મોદી સમાપ્ત થઈ ગયા છે, મોદી હવે નિવૃત્ત થઈ જશે, દિલ્લીવાળા કહે છે તેમને ગુજરાત પાછા બોલાવી લો. કેટકેટલી મજાક ૨૦૨૪ની ચૂંટણી પછી મોદીની કરવામાં આવી ! ઇવન, કેટલાક જમણેરી પણ લીલા ચશ્માધારી સેક્યુલરોના આ એજન્ડામાં આવી ગયા! વિચાર કરો કે દેશમાં નહેરુ પછી કોઈ બીજા એવા એ વ્યક્તિ બન્યા કે જે સતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યા. નહેરુ વખતે ચૂંટણી પંચની, સર્વોચ્ચ ન્યાયાલયની, મીડિયાની શું સ્થિતિ હતી તે બધા જાણે છે. કેટલી મહિલાઓ બહાર જતી હતી તે સમયે? મોદીની મજાકનું કારણ એ જ કે એમણે ૪૦૦ પારનું સૂત્ર આપ્યું હતું. અને ૪૦૦ બેઠકો ન આવી. પરંતુ ૨૯૧ બેઠકો તો આવી ને! ૨૦૦૪ની ચૂંટણી પહેલાં યુપીએ હતો જ નહીં. ભાજપને ૧૩૮ અને કાંગ્રેસને ૧૪૫ બેઠકો મળી હતી. માત્ર સાત બેઠકોનો તફાવત હતો અને યુપીએ રચાયા પછી તેની કુલ બેઠકો હતી ૨૧૮! તોય તે વખતે બેધડક રીતે સોનિયાનો જયજયકાર મીડિયાએ કર્યો હતો. ૨૦૦૯માં યુપીએ-૨ને કેટલી બેઠકો મળી હતી? ૨૬૨ ! તોય ઊછળકૂદ રાહુલ ગાંધીના નામે જ દરબારી મીડિયાએ કરી હતી. તેની સામે આ વખતે ભાજપને ૨૪૦ અને એનડીએને ૨૯૩ બેઠકો મળી છે. તોય મોદી તો હારી ગયા ભાઈ, હારી ગયાનું ગાણું ગાયું.
અને પછી તો માંકડને મોઢું આવે તેમ સેક્યુલર પ્રજાતિ કૂદકા મારવા લાગી. જાતજાતની આગાહી કરવા લાગી. મોદી તો જુલાઈમાં જાય છે, આૅગસ્ટમાં જાય છે, મોદી ગઠબંધનની સાથે શાસન નહીં કરે તેવું તો ૨૦૧૪ની ચૂંટણી પહેલાં પણ કહેવાતું હતું. મોદીની હિન્દુત્વવાદી નીતિ સાથે ચંદ્રબાબુ નાયડુ નહીં આવે. પણ થયું એવું કે આંધ્રમાં અભિનેતા અને હવે ઉપ મુખ્ય પ્રધાન પવન કલ્યાણ તો ‘સનાતન ધર્મ પ્રાટેક્શન બાર્ડ’ બનાવવાની માગણી કરવા લાગ્યા! જે દક્ષિણમાં માત્ર ને માત્ર પ્રાદેશિકવાદ ચાલતો હતો ત્યાંથી આવી માગણી! આવામાં હરિયાણા અને જમ્મુ-કાશ્મીરની ચૂંટણી આવી. નિર્ગમન સર્વે અને દરબારી મીડિયાએ ભવિષ્ય ભાખી દીધું કે ભાજપ હારે છે. કારણ પણ નક્કર તો હતું. હરિયાણામાં લોકસભા ચૂંટણીમાં ભાજપને અને કાંગ્રેસને પાંચ-પાંચ બેઠકો મળી હતી. ૨૦૧૯માં ભાજપે બધી બેઠક જીતી હતી. ભાજપ સતત ત્રીજી વાર જનાદેશ માગી રહ્યો હતો. એટલે શાસન વિરોધી જુવાળ હોય. લોકસભા ચૂંટણી ૨૦૨૪માં ૯૯ જ બેઠકો મળી હોવા છતાં આ લોકોની દૃષ્ટિએ રાહુલ ગાંધી હવે મોદીને ભારે પડી રહ્યા હતા. જમ્મુ-કાશ્મીરમાં તો ભાજપનું જોર આમેય જમ્મુ પૂરતું જ છે. કાશ્મીર મુસ્લિમ બહુલ છે. ૧૯૯૦માં ષડયંત્રપૂર્વક કાશ્મીરી પંડિતોને ભગાવી દેવાયા, મરાયા, બળાત્કાર કરાયો, સંપત્તિ છિનવી લેવાઈ તે પછી તેમને મતદાનનો અધિકાર નહોતો રહ્યો કારણકે અનુચ્છેદ ૩૭૦ અનુમતિ ન આપે. વાલ્મીકિ સમાજ રહેતો હતો પરંતુ તેમને પણ મતદાનનો તો શું, તેમનાં સંતાનો ડાક્ટર-એન્જિનિયરનું ભણ્યા હોય તો પણ તેમને સરકારી નોકરીનો અધિકાર નહોતો. કાશ્મીરના મુસ્લિમો ત્યાં ગમે તેટલા વિકાસનાં ફળ અત્યારે ચાખી રહ્યાં હોય, ત્રાસવાદથી મુક્તિ મેળવવાનો રાહતનો શ્વાસ લઈ રહ્યા હોય પરંતુ તેઓ ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં જે રીતે ભારતના મુસ્લિમોએ ભાજપને મત ન આપ્યો તો કાશ્મીરના મુસ્લિમો તો ક્યાંથી આપવાના? પરંતુ તેમણે જે બાબતોની ઉપેક્ષા કરી તે આ રહીઃ મોદી સદા પોતાની ભૂલોમાંથી શીખે છે.
ભાજપે સંઘ સાથે જે કંઈ મનદુઃખ હતું તે દૂર કર્યું. હરિયાણાની ચૂંટણી પૂર્વે સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું કે હિન્દુઓએ એક રહેવાની આવશ્યકતા છે. સંઘે બાજી સંભાળી લીધી અને દરેક જિલ્લામાં ૧૫૦ સ્વયંસેવકોને કામ સોંપ્યું. સ્વંયેસેવકોએ હરિયાણામાં કુલ ૧૬,૦૦૦ બેઠકો કરી. હિન્દુઓને એક રહેવાની આવશ્યકતા છે તેવો મોહન ભાગવતનો સંદેશો પહોંચાડ્‌યો.
યોગી આદિત્યનાથ સાથે પણ ભાજપ નેતૃત્વએ મડાગાંઠ દૂર કરી અને હરિયાણામાં પ્રચાર કરવાની પૂરી છૂટ આપી. તેમણે ૧૪ બેઠકો પર પ્રચાર કર્યો તેમાંથી નવ બેઠકો ભાજપે જીતી. યોગી આદિત્યનાથે ધૂંઆધાર પ્રચાર કર્યો. ‘બટેંગે તો કટેંગે’માં બધું સમજાવી દીધું.
૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં હિન્દુઓ બધું બરાબર છે તેમ માની બેઠા છે. પરમ વૈભવ આવી ગયો છે. શ્રી રામલલ્લાનું મંદિર બની ગયું, અનુચ્છેદ ૩૭૦ દૂર થઈ ગઈ, ત્રિ-તલાક આવી ગયો હવે શું? આ બધું ચૂંટણીના બહુ પહેલાં થયું. શ્રી રામલલ્લાનું મંદિર ચૂંટણીના ત્રણ મહિના પહેલાં જાન્યુઆરી ૨૦૨૪માં પ્રાણપ્રતિષ્ઠા સાથે ખુલ્લું મૂકાયું, તેથી તેનો પ્રભાવ એપ્રિલ આવતાં-આવતાં ઓસરી ગયો. પૂ. શંકરાચાર્યોની ભૂમિકાના કારણે હિન્દુ વિભાજિત થઈ ગયો. તેમાં અમિત શાહનો અનામત વિરોધી સાવ ખોટો (એઆઈ) વીડિયો વહેતો થયો. લલ્લનસિંહ બફાટ કરી બેઠા કે ૪૦૦ પાર આવશે તો સંવિધાન બદલી નાખીશું. પરંતુ જુલાઈ-આૅગસ્ટમાં બાંગ્લાદેશમાં શૈખ હસીના સામે વિદ્યાર્થીઓના આંદોલનના નામે પછી હિન્દુઓ પર જે અત્યાચાર થયા અને તેમાં કાંગ્રેસના રાહુલ ગાંધી અને ઇણ્ડિ ગઠબંધનના અન્ય નેતાઓ મૌન રહ્યા તેનાથી હિન્દુ ફરીથી જાગી ગયો.
આટલું ઓછું હોય તેમ અમેરિકામાં પહોંચેલા રાહુલ ગાંધીએ ભારતમાં શીખોને કડું અને પાઘડી નથી પહેરવા દેતા, ગુરુદ્વારા નથી જવા દેતા, તેમજ અમે અનામત દૂર કરીશું તેમ કહ્યું. વળી, જમ્મુ-કાશ્મીરમાં રાહુલ ગાંધીએ ફારુક અબ્દુલ્લાના પક્ષ એન.સી. સાથે ગઠબંધન કર્યું. ફારુક અબ્દુલ્લા દેશવિરોધી નિવેદનો કરવા માટે જાણીતા છે. તેમણે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના મુદ્દે કહ્યું કે પાકિસ્તાને બંગડી નથી પહેરી. આ નિવેદનનો પ્રભાવ કાશ્મીરમાં સકારાત્મક થયો હશે પરંતુ હરિયાણામાં તો નકારાત્મક જ થાય. કારણકે ત્યાંથી મોટી સંખ્યામાં યુવાનો સેનામાં જાય છે.
અનુચ્છેદ ૩૭૦ હટ્યા પછી વાલ્મીકિ સમાજને મતદાનનો અધિકાર પહેલી વાર મળ્યો. શું આ સંદેશ સમગ્ર દેશના વાલ્મીકિ અને દલિતોમાં ન ગયો હોય?
ગુજરાત માડલ હરિયાણામાં પણ અપનાવાયું. શાસન વિરોધી જુવાળને નષ્ટ કરવાના એક ઉપાય તરીકે મનોહર ખટ્ટરને હટાવી નાયબસિંહ સૈનીને મુખ્ય પ્રધાન બનાવ્યા. નાયબસિંહ સૈની ઓબીસીમાં આવતી સૈની જાતિના છે. જે રીતે સત્તાનું સરળ હસ્તાંતરણ થયું અને ખટ્ટરે મૂકસેવકની જેમ પદ છોડી દીધું (ગુજરાતમાં કેશુભાઈ, આનંદીબેન અને વિજય રૂપાણીની જેમ) તેનો સકારાત્મક પ્રભાવ ગયો કારણકે કાંગ્રેસમાં જાટ નેતા ભૂપેન્દ્રસિંહ હુડ્ડા અને દલિત નેત્રી કુમારી શૈલજા વચ્ચે ચૂંટણી પહેલાં જ મુખ્ય પ્રધાન કોણ બનશે તેનો વિવાદ શરૂ થઈ ગયો. કુમારી શૈલજા પ્રચારથી વેગળાં રહ્યાં. અધૂરામાં પૂરું, કુમારી શૈલજા સામે દાવ રમાતો હોય તેમ, કાંગ્રેસમાંથી ભાજપમાં ચાલ્યા ગયેલા દલિત નેતા અશોક તન્વરને કાંગ્રેસમાં પાછા લવાયા. આના કારણે વિખવાદ વકર્યો.
નરેન્દ્ર મોદી ચૂંટણીમાં જે શહેરમાં જાય છે ત્યાં જે ખોટ હોય તેને પૂરવાની વાત કરે છે. આ જોઈને રાહુલ ગાંધીએ હરિયાણામાં જલેબીની ફેક્ટરી નાખવાની વાત કરી અને તેની અમેરિકામાં નિકાસ કરવાની વાત કરી. આવાં હાસ્યાસ્પદ નિવેદનની પણ ગુજરાતી દરબારીઓને નોંધ ન લીધી. મોદીએ આવું કહ્યું હોત તો ગામ ગજવી મૂકાત.
તેમણે જનકલ્યાણનાં જે પગલાં લીધાં તેના તો દરબારી મીડિયામાં નોંધ જ ક્યાંથી લેવાઈ હોય? તેમણે વીજળી પર લઘુતમ ચાર્જ દૂર કરી યૂનિટના આધારે ભાવ લેવાનો નિર્ણય કર્યો. ‘પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુફ્‌ત બીજલી’ યોજના તો સારી છે જ, પરંતુ તેની હેઠળ સૈનીએ સબસિડી ચાલુ કરી. એક તરફ, કાંગ્રેસ અને આઆપ એમ ને એમ મફત વીજળી આપવાની વાત કરે અને બીજી તરફ, આ રીતે નિઃશુલ્ક વીજળી મળે તો કોણ શું પસંદ કરે?
ચૂંટણી દરમિયાન તો ખરું જ, પરંતુ તે પછી પણ રાહુલ ગાંધીએ ‘અગ્નિવીર યોજના’ અંગે જૂઠાણાં ચલાવ્યાં. ભાજપે તેનો ધ્વંસ તો કર્યો જ પરંતુ સૈનીએ અગ્નિવીર સેનામાં પોતાની સેવા પૂરી કરે પછી આજીવિકા અને વેપારધંધાના અવસરો પૂરા પાડવા માટેની યોજનાઓ ચાલુ કરી, જેમ કે પોલીસમાં અગ્નિવીરોને દસ ટકા અનામત મળશે. પાંચ ટકા અનામત ગ્રૂપ સીમાં અપાશે અને ધંધો-વ્યવસાય ચાલુ કરવા માટે રૂ. પાંચ લાખ સુધીની વ્યાજમુક્ત લાન મળશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ડબલ એન્જિન’ હોય કે ન હોય, ઝારખંડ (રાંચીમાં એઇમ્સ), તમિલનાડુ (ઈંધણને રિસાઇકલ કરવાના પ્લાન્ટ)માં વિકાસનાં મોટાં કામો કર્યાં હતાં તો પછી હરિયાણામાં તો ‘ડબલ એન્જિન; અહીં તેમણે દ્વારકા ઍક્સ્પ્રેસ હાઇવેના હરિયાણા વિભાગનું ઉદ્‌ઘાટન કર્યું, બીજાં પણ અનેક છે, પણ સ્થાનસંકોચના કારણે તેનો ઉલ્લેખ નથી કરવો. જે દરબારી મીડિયા તો સરકાર જાહેરખબર આપશે તો જ આપણે સમાચાર છાપીશું તેમ માનતું હોય તો આવા સમાચારોની નોંધ પણ તેમણે લોકોને ન અપાવવા દીધી હોય.
પરંતુ ભાજપના કાર્યકર્તાઓએ ઘનિષ્ઠ લોકસંપર્ક દ્વારા સઘન પ્રચાર કર્યો. આનું પરિણામ ભાજપના વિજયમાં આવ્યું.
હરિયાણામાં ભજનલાલ, દેવીલાલ અને બંસીલાલ પરિવારનો કિલ્લો પણ ધરાશાયી થયો. ૧૫ સભ્યોમાંથી માત્ર ચાર જ જીત્યા. આ ઉપરાંત, ખેડૂત આંદોલન કરનાર ગુરનામસિંહ ચઢૂની પણ હારી ગયા, એટલે કાંગ્રેસનો એ દાવો પણ પોકળ સાબિત થયો કે ખેડૂતોમાં ભાજપ પ્રત્યે રોષ છે. કાશ્મીરમાં ગુરેજ બેઠક પર એન. સી.ના અભ્યર્થી નજીર અહમદ ખાનની સામે માત્ર ૧,૧૦૦ મતોથી ભાજપના અભ્યર્થી ફકીર મોહમ્મદ ખાનનો પરાજય થયો એ બતાવે છે કે કાશ્મીરમાં પણ ભાજપે પગપેસારો શરૂ કરી દીધો છે.
પરિણામોના દિવસે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા કાંગ્રેસના કાર્યકર્તાઓનું જોશ વધારવા કાંગ્રેસ કાર્યકર્તાઓની વચ્ચે જવાના બદલે વિદેશ ચાલ્યા ગયા હોવાનો ભાજપના નેતા જયવીર શેરગીલે દાવો કર્યો. જેનું ખંડન કાંગ્રેસે કર્યું નથી. તે દિવસે શું નિવેદન આપવું તેની પણ બંને ભાઈબહેનને ગતાગમ ન પડી. આની સામે લોકસભા ચૂંટણીમાં ૪૦૦ના બદલે ૨૯૩ આવી તો મોઢું સંતાડવાના બદલે સાહસભેર મોદી ભાજપના મુખ્યાલયે ગયા અને કાર્યકર્તાઓને જોશ અપાવ્યું. એક વાઇરલ ફાટા પ્રમાણે, ઇન્ડિયા ટીવી પર રાજદીપ સરદેસાઈ અને રાહુલ કંવલ પરિણામોની ચર્ચા કરતા હતા ત્યારે પહેલાં જ્યારે હજુ તો પાસ્ટલ બેલેટની મતગણતરી શરૂ થઈ હતી (જે ઇવીએમ કરતાં સ્વાભાવિક ધીમી હોય) ત્યાં કાંગ્રેસનો વિજય ભાખવા લાગ્યા હતા ત્યારે હરિયાણામાં કાંગ્રેસના નેતા તરીકે રાહુલ ગાંધીની છબિ મૂકી હતી, પરંતુ જેવા ઉલટ પરિણામો આવવા લાગ્યાં એટલે તેમણે તેના બદલે કાંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની છબિ મૂકી દીધી!
રાહુલ ગાંધી તો વિદેશ ચાલ્યા ગયા પણ મોદી ભાજપ મુખ્યાલયે રાબેતા મુજબ ગયા. તેમણે પોતાના પ્રવચનમાં મોઘમ રીતે બે ખૂબ ગંભીર વાતો કરી. દરબારી મીડિયાએ નરેન્દ્ર મોદીના ભાષણની જ અવગણના કરી હોય ત્યારે આ વાતો ક્યાંથી પહોંચવાની. આ વાતો એ છે કે, ૧. ‘ઇસ વિજય કી ગૂંજ દૂર-દૂર તક જાયેગી’. ૨. ભારત વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય ષડયંત્રો ચાલી રહ્યા છે તેનો કાંગ્રેસ હિસ્સો બની ગઈ છે. આપણે ૨૦૨૪ની લોકસભા ચૂંટણી સમયે આ આંતરરાષ્ટ્રીય ષડયંત્રો જોઈ ગયા છીએ જેમાં જ્યાર્જ સોરોસ, ગૂગલ, ફેસબુક, અમેરિકાનું બાઇડેન પ્રશાસન (ડેમોક્રેટિક પક્ષ), અમેરિકાનાં પીઠ્ઠુ એવા કેનેડા અને જર્મની વગેરે સહભાગી છે. હવે તો બાંગ્લાદેશના રખેવાળ સરકારના વડા અને ક્લિન્ટનના માનીતા મોહમ્મદ યુનૂસ અમેરિકામાં જઈને સ્વીકારી ચૂક્યા છે કે બાંગ્લાદેશમાં થયેલું વિદ્યાર્થીઓનું આંદોલન તાત્કાલિક નહોતું, પૂર્વ નિયોજિત હતું. તેમ ભારતમાં પણ મોદી સરકારને ઉથલાવવા અમેરિકાના રાજદ્વારીઓ વિપક્ષના નેતાઓને મળી રહ્યા હતા. અમેરિકાએ પન્નુનની હત્યાના પ્રયાસમાં રા. સુ. સ. અજિત દોભાલને સમન્સ પાઠવી અને મોદીના અમેરિકા પ્રવાસ પહેલાં ખાલિસ્તાની સમર્થકોને વ્હાઇટ હાઉસમાં આવવા દઈ, તેમને સુરક્ષાની ખાતરી આપી બહુ મોટી આડોડાઈ બાઇડેન સરકારે કરી હતી. કેનેડાના જસ્ટિન ટ્રુડો અને જર્મની પણ ખાલિસ્તાનીઓને છાવરે છે. વળી, કેજરીવાલને અમેરિકા અને જર્મનીએ આડકતરી રીતે ટેકો જાહેર કર્યો હતો કારણકે તેમની ધરપકડ સમયે તેમણે ચિંતા વ્યક્ત કરી હતી. એટલે જ કાંગ્રેસે પી. ચિદમ્બરમ્‌ વખતે પણ જનસભા નહોતી કરી, પરંતુ બધા વિપક્ષો એક થઈને કેજરીવાલના સમર્થનમાં જનસભામાં આવ્યા હતા. જે કાંગ્રેસ લોકસભા ચૂંટણી પહેલાં એમ કહેતી હતી કે અમારી પાસે ભંડોળ નથી અને નેતાઓ-કાર્યકર્તાઓ દાન આપે તેણે તાજેતરમાં ચૂંટણી પંચ સમક્ષ સ્વીકાર્યું કે તેણે લોકસભા અને રાજ્યોની ચૂંટણીમાં રૂ. ૫૮૬ કરોડનો ખર્ચ કર્યો. તો આ નાણાં આવ્યાં ક્યાંથી? રાહુલ ગાંધીના અમેરિકાના વારંવાર પ્રવાસોનું રહસ્ય શું છે? પરિણામોના દિવસે તેઓ વિદેશમાં ક્યાં ગયા હતા?
એટલે જ મોદીજીએ કહ્યું કે ઇસ જીત કી ગૂંજ દૂર-દૂર તક જાયેગી. આવાં આંતરરાષ્ટ્રીય ષડયંત્રોની વચ્ચે લોકસભા અને પછી હરિયાણામાં ઇતિહાસમાં પહેલી વાર સતત ત્રીજી વાર વિજય મેળવવો સરળ નથી. તેમાં હરિયાણામાં તો ગયા સમયે જનનાયક જનતા પક્ષનો ટેકો લેવો પડ્‌યો હતો. આ વખતે તો સ્પષ્ટ બહુમતી મળી છે.