પ્રિયજનનો અર્થ માત્ર સાંકેતિક છે. એનો અર્થ પ્રિયતમ કે પ્રિયતમા સુધી સીમાઃ ઈતિ નથી. જેના હૃદયમાં અનંત સૌન્દર્યની તરસ છે તે તો દેવોના દર્શન વિના તૃપ્ત થતા નથી. દેવોનું મુખારવિંદ એટલે એમની નિત્યની વસંત. એમને માટે દેવમૂર્તિ જ પ્રિયજન. કોઈની આંખોને એવું ઘેન ચડે કે જ્યાં સુધી એ નેત્રો હિમાલયના ધવલગિરિ જુએ નહિ ત્યાં સુધી ચિત્ત ઠેકાણે ન પડે. અમદાવાદથી ટ્રેનમાં પ્રવાસ કરો એટલે ત્રીજા દિવસે બારીમાંથી હિમાલય દેખાવા લાગે. એ એમની વસંત છે.
શહેરના પાશ વિસ્તારમાં મહેલ જેવો બંગલો બનાવ્યા પછી એના આગળના પ્રથમ દિવાનખંડમાં એક આરામ ખુરશી છે. એમના દાદાજીની આરામ ખુરશી. એમાં એક છાપું છે આજનું. એના પર છે ચશ્મા. પોતાની મહાકાય કંપનીના ચેરમેન થયેલા જુવાનને દિવાનખંડનું આ આરામ ખુરશીનું દૃશ્ય પરમ સુખ આપે છે. આ દુનિયામાં જે લોકો એના દાદાના હાથે ઘડાયેલા છે એ ઉત્તમ મનુષ્યત્વને અલ્પપ્રયાસે પામ્યા છે. એ લોકો માટે દાદાની એક જ સ્મરણઝલક પરિપૂર્ણ વસંત છે. માતા શિશુને નિરખે અને શિશુ તાકે ટગર ટગર માને, એ તારામૈત્રક વચ્ચેના માર્ગમાં વસે છે વસંત. વસંત હવામાનના વાર્ષિક ચક્રમાં તો હોય, પણ જિંદગીના ચક્રમાં તો એ કેન્દ્રબિંદુ પાછળ છુપાયેલો છે આપણો અનુરાગ.
વસંત ઋતુ જિંદગીનો એક વિશિષ્ટ આવિર્ભાવ છે. જેનું ચિત્ત જેમાં લાગેલું હોય એને એમાં ફૂલોથી મહેંકતા આસમાનનો અનુભવ થાય. આપણે કોઈ ઉચ્ચકોટિના સંત કે ફકીરને જોઈએ તો જ્યારે પણ જોઈએ ત્યારે તેઓ એક જ મિજાજમાં હોય છે. એનું કારણ એ જ છે કે એમને એમની વસંત મળી ગઈ હોય છે. એક વખત પણ તે જેમને પોતાની વસંત ઋતુનો પરિચય થાય, એમણે પછી બીજા ફૂલ કે બીજી પાંદડી શોધવાના રહેતા નથી. પછી તેઓ હર ઘડી હર પલ તેમની વસંતમાં જ ગળાડૂબ હોય છે.
વસંત ઋતુ બે પ્રકારની હોય છે – બહાર વનશ્રીમાં સાક્ષાત પ્રફુલ્લિત વસંતઋતુ એ તો માત્ર ઈન્દ્રિયોનો ખેલ છે. ઇન્દ્રિયોને અવગત છે. એટલે કે આમ્રમંજરીઓની મહેક, વનરાજિમાં અભિનવ પુષ્પ-પર્ણવૈભવ અને કોકિલના ટહુકાર……પરંતુ ભીતર તો એક જુદી જ દુનિયા છે. બહારની વસંતનો મહિમા એટલે છે કે એનું અનુસંધાન આપણા અંતઃકરણમાં એવા જ વાતાવરણને પ્રગટ કરી આપે. ટેબલ પર ફ્લાવરવાઝના ફૂલો ખોટા હોય છે, પરંતુ કેવા ગમે છે? કારણ કે એ ફૂલો જ આપણને સાચા ફૂલોનું સ્મરણ કરાવે છે. દિવાલ પર દાદાજીની એક છબી છે. એક નજર એના પર પડે કે તુરત જ આપણો હાથ એક નાજુક નમણી આંગળી બની જાય જે ઝાલીને દાદા બજારમાં જતા હોય…. દાદાએ બતાવેલી અને એમણે સમજાવેલી આ દુનિયા ફરી એમની વાણીમાં સજીવન થઈ જાય. દાદાની છબી ખરેખર દાદા એ આપેલા અદ્રશ્ય વારસાનું અનુસંધાન છે. દાદા નથી ત્યારે એ છબી આપણને દાદા સુધી લઈ જાય છે. ફ્લાવરવાઝ આપણને અસલ ફૂલોની મહેક સુધી લઈ જાય છે. વસંતમાં અટકી ક્યાં જવાનું છે ? વસંત તો આલંબન વિભાવ છે.
વસંતનો સંબંધ જ ભીતર સાથે છે. પાનખર પછી તો વગડો ખાલીખમ થઈ ગયો હોય છે. બધા જ વૃક્ષો દિશાઓનાં વસ્ત્ર પહેરીને વૈરાગ્ય ભાવમાં એવા અવાક્ થઈ ગયા હોય છે જાણે કે કોઈએ અનિચ્છાએ એમને સંસાર મૂકાવ્યો ન હોય. એ સમયે વરસાદ તો આવતો નથી અને છતાં એકાએક જ આખું જંગલ લીલ્લુંછમ્મ થવા લાગે છે. એટલે કે વસંતઋતુ એ બહારથી અભિષેક થતાં જળનો તો પ્રસંગ જ નથી. ઊંડા મૂળનો આ જાદુ છે. ઊંડેથી જળ સહજ સિંચાઈને ઉપર આવે એ ચમત્કૃતિ વસંત છે. કોઈ ન જુએ કે ન જાણે, બસ માણે એ વસંત છે. આવો સ્વભાવ હોય છે કોઈનો. બસ તમે એમની સાથે હો એટલે એ તમને આનંદ જ આવે. કારણ કે એમને કંઈ લઈ લેવાનું નથી. બને તો બસ આપવું જ છે.
પોતાની ભીતરની ગહન પ્રસન્નતા વિના ન તો સ્વયં લીલ્લા રહી શકાય કે ન તો કોઈને હરિત રંગે રંગી શકાય. પુષ્પરંગવૈવિધ્ય તો જુઓ. એનો પાર ન પામે કોઈ…. પાંદડે પાંદડે પોઢ્યા હરિ હોઈ….! વસંતની બીજી એક મજા પવન છે. પવનનો મિજાજ બદલાય છે. એકાએક જ એમાં મીઠાશ આવી જાય છે. ઘરની બારીઓ ખુલવા લાગે છે. મીઠી લહેર વગડામાં એવી ફરી વળે કે આભતળે જ રાતવાસો કરવાનું મન થાય. વસંતની રાત્રિઓ અટારીમાં, અગાસીમાં કે ઘરઆંગણાંમાં પસાર કરવાની રાત્રિઓ છે. આપણે બારમાસી પાન ખાયે એવા સૈંયા છીએ તો ભલે પણ પાનનો આસ્વાદ લેવાની ખરી મોસમ વસંતની રાતનો પ્રથમ પ્રહર છે. કોઈને હિંચકે ઝૂલવાનો રંગ હોય તો કોઈના કંઠમાં મધુરા અભંગ હોય… કોઈને ફૂલની વેણી વહાલી તો કોઈ કરે પસંદીદા વિહાર. ચાંદની હળવેથી કોઈ નવવધૂના હાથે પથરાતી મખમલી બિછાત જેમ ચરણ સુધી એવી રીતે આવે કે એના સૌન્દર્યના પથરાટમાં બે ઘડી પગ ઊંચા લઈ લેવા પડે. વસંત સદાય સંબંધ રાખવા જેવી મોસમ છે. એનો આવરો-જાવરો હૈયાંને તરોતાજ અને રૂપરાજ રાખે છે. ભીતરની અમીરાત ન હોય ત્યાં બે પાંદડે ન થવાય ને લીલ્લાય ન રહી શકાય. ઊંડા અંધારે થી પરમ તેજે તો જ જવાય જો એનાથીય વધુ ઊંડાણે અઢળક અજવાળાં ભર્યા હોય.