થોડી ક્ષણો પછી જ્યોતિને તેના અંતરાત્માએ જવાબ આપતાં કહ્યું:
હા, તારી મહાન ઇચ્છા અને તારી તમામ ઉર્મિઓને આ દામલ જ શાંત કરી શકશે. આના જેવો કુંવારો યુવાન તને બીજે ક્યાંય શોધ્યો જડશે પણ નહીં. પરંતુ જ્યોતિ…, એક વાત તું કાન ખોલીને સાંભળી લે: દામલ ખૂબ જ શરમાળ છે, તે કંઈ પણ કામ કરતાં પહેલાં સો સો વિચાર કરે છે અને એક છોકરી સાથે આવું પગલું ભરતાં પહેલાં તે ખૂબ જ વિચાર કરે જ અને હા એ તને પટાવવા માટે બીજા છોકરાની જેમ પહેલ તો કયારેય નહીં જ કરે એટલે તારે દામલને પામવા માટે, દામલને મેળવવા માટે છોકરી થઇને પણ પહેલ તો તારે જ કરવી પડશે. અને આમ કરવા માટે તું તૈયાર છે ?
વળી જબરો પ્રશ્ન સામે આવીને ઊભો રહી ગયો પરંતુ ત્યાં તો…,
હા, મારો જે હેતુ છે, મારો ધ્યેય છે, જેના માટે હું તડપુ છું એવી એ તડપ સારૂં ને દૂરથી અહીં નોકરીએ આવવાનું મારૂં અકળ કારણ છે એ કારણ માટે ને આવું બધું જ પાર પડતું હોય તો હું પહેલ કરવામાં નાનપ નહીં અનુભવું સાચે જ હું પહેલ કરીશ…. બસ ! – જ્યોતિ મનોમન આમ બબડી.
અત્યારે રાતના અગિયાર થયા હતા. હવે ઘણા ઘણા વિચારોનો મારો ચાલુ રહેતા મગજને થોડો થાક લાગ્યો. એક તરફ સુખના વિચારો આવતા હતા તો બીજી તરફ દુઃખનાં સપના તીણા નહોર ભરાવી રહ્યા હતા. એક તરફ બળુકો એવો રાજાના કુવર જેવો…પૂરપૂરો જુવાનીના જાસમાં થનગનતો રંગીલો રતન જેવો દામલ હતો.
આવા આવા આવતા અનેક વિચારોને અંતે ડાયરી બંધ કરીને એક બાજુ મૂકી દઇ જ્યોતિએ તેના બન્ને હાથ ધીરેથી પોતાની છાતી પર રાખીને આંખોને બંધ કરી દીધી.
હવે આંખો બંધ થવાથી આવતા વિચારો એમ કંઇ તરત જ બંધ થતાં નથી. બંધ આંખે પણ સોનેરી વિચારો તો ચાલતા જ રહ્યાં. પંદર- વીસ મિનિટ સુધી આવું થયા કર્યું ને પછી જ્યોતિ સાચે જ, ખરેખર ઊંઘી ગઇ. પરંતુ કહેવાય છે કે ઊંઘમાં પણ આરામ તો ભાગ્યશાળીને મળે છે. પરંતુ આ તો જ્યોતિ હતી, સળગતી જ્યોત ! હવે…, ઊંઘમાં પણ તેનું અગોચર મન બીજી દુનિયામાં ભટકવા લાગ્યું એટલે કે તેને સપનું આવવા લાગ્યું.સ્વપ્ન વિશે કહેવાય છે કે, જ્યારે માનવીને સ્વપ્ન આવે છે ત્યારે સ્વપ્નમાં ક્યાંય પ્રકાશની હાજરી ન હોવા છતાં બધું જ દેખાય છે. પ્રકાશ વગર સ્વપ્નમાં આપણે બધું જ જાઇ શકીએ છીએ. આ કુદરતની એક કમાલ છે. હા…ઘણી વાર ભવિષ્યમાં થનાર ઘટના અંગે સપના અણસાર પણ આપે છે.
દુનિયાભરના વિદ્વાન વૈજ્ઞાનિકોના મત અનુસાર માનવીના મગજમાં કુદરતે કોઇ એવું કેમિકલ કે રસાયણ ભર્યું છે કે મીઠી ઊંઘ વખતે તે ઝરે છે. આ રસાયણ ઝરવાના પ્રમાણમાં જે વધઘટ થાય છે ત્યારે સપનાનું નિર્માણ થાય છે. જા કે આ એક તર્ક છે અને તર્ક જ સમજવો પડે સાચું શું…ખોટું શું… તે તો ઇશ્વર જાણે ! પરંતુ એક વાત સત્ય અને ચોક્કસ માનવી પડે કે સપના એ માણસની સમજણ બહારનું રહસ્ય તો છે જ.
આપણા મગજમાં સંગ્રહાયેલા થોકબંધ વિચારો, અતિ તીવ્ર લાગણી, અમાપ ઇચ્છાઓ, અઢળક અપેક્ષાઓ, ક્રુર અને ઘાતકી બનાવો, ભવિષ્યની અતિ સુંદર કલ્પનાઓ, નાનપણમાં કરેલા પરાક્રમો અને ન ભૂલાઈ શકેલા અનુભવો… આવું આવું બધું જ સપના સાથે એક સાંકળની જેમ મજબૂત રીતે જાડાઇ જાય છે. આ રીતે જાડાયેલ સાંકળમાંથી સ્વપ્નનો જન્મ થાય છે.
દરેક વ્યક્તિને સપના તો આવતાં જ હોય છે કોઇને યાદ રહે તો કોઇને યાદ ન પણ રહે. વળી કયારેક તો ન જાયેલા, ન જાણેલા એવા અગોચર વિશ્વ સુધી આવતું સપનું આપણને ઢસડી જાય છે.
અરે…, કયારેક બિહામણું સપનું માનવને લાચાર બનાવી દઇ બુમો પણ પડાવે છે, રડાવે પણ છે એટલે તો કહેવાય છે કે સપનું એ સપનું જ છે.
આવું જ સપનું જે કયારેય નહીં વિચારેલું, કયારેય નહીં કલ્પેલું એવું સપનું જ્યોતિને આવ્યું. આવેલા સપનામાં સપનાનો રાજકુમાર બીજા કોઇ નહીં પણ દામલ હતો. હા, દામલ થોડે દૂર ઊભો રહી, હાથ ફેલાવી… પહોળા કરી હસતો હસતો જ્યોતિને બોલાવી રહ્યો હતો. આવું થતાં જ્યોતિ પણ ધીમી ચાલે ચાલી… દામલના મજબૂત હાથમાં સમાઇ જાય છે. ને એ સાથે ગાઢપ્રગાઢ આલિંગન થયું, અરસપરસ બન્નેના હોઠ ભીના ભીના થયા, શ્વાસોચ્છવાસની આપલે ઝડપથી થઇ રહી પરંતુ…આ શું ?
દામલની પાછળ ઊભેલી વ્યક્તિ કોણ છે ? એ છાયાકૃતિએ તો વનખાતાના કર્મચારીઓનો પહેરવેશ ધારણ કરેલો છે. એ પહાડી ને પડછંદ આકૃતિ…. જાણે કે જ્યોતિને કંઈક કહેવા તેના હોઠ ફફડાવી રહી હતી પરંતુ….
એ ક્ષણે જ અર્ધમીંચાયેલ આંખો જ્યોતિએ પટપટાવી. આંખો ખુલી એ સાથે જ સ્વપ્ન ગાયબ. આંખો ચોળતાની સાથે જ્યોતિ પથારીમાંથી બેઠી થઇ. આજે આવેલા સપનાએ તો તેના હોઠને ભીની ભીના કરી દીધા હતા. તેની છાતી પણ કઠણ અને ટટ્ટાર થઇ ગઈ હતી. તો પણ તેની આંખોના ઊંડાણમાં તો જાણે કે અનેક સપના આમ – તેમ આળોટતાં હતાં જાણે…
સવારમાં સૂરજનારાયણનાં કોમળ કિરણો ધરાને સોનેરી બનાવવાના કામમાં લાગી ગયા હતા. થોડો થોડો ઘોંઘાટ અને માણસોની ચહલ – પહલના અવાજા ધીમે ધીમે વધવા લાગ્યા હતા.
થોડી સ્વસ્થ થઇ જ્યોતિ પ્રાતઃકાર્ય કરવાના કામમાં મંડાઇ પડી. બાથરૂમમાં દાખલ થઇને જયારે તેણે તેના અંગ પરથી વસ્ત્ર કાઢી એક નજર તેણે તેના આખા દેહ પર ફેરવી એ સાથે જ તેના મોઢામાંથી એક કોરી કોરી આહ બહાર નીકળી ગઇ. આજે તેને તેના પોતાના જ વિકસેલા અંગો જાવાની જાણે મજા આવી રહી હતી.
હુંફાળા પાણીથી તે ઘણીવાર સુધી નાહતી રહી. નાહવાનું કામ પુરૂં કરી અંગે અંગ ઘસી ઘસીને લૂછ્યા પછી નવા કપડા પહેરીને તે આદમકદના અરિસા સામે છાતી ઊંચી કરીને ટટ્ટાર ઊભી રહી. આજે તો ઘણીવાર સુધી તેણે તેનું રૂપ, તેનું સૌદર્ય નીરખી નીરખીને જાયું. આવું થતાં અરિસામાંનો ચહેરો મરક મરક હસ્યો. આવો હસતો ચહેરો જાતાંની સાથે જ જ્યોતિને તેનું અસ્તીત્વ જાણે કે ભીતરમાં દેખાયું. પોતાનું અસ્તીત્વ કેવું ? એ તો તેને અત્યારે ગહનતાથી ખબર પડી.
જ્યોતિ વિચારવા લાગી, તેને બધું ધુંધળુ ધુંધળુ દેખાવા લાગ્યું:
સ્વયંના હસ્તમેળાપ વખતે, એ સમયે… મારી ભગ્યરેખા કદાચ કોઇ બીજા છોકરાની ભાગ્યરેખા સાથે જાડાઇ ગઇ હોય તો નવાઇ નહીં અરે…! સાચે જ મારૂં ભાગ્ય, મારૂં નસીબ… મેં ક્યાં જાયું છે ? (ક્રમશઃ)