ઇન્ડોનેશિયાના હવામાનશાસ્ત્ર, આબોહવાશાસ્ત્ર અને ભૂ-ભૌતિકશાસ્ત્ર એજન્સી અનુસાર,સવારે ઇન્ડોનેશિયાના પશ્ચિમ આચેહ પ્રાંતમાં ૫.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. શરૂઆતમાં, એજન્સીએ ભૂકંપની તીવ્રતા ૬.૨ જણાવી હતી, પરંતુ પછીથી તેને ઘટાડી દીધી. જોકે, આ ભૂકંપથી હજુ સુધી કોઈ નુકસાન થયું નથી. એજન્સીના જણાવ્યા અનુસાર, ભૂકંપ મંગળવારે જકાર્તા સમય મુજબ સવારે ૨ઃ૪૮ વાગ્યે આવ્યો હતો, જેનું કેન્દ્રબિંદુ સિમેયુલુ રીજન્સીમાં સિનાબુંગ શહેરથી ૬૨ કિમી દક્ષિણપૂર્વમાં, સમુદ્ર સપાટીથી ૩૦ કિમી નીચે સ્થિત હતું.
ભૂકંપથી સમુદ્રમાં મોટા મોજા ઉછળવાની શક્યતા ન હોવાથી સુનામીની કોઈ ચેતવણી જારી કરવામાં આવી ન હતી. “ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં, ખાસ કરીને સિમેયુલુ રીજન્સીમાં, જે સૌથી વધુ અસરગ્રસ્ત હતું, હજુ સુધી કોઈ ગંભીર નુકસાન કે જાનહાનિના અહેવાલ નથી,” પ્રાંતીય આપત્તિ વ્યવસ્થાપન અને શમન એજન્સીના વરિષ્ઠ અધિકારી ઝોપાન એ, શિન્હુઆ સમાચાર એજન્સીને જણાવ્યું. તમને જણાવી દઈએ કે ઇન્ડોનેશિયા એક દ્વીપસમૂહ રાષ્ટ્ર છે, જે ભૂકંપની દ્રષ્ટિએ સક્રિય પેસિફિક રિંગ ઓફ ફાયર પર સ્થિત હોવાને કારણે ભૂકંપ માટે સંવેદનશીલ છે. દેશમાં ૧૨૭ સક્રિય જ્વાળામુખી છે અને તેના કારણે અહીં સતત ટેક્ટોનિક પ્રવૃત્તિ ચાલુ રહે છે.