો મહાકાય પ્રાણીઓ અને પોતાની બુદ્ધિથી શક્તિશાળી એવા માનવને પણ નેસ્તનાબુદ કરી શકે છે એ હકીકત છે. આપણે દહી, બ્રેડ, પનીર, જલેબી, ઢોકળા જેવા ખોરાકના વ્યંજનો બનાવવા જે બેક્ટેરિયાનો ઉપયોગ કરીએ છીએ એ જ સૂક્ષ્મ જીવો ટાઇફોઇડ, કમળો, મરડો જેવા રોગ લાવીને આપણું આરોગ્ય બગાડીને આપણા દુઃખનું કારણ બને છે. એટલે મનુષ્ય તરીકે બે બાબતો આપણા મગજમાં કાયમ યાદ રાખવા જેવી છે કે આપણે આપણા સમકક્ષ કે આપણાથી તાકાતવર પ્રાણીઓને વશ કરી શકીએ પણ આપણી સરખામણીમાં એકદમ તુચ્છ એવા જીવાણુ સામે આપણે વામણા સાબિત થઈને હારી જઈએ છીએ. માટે આપણે આપણા બળ, બુદ્ધિ, શક્તિ, સમૃદ્ધિ કે સત્તાનું અભિમાન ક્યારેય કરવું જોઈએ નહિ. આપણે પ્રકૃતિનો એક હિસ્સો જ છીએ એટલે પ્રકૃતિના સ્વામી બનવાનો ક્યારેય પ્રયાસ કરવો જોઈએ નહિ.બીજી મહત્વની બાબત એ કે માત્ર આપણી સુખ સગવડતા ખાતર પ્રકૃતિના તત્વો કે ઘટકોનો બેફામ ઉપયોગ ટાળવો જોઈએ. નહિતર પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગ આપણી ઉભી કરેલી તમામ ભૌતિક સગવડતાઓને નષ્ટ કરવા માટે ધરતીકંપ, પૂર, વાવાઝોડા કે ત્સુનામી સ્વરૂપે ત્રાટકે છે તેને રોકી શકવાની આપણામાં તાકાત હોતી નથી. જેરી જંતુનાશક દવાઓ વધુ શક્તિશાળી બીજા જંતુઓ ઉત્પન્ન કરવાનું કારણ બને છે, રાસાયણિક ખાતર લાંબા ગાળે ખેતી માટે ખતરો બની શકે છે. સ્વાદ માટે વપરાતા વિવિધ કેમિકલ સહિત આ બધું ભેળસેળયુક્ત બધી વસ્તુઓ મનુષ્ય સહિત તમામ સજીવોના આરોગ્ય માટે અતિ જોખમી છે. માટે પર્યાવરણનું જેટલું જતન થાય એટલું કરીશું તો જ લાંબાગાળે આપણે સૌ સજીવો સાથે મનુષ્યો પણ આપણું અસ્તિત્વ ટકાવી શકીશું. વધુ
વૃક્ષ વાવીને, પાણી સહિત તમામ કુદરતી સંપદનો વિવેકપૂર્વક ઉપયોગ કરીને સૌ સજીવો સાથે તાલમેલ પૂર્વક જીવવાનો પ્રયાસ કરીશું તો જ સુખી રહી શકીશું. માટે આપણી આસપાસનું પર્યાવરણ એ જ આપણા સુખ દુઃખનો આધાર છે એ વાત સ્વીકારીને પર્યાવરણનાં જતન માટે આપણાથી શક્ય એટલા વધુમાં વધુ પ્રયત્નો કરીશું તો સમગ્ર સજીવ સૃષ્ટિ માટે ઉપયોગી યજ્ઞમાં આહુતિ આપવા જેવું પુણ્ય પ્રાપ્ત થશે. વંદે વસુંધરા!