સુપ્રીમ કોર્ટમાં આમ આદમી પાર્ટીના નેતા સોમનાથ ભારતીની અરજી પર સુનાવણી થઈ. ભારતીએ કોર્ટમાં અરજી દાખલ કરીને ઉત્તર પ્રદેશમાં તેની વિરુદ્ધ નોંધાયેલ કેસને દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ કરી હતી. કોર્ટે અરજી ફગાવી દીધી હતી અને કેસને દિલ્હી ટ્રાન્સફર કરવાનો ઇનકાર કર્યો હતો.ઉત્તર પ્રદેશના સુલતાનપુર જિલ્લામાં સોમનાથ ભારતી વિરુદ્ધ રાજ્યની હોસ્પિટલો અને શાળાઓ વિશે અપમાનજનક ટિપ્પણી કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. ભારતીએ આ કેસને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં ટ્રાન્સફર કરવાની માંગ કરી હતી.
ગયા મહિને સુપ્રીમ કોર્ટે આપ નેતાની અરજી પર સુનાવણી કરતા ઉત્તર પ્રદેશ સરકારને નોટિસ ફટકારી હતી. આ કેસમાં ન્યાયાધીશ એસ સુંદરેશ અને ન્યાયાધીશ અરવિંદ કુમારની ખંડપીઠે ગયા વર્ષે ૩ જુલાઈના રોજ ફરિયાદીને નોટિસ ફટકારી હતી, જે ભારતી વિરુદ્ધ નોંધાયેલા કેસની કાર્યવાહી પર રોક લગાવવામાં આવી હતી.
૧૦ જુલાઈ, ૨૦૨૧ ના રોજ અમેઠીની તેમની મુલાકાત દરમિયાન મીડિયા સાથે વાત કરતી વખતે, આપ નેતાએ રાજ્યની હોસ્પિટલો અને શાળાઓ પર વાંધાજનક ટિપ્પણી કરી હતી. અમેઠીના જગદીશપુરના રહેવાસી સોમનાથ સાહુ દ્વારા તેમની સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. સોમનાથ ભારતીને લોકસભા ચૂંટણીમાં ભાજપના બાંસુરી સ્વરાજ પાસેથી હારનો સામનો કરવો પડ્યો હતો. ચૂંટણીમાં ભારતીને ૩,૭૪,૮૧૫ વોટ મળ્યા જ્યારે સ્વરાજને ૪,૫૩,૧૮૫ વોટ મળ્યા. ચૂંટણીમાં હાર બાદ ભારતીએ દિલ્હી હાઈકોર્ટમાં સ્વરાજ વિરુદ્ધ કથિત ભ્રષ્ટાચારનો આરોપ લગાવીને અરજી દાખલ કરી હતી.
દિલ્હી સરકારના ભૂતપૂર્વ પ્રધાન અને સુપ્રીમ કોર્ટના વકીલ સોમનાથ ભારતી લાંબા સમયથી વિવાદો સાથે સંકળાયેલા છે. દિલ્હી સરકારમાં હતા ત્યારે તે પોલીસ સાથેની
દલીલોને કારણે ઘણી વખત હેડલાઇન્સમાં રહ્યા હતા. તેની પત્નીએ તેના પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો, જેના કારણે તેને જેલમાં જવું પડ્યું હતું.