ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસને મંગળવારે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાને કારણે ચેન્નાઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, દાસને મામૂલી સ્વાસ્થ્ય સમસ્યા (એસિડિટીની ફરિયાદ) હતી. આરબીઆઇએ કહ્યું છે કે ચિંતા કરવાની જરૂર નથી.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડીયાએ પણ ગવર્નર શક્તિકાંત દાસના સ્વાસ્થ્યને લઈને એક નિવેદન બહાર પાડ્યું છે. આરબીઆઈએ કહ્યું છે કે દાસે એસિડિટીની ફરિયાદ કરી હતી, જેના પછી તેમને તમિલનાડુની રાજધાની ચેન્નાઈની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રિઝર્વ બેંકે કહ્યું છે કે ચિંતા કરવાની કોઈ વાત નથી અને તેમને થોડા કલાકોમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.
આરબીઆઇ ગવર્નર શક્તિકાંત દાસની નાદુરસ્ત તબિયતના સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે કેન્દ્ર સરકાર તેમના કાર્યકાળના બીજા વિસ્તરણ પર વિચાર કરી રહી છે. આ વિસ્તરણ શક્તિકાંત દાસને ૧૯૬૦ના દાયકા પછી સૌથી લાંબા સમય સુધી આરબીઆઈના ગવર્નર બનાવશે. શક્તિકાંત દાસને ડિસેમ્બર ૨૦૧૮માં આરબીઆઇ ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ તેમનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરી ચૂક્યા છે.
આરબીઆઇ ગવર્નર તરીકે શક્તિકાંત દાસના કાર્યકાળમાં ફુગાવાના દબાણ અને વૈશ્વીક આર્થિક અનિશ્ચિતતાઓ સહિત વિવિધ આર્થિક પડકારોનો સામનો કરવો પડ્યો છે. શક્તિકાંત દાસે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ભારત સંરક્ષણવાદ, વેપાર યુદ્ધ અને ભૌગોલિક રાજકીય તણાવ સહિતના બાહ્ય આંચકાઓનો સામનો કરવા માટે સારી રીતે તૈયાર છે.