(એ.આર.એલ),બેરૂત,તા.૨૩
લેબનોનમાં આતંકી સંગઠન હિઝબુલ્લાહના અડ્ડાઓને ઈઝરાયેલ સતત નિશાન બનાવી રહ્યું છે. દરમિયાન, ઇઝરાયેલની વાયુસેનાએ બેરૂત અને તેની આસપાસ ઘાતક હવાઈ હુમલા કર્યા છે. ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં ૧૨ થી વધુ લોકોના મોત થયા છે. આ હુમલાઓમાં લેબનોનની સૌથી મોટી સાર્વજનિક હોસ્પટલને ભારે નુકસાન થયું છે. લેબનાના સ્વાસ્થ્ય અધિકારીઓએ આ અંગેની માહિતી આપી છે.લેબનોનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ઇઝરાયેલના હવાઈ હુમલામાં અન્ય ૫૭ લોકો ઘાયલ પણ થયા છે. આ હુમલામાં દક્ષિણી બેરૂતની બહાર રફીક હરીરી યુનિવર્સિટી હોસ્પટલની સામેની કેટલીક ઈમારતો પણ ધ્વસ્ત થઈ ગઈ હતી. ઈઝરાયેલની સેનાએ વિગતો આપ્યા વિના કહ્યું કે તેણે હિઝબુલ્લાહના સ્થાનો પર હુમલો કર્યો છે. સેનાએ હોસ્પટલને નિશાન બનાવ્યું ન હતું.હિઝબુલ્લાહે પણ મધ્ય ઇઝરાયેલમાં અનેક રોકેટ ફાયર કરીને બદલો લીધો હતો. હિઝબુલ્લાહ દ્વારા કરવામાં આવેલા આ હુમલાથી કોઈ નુકસાન થયું નથી. અમેરિકી વિદેશ મંત્રી એન્થોની બ્લંકન ગાઝા યુદ્ધવિરામ વાટાઘાટો ફરી શરૂ કરવાના મિશન પર આ વિસ્તારમાં પહોંચ્યા તેના કલાકો પહેલાં આ હુમલો થયો હતો. ઈઝરાયેલની સેનાએ કહ્યું કે લેબનોનથી ઈઝરાયેલમાં રોકેટ છોડવામાં આવ્યા હતા અને તેમાંથી મોટાભાગનાને એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા હવામાં જ નષ્ટ કરી દેવામાં આવ્યા હતા.
આ દરમિયાન અહીં એ પણ જણાવી દઈએ કે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ હમાસને નષ્ટ કરવાનો અને આતંકવાદી જૂથ દ્વારા બંધક બનાવાયેલા ડઝનબંધ લોકોને મુક્ત કરવાનું વચન આપ્યું છે. તે જ સમયે, હમાસનું કહેવું છે કે તે કાયમી યુદ્ધવિરામ, ગાઝામાંથી ઇઝરાયલી સૈનિકોની સંપૂર્ણ હટાવવા અને પેલેસ્ટનિયન કેદીઓને મુક્ત કરવાના બદલામાં જ બંધકોને મુક્ત કરશે.તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ૭ ઓક્ટોબરે હમાસના આતંકવાદીઓએ ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. આ આતંકવાદી હુમલામાં લગભગ ૧,૨૦૦ લોકો માર્યા ગયા હતા અને ૨૫૦ લોકોનું અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારથી, ઇઝરાયેલ હમાસના સ્થાનો પર સતત હુમલા કરી રહ્યું છે. સ્થાનિક આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર ગાઝામાં ઇઝરાયેલના વળતા હુમલામાં ૪૨,૦૦૦ થી વધુ પેલેસ્ટનિયનો માર્યા ગયા છે. યુદ્ધે ગાઝાનો મોટાભાગનો ભાગ તબાહ કર્યો છે અને તેની ૨.૩ મિલિયન વસ્તીના લગભગ ૯૦ ટકા લોકો વિસ્થાપિત થયા છે.