ઇન્ડોનેશિયાના જાવા ટાપુ પર અચાનક આવેલા પૂર અને ભૂસ્ખલનના કારણે ૧૬ લોકોના મોત થયા છે અને નવ લોકો ગુમ થયા છે. અધિકારીઓએ મંગળવારે આ માહિતી આપી. તેમણે જણાવ્યું હતું કે રાહત અને બચાવ કામગીરી દરમિયાન જાવાના મુખ્ય ટાપુના પર્વતીય પ્રદેશના ગામડાઓમાં અચાનક પૂરમાં વહી ગયેલા ૧૬ લોકોના મૃતદેહ બચાવ કાર્યકરોએ બહાર કાઢ્યા હતા. આ મૃતદેહો કાટમાળ અને ખડકો નીચે દટાયેલા હતા. તેમણે કહ્યું કે પૂર અને ભૂસ્ખલનની ઘટનામાં ૯ લોકો ગુમ થયાના અહેવાલ છે.
સ્થાનિક આપત્તિ વ્યવસ્થાપન એજન્સીના વડા બર્ગસ કેતુરસરીએ જણાવ્યું હતું કે, સોમવારે મુશળધાર વરસાદને કારણે નદીઓમાં પૂર આવ્યું હતું અને સેન્ટ્રલ જાવા પ્રાંતના પેકાલોંગન રીજન્સીના નવ ગામડાઓ પ્રભાવિત થયા હતા. આ સમયગાળા દરમિયાન, ડુંગરાળ પ્રદેશમાં પર્વત ઢોળાવ પરથી માટી અને ખડકો નીચે પડ્યા; ઘણા વૃક્ષો પણ ઉખડી ગયા. તેમણે જણાવ્યું હતું કે બચાવ કાર્યકરોએ મંગળવાર સુધીમાં સૌથી વધુ અસરગ્રસ્ત પેટુંગક્રિઓનો ગામમાંથી ઓછામાં ઓછા ૧૬ મૃતદેહો બહાર કાઢ્યા છે. ગુમ થયેલા ગ્રામજનોની શોધ ચાલુ છે.
કતુરસરીએ જણાવ્યું હતું કે ૧૦ ઘાયલો આપત્તિ ક્ષેત્રમાંથી ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા અને તેમને નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા. ઓક્ટોબરથી માર્ચ દરમિયાન મોસમી વરસાદને કારણે ઇન્ડોનેશિયામાં ઘણીવાર પૂર અને ભૂસ્ખલન થાય છે. ઇન્ડોનેશિયા ૧૭,૦૦૦ ટાપુઓનો એક દ્વીપસમૂહ છે જ્યાં લાખો લોકો પર્વતો અથવા પૂરગ્રસ્ત વિસ્તારોની નજીક રહે છે.