ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડની નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ નીતિમાં ફેરફારના વિરોધમાં ઇંગ્લેન્ડના ૫૦ અગ્રણી ખેલાડીઓનું જૂથ આગામી વર્ષની ધ હન્ડ્રેડ સ્પર્ધાનો બહિષ્કાર કરી શકે છે. ખેલાડીઓને ફ્રેન્ચાઇઝ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે બોર્ડ પાસેથી એનઓસીની જરૂર પડે છે.
ઇસીબીએ ગયા અઠવાડિયે એવી ટુર્નામેન્ટ્‌સ માટે એનઓસી ન આપવાનો નિર્ણય કર્યો જેની તારીખો તેમની સ્થાનિક સિઝન સાથે અથડાતી હોય, ધ ટેલિગ્રાફે અહેવાલ આપ્યો હતો. જો કે, જે ખેલાડીઓ તેમની કાઉન્ટી ટીમો સાથે મર્યાદિત ઓવરના ક્રિકેટ માટે કરાર ધરાવે છે તેમને મુક્તિ આપવામાં આવશે.
રિપોર્ટ અનુસાર, ‘જોકે, ઈન્ડિયન પ્રીમિયર લીગને એનઓસી માટે જરૂરી વિદેશી લીગની આ યાદીમાં સામેલ કરવામાં આવ્યું નથી, જ્યારે પાકિસ્તાન સુપર લીગનું નામ તેમાં સામેલ છે.’ એવું માનવામાં આવે છે કે ખેલાડીઓને વાઇટાલિટી બ્લાસ્ટ અથવા ધ હન્ડ્રેડની તારીખો સાથે મેળ ખાતી કોઈપણ સ્પર્ધા માટે એનઓસી આપવામાં આવશે નહીં.
અહેવાલમાં જણાવાયું છે કે, “આવતા વર્ષે, સ્થાનિક સીઝન સાથે અથડામણ થવાની ધારણા લીગમાં મેજર લીગ ક્રિકેટ (યુએસએ), કેનેડાની ગ્લોબલ ટી૨૦ લીગ અને લંકા પ્રીમિયર લીગ તેમજ કેરેબિયન પ્રીમિયર લીગનો સમાવેશ થાય છે.” આ યાદીમાં હજુ વધારો થવાની શક્યતા છે.
આ બાબતે ઇસીબીના વલણે ખેલાડીઓને આ અઠવાડિયે પ્રોફેશનલ ક્રિકેટર્સ એસોસિએશન સાથે ચર્ચાના અનેક રાઉન્ડ કરવાની ફરજ પડી છે. ખેલાડીઓ સોમવારે બોડીના સભ્યોને મળ્યા હતા ત્યારબાદ બુધવારે અધિકારીઓ સાથે તેમના પ્રતિનિધિઓની બેઠક યોજાઈ હતી. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે ઇંગ્લેન્ડના ૫૦ અગ્રણી ક્રિકેટરોનું એક જૂથ ધ હન્ડ્રેડનો બહિષ્કાર કરવાનું વિચારી રહ્યું છે. જો કે, આ ગ્રુપમાં ન્યુઝીલેન્ડના પ્રવાસે ગયેલી ટીમનો કોઈ ખેલાડી છે કે કેમ તે જાણી શકાયું નથી.