ખેતરથી થાક્યાં પાકયાં ઓઘડ અને જીવી ઘેર આવે ત્યાં પંચાયતનું કાંઈક કામ આવી ચડે.
ઓઘડ પંચાયતે આંટો મારી આવે, ત્યાં સુધીમાં જીવી રાંધી નાંખે.
બન્ને સાથે બેસીને જમે. હજુ કામમાંથી પરવારે ન પરવારે ત્યાં આંખોનાં કમાડ બંધ થવા લાગે.ઓઘડ તો ઘડીકમાં ઘસઘસાટ ઊંઘી જાય. એ જોઈને જીવી પણ લાં..બુ ડીલ કરે. “ભાઈઓ અને બહેનો..!”
આજે દાનેશ્વરી ઓઘડ શેઠની પૂર્ણ કદની પ્રતિમાના અનાવરણ પ્રસંગે જીવીબેનને બે શબ્દ કહેવા સૌએ આગ્રહ કર્યો…જીવીએ આ પ્રસંગે કાંઈ નહીં બોલે એવું કહ્યું.
એટલે આયોજકોએ ટૂંકમાં એમનું, એમની જિંદગીનું જાણે કે જીવનવૃતાંત શરું કર્યું.. ભાઈઓ આપણે જાણીએ છીએ કે..,ઓઘડ અને જીવીના લગ્ન બાબતે બન્નેના કુટુંબમાં ખૂબ કલહ થયો અને બન્નેને ન કેવળ ઘર, પણ ગામ પણ છોડવું પડ્‌યું.. પહેર્યે કપડે શહેરમાં આવેલા આ દંપતીએ ત્રણત્રણ દિવસ તો અન્નનો દાણો’ય મોંઢામાં મૂકેલો નર્હી. ઝૂંપડપટ્ટીના એક અવાવરું ખૂણામાં કંઈ કેટલાય પ્રશ્નોની કાંટાળી પથારીમાં ઊંઘ પણ શાની આવે?..થોડા દિવસ તો ઓઘડે જ્યાં મળે ત્યાં મજૂરી કરી જોઈ. પણ રૂપરૂપના અંબાર જેવી જીવલીને એકલી ‘ય ક્યાં મૂકાય.?..કે ન સાથે મજૂરીએ પણ લઈ જવાય…આવડા મોટા શહેરમાં ભરોસો કરવો તો કોનો કરવો?
જે કંઈ કામ કરવુ તે સાથે રહીને જ થઈ શકે એવું કરવું. એવું નક્કી કરી બંને નીકળી પડ્‌યા કામની શોધમાં…અને જે મળે તે અને જેવું મળે તેવું કામ બંનેએ સાથે રહી શરૂ પણ કરી દીધું. મજૂરી કરી કરીને થોડા સમયમાં થોડી ઘણી રકમ એકઠી કરી નાનોમોટો ધંધો કરવાની હિંમત ઓઘડે બતાવી ને જીવીનો સાથ મળ્યો. અથડાતા કૂટાતા આ નવદંપતીની વિટંબણા ભરી જિંદગી ધીરે ધીરે પાટા પર ચઢી રહી હતી.
થોડીક મૂડી એકઠી થતાં .. ટાયર ટ્યુબ વગરની એક ભંગાર લારી તેણે ખરીદી. થોડાક કોલસા.., થોડાક અંગ્રેજી આઠડા જેવા કલાઈના ગૂંચળા, એક ડબ્બીમાં નવસારની ભૂકી અને ફાટેલી તૂટેલી ધમણ લઈ બન્ને હાથલારીને ધકકો મારતા..”એ…કલાઈ કરાવવી…એ કલાઈ વાળો…”કરતાં કરતાં શહેરની ગલીએ ગલીએ ફરવા માંડ્‌યાં. જીવી ઘેરઘેરથી પિત્તળના વાસણો ઉઘરાવી લાવે ને ઓઘડ તેને ચકચકિત કલાઈ કરી ચમકાવી દે..આમ વાસણને કલાઈ કરવાના ધંધામાં ઠીકઠીક ફાવટ અને પૈસા કમાતાં..ઝૂંપડપટ્ટીના છેવાડે એક નાનકડું ઝૂંપડું પણ ખડું કરી દીધું. થોડાક વર્ષો તો કલાઈના ધંધામાં ઠીકઠીક કમાણી કરી.. પણ ધીરેધીરે, ચકચકાટ ઝગારા મારતા સ્ટીલના વાસણોએ દરેકના ઘરમાં પગપેસારો કરતાં ઓઘડના કલાઈના ધંધામાં મંદીના એંધાણ શરૂ થયાં. કમાણી ઘટતી ગઈ ને જીવલીએ એની જ કાર્બન કોપી જેવી રૂપાળી દીકરીને જન્મ આપ્યો…કમાણી ઘટીને ખર્ચ વધ્યો. થોડો સમય તો બે છેડા ભેગા કરવા પણ મુશ્કેલ થઇ પડ્‌યા..પણ આ તો ઓઘડ…!,એમ હિંમત થોડો હારે.?.પોતાના હાથે જે નવા જ પિત્તળના વાસણો એણે ચમકાવ્યા હતા તેને લોકો હવે ભંગાર કહેતા. ઓઘડે નવો ધંધો શરૂ કર્યો. “એ….ભંગાર…એ …ભંગારવાલા..” કરતો કરતો સવારથી સાંજ સુધી લારી લઈ આખુ શહેર ખૂંદી વળે..લોકોએ નાના-મોટા..નવા-જુના પિત્તળના વાસણો ભંગારમાં કાઢવા માંડ્‌યા કેમ કે જે વાસણો ઘરની શોભા વધારતા હતા એ હવે ઘરમાં નકામી જગા રોકતા માલૂમ પડ્‌યા. ઓઘડનો તો ભંગારનો ધંધો બરાબર જામ્યો. કમાણી પણ ખાસ્સી.. ને આમને આમ ઓઘડની ધંધા બદલવાની હિંમત અને ફાવટથી એક દિવસ સ્ટીલ બજારમાં ઓઘડ શેઠની સ્ટીલના વાસણોની મોટી દુકાનો બની ગઈ.
સમય ક્યાં કોઈ દિવસ ઊભો રહે છે.!?
સમયે સાથ આપતાં ઓઘડને સ્ટીલના વાસણો બનાવવાની બબ્બે તો ફેકટરીઓ ઉભી થઈ ગઈ.
બધાએ તાળીયોનો ગડગડાટ કર્યો.
આયોજકે આગળ વાત શરું કરી..
પૈસો પૈસાને ખેંચે એ ન્યાયે એક વખતનો રંક ઓઘડ તેની હિંમત અને કોઠાસૂઝથી અઢળક સંપત્તિનો માલિક બન્યો પણ, એના ભૂતકાળને તે ભૂલ્યો ન હતો અને એટલે જ તેણે જીવીના નામે અનેક ધાર્મિક અને સામાજિક સંસ્થાઓમાં છૂટ્ટા હાથે દાનનો પ્રવાહ પણ વહાવ્યો હતો અને આજે પોતાના જેવા કૌટુંબિક સંઘર્ષોથી ફેંકાઈ ગયેલા લોકો માટે ઉભી કરેલી સેવા સંસ્થાના પટાંગણમાં ઓઘડની પુરા કદની પ્રતિમાનું અનાવરણ જીવીના હસ્તે આપણે સૌ સાથે મળીને કરી રહ્યા છીએ.
આપણે ઈચ્છીએ કે.., છપ્પનની છાતી વાળા બન્ને જીવીબેન અને ઓઘડભાઈ હજાર વર્ષ જીવે અને એમનો લાભ આપણને અને બીજી સંસ્થાઓને કાયમ મળતો રહે.
ફરી તાળીયોના ગડગડાટથી આખું ગ્રાઉન્ડ ગુંજી ઉઠ્યું.
સૌએ આ પ્રસંગે જીવીબેનને બે શબ્દો કહેવા વધારે આગ્રહ કર્યો ત્યારે ઓઘડે બાજુમાં બેઠેલી જીવી સામે જોઈ એમનો હાથ પકડીને કહ્યું.
‘જીવી..એ..જીવી..! આજ વધારે એકવાર તારે છપ્પનની છાતી દેખાડવાની છે. તારાં મનમાં જે હોય એ આજે બોલી નાંખ.’ એમ કહે’તાંકને એમણે ફરી જીવીનું બાવડું ઝાલ્યું. “મનીયાના બાપા..મનીયાના બાપા..! આમ બધાની હામે મારું બાવડું કાં ઝાલો સો, મૂકો મારું બાવડું. તમને કવ સુ. મૂકો મારું બાવડું.” જીવીને બબડતી જોઈને ઓઘડ જાગી ગયો.
“મનીયાની મા, એ મનીયાની મા. કોઈ સપનું જોયું કે..સું.”
“ત..ત..તમારાં વિસે સું બોલવું ઈ વસાર કરતી’ તી.”
“અરે..મનીયાની મા જરા આંખ ખોલ. હવાર પડવાં આવ્યું સે.”
જીવીએ આંખો ખોલી અને ચાર આંખોએ બધું જોતી રહી.
“અરે..પણ તમારું પુતળું ક્યાં??”
“અરે..ગાંડી પુતળું સું..! હું જ તારી હામે જીવતો જાગતો બેઠો સુને.”
જીવીએ બન્ને હાથે આંખો ચોળી અને ચોળતી રહી.
ત્યારે ફળિયામાં ઊભેલા ઝાડવે પંખીઓ સૂરજના આવવાના વધામણાંના ગીતો ગાઈ રહ્યા હતાં.
વાર્તા મૂળ સ્વરૂપેઃ-ચંદ્રકાન્ત જે સોની, મોડાસા.