ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. મંગળવારે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો હતો. ત્યારે ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. આ સાથે આજે હવામાન વિભાગે આ વખતનું ચોમાસું સારું રહેશે તે અંગેની પણ આગાહી કરી છે.
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર, એ. કે. દાસના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં હાલ સાત દિવસ શુષ્ક રહેશે. હાલ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ તરફના પવન ફૂંકાઈ રહ્યા છે. આ સાથે ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે. જેના કારણે ગુજરાતમાં બે દિવસ એટલે ૪૮ કલાક તાપમાન વધવાની આગાહી છે. જે બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટવાની આગાહી આપવામાં આવી છે. ૪૮ કલાક બાદ ગરમીમાંથી આંશિક રાહત મળશે.
એ. કે. દાસ વધુ માહિતી આપતા જણાવ્યું છે કે, બે દિવસ ૧૭ અને ૧૮મી એપ્રિલ હીટવેવની શક્્યતા છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી છે. ૧૭ અને ૧૮ તારીખે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં અને સૌરાષ્ટ્રના કચ્છ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ગરમીનું મોજું પ્રવર્તે તેવી શક્યતા છે. આ ત્રણ દિવસ યલો વો‹નગ સાથે હીટવેવ વો‹નગ પણ આપવામાં આવી છે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની આગાહી છે. આ ઉપરાંતના કોઈપણ વિસ્તારોમાં કોઈ ચેતવણી આપવામાં આવી નથી.
આ વખતના ચોમાસા અંગે તેમણે પૂર્વાનુમાન આપ્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, ગુજરાતમાં ચોમાસાનો સારો વરસાદ થવાનું પૂર્વાનુમાન છે. ગુજરાતમાં સામાન્ય અથવા સામાન્યથી વધુ વરસાદ થવાનું પૂર્વાનુમાન છે. ગત વર્ષે ચોમાસાનો વરસાદ સામાન્ય કરતાં ૪૮ ટકા વધુ થયો હતો. આ વખતે પણ ગુજરાતમાં સારો વરસાદ થવાનું અનુમાન છે.
નોંધનીય છે કે, ભારતીય હવામાન વિભાગે આ વર્ષના ચોમાસાના વરસાદનું પહેલું અનુમાન જાહેર કર્યું છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર, આ વર્ષે ભારતમાં સરેરાશ કરતાં ૧૦૫ ટકા વધુ ચોમાસાનો વરસાદ પડી શકે છે.આઇએમડીએ કહ્યું છે કે, આ વર્ષે ભારતીય ઉપખંડમાં ચોમાસા દરમિયાન અલ નીનોની સ્થિતિ વિકસિત થવાની શક્યતા નથી. ચાર મહિનાના ચોમાસા ઋતુ દરમિયાન ભારતમાં સામાન્યથી વધુ વરસાદ પડવાની શક્યતા છે. આ સિઝનમાં સરેરાશ કરતાં ૧૦૫ ટકા વધુ વરસાદ પડવાની ધારણા છે. દેશના ઘણા ભાગો પહેલાથી જ તીવ્ર ગરમીનો સામનો કરી રહ્યા છે અને એપ્રિલથી જૂનના સમયગાળામાં દિવસો ખૂબ ગરમ રહેવાની ધારણા છે. આનાથી વીજળી ગ્રીડ પર દબાણ આવી શકે છે અને પાણીની અછત સર્જાઈ શકે છે. ભારતીય હવામાન વિભાગની આગાહી ખેડૂતો માટે ફાયદાકારક છે, કારણ કે સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની સંભાવના છે જેનાથી ખેતીમાં મોટી મદદ મળશે.