મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનો પ્રચાર ચરમસીમાએ છે. મહારાષ્ટ્રમાં ભાજપના પ્રચાર દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે મહાવિકાસ અઘાડી પર આકરા પ્રહારો કર્યા હતા. મહાવિકાસ અઘાડી ગઠબંધન ‘ઔરંગઝેબ ફેન ક્લબ’માં ફેરવાઈ રહ્યું છે, ભાજપનું મહાયુતિ ગઠબંધન શિવાજી મહારાજ અને સાવરકરના આદર્શો પર ચાલી રહ્યું છે. અમિત શાહે જાહેર મંચ પરથી જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં કલમ ૩૭૦ને બહાલ કરવાની માંગને લઈને કોંગ્રેસ પર પણ નિશાન સાધ્યું.તેમણે કહ્યું કે, ‘જો ઈન્દીરા ગાંધી સ્વર્ગમાંથી પાછા આવશે તો પણ કાશ્મીરમાં કલમ ૩૭૦ પુનઃસ્થાપિત નહીં થાય.’
અમિત શાહે રાહુલ ગાંધીને આડેહાથ લેતા કહ્યું કે, તમારી ચોથી પેઢી આવશે ત્યારે પણ મુસ્લીમો માટે આરક્ષણ નહીં હોય. મેં સમગ્ર મહારાષ્ટ્રનો પ્રવાસ કર્યો છે અને હું વિશ્વાસ સાથે કહી શકું છું કે ૨૦ નવેમ્બરે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના નેતૃત્વમાં મહાયુતિને સફળતા મળશે. મહારાષ્ટ્રની ‘ લાડકી બહેનો’ ભાજપની સાથે છે. ગૃહમંત્રીએ કહ્યું કે, વિધાનસભામાં અત્યાર સુધીની સૌથી વધુ બેઠકો સાથે ‘મહાયુતિ’ સરકાર બનાવશે. અમિત શાહે કહ્યું કે સુશીલ કુમાર શિંદે જ્યારે ગૃહમંત્રી હતા ત્યારે શ્રીનગરના લાલ ચોકમાં જતા ડરતા હતા. હવે તેમના પૌત્ર-પૌત્રીઓ સાથે ત્યાં જવું જોઈએ, તેઓ સુરક્ષિત રહેશે.
અમિત
શાહે કહ્યું, ‘સોનિયા-મનમોહનની સરકારના ૧૦ વર્ષ દરમિયાન પાકિસ્તાનથી આતંકવાદીઓ આવીને અહીં બોમ્બ બ્લાસ્ટ કરતા હતા. આ લોકોએ વોટબેંકની રાજનીતિ માટે નક્સલવાદ અને આતંકવાદ સામે પગલાં લીધાં નહીં. રાહુલ ગાંધીએ યાદ રાખવું જોઈએ કે, જો તેમની ‘ચોથી પેઢી’ આવે તો તે પણ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો (ઓબીસી)ના અનામતને કાપીને મુસ્લીમોને આપી શકે નહીં. થોડા દિવસો પહેલા ઉમેલા સમૂહના લોકો મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષને મળીને મુસ્લીમોને અનામત આપવાની માગ કરી હતી.
તેમણે કહ્યું, ‘જો મુસ્લીમોને અનામત આપવી હોય તો એસસી, એસટી અને ઓબીસીની અનામતમાં કાપ મૂકવો પડશે. અરે રાહુલ બાબા (રાહુલ ગાંધી), તમે શું? તમારી ચાર પેઢીઓ પણ એસસી, એસટી અને ઓબીસીના હિસ્સામાંથી અનામત ઘટાડીને મુસ્લીમોને આપી નહીં શકે.