વિશ્વ નવા વર્ષની ઉજવણીમાં વ્યસ્ત છે પણ ઇઝરાયેલ હજુ પણ શાંત જણાતું નથી. આ દરમિયાનમાં ઈઝરાયેલની સેનાએ હમાસના નુખ્બા પ્લાટૂન કમાન્ડર અબ્દ અલ-હાદી સબાહને ડ્રોન હુમલામાં મારી નાખ્યો છે. અબ્દ અલ-હાદી સબાહ પર ૭ ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ કિબુત્ઝ નીર ઓઝ હુમલાની આગેવાની કરવાનો આરોપ હતો. આ હુમલો ઈઝરાયેલમાં સૌથી મોટા અને સૌથી ઘાતક હુમલાઓમાંનો એક હતો.
આઇડીએફે તેના નિવેદનમાં કહ્યું કે અબ્દ અલ-હાદી સબાહને દક્ષિણ ગાઝાના ખાન યુનિસ વિસ્તારમાં નિશાન બનાવવામાં આવ્યો હતો. ગુપ્ત માહિતીના આધારે, આ ઓપરેશન ઇઝરાયેલી આર્મી અને ઇઝરાયેલી સુરક્ષા એજન્સી દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવ્યું હતું. સબાહ ખાન યુનિસમાં માનવતાવાદી વિસ્તારમાં આશ્રય લઈ રહ્યો હતો. તે હમાસ દ્વારા કરવામાં આવેલા ઘણા આતંકવાદી હુમલાનો માસ્ટરમાઈન્ડ પણ હતો.
અગાઉ આઇડીએફે કહ્યું હતું કે, ૧૬૨મા સ્ટીલ ડિવિઝનએ જબાલિયા અને બીટ લાહિયા વિસ્તારમાં એક ઓપરેશનમાં ૧૪ હમાસ આતંકવાદીઓને ઠાર કર્યા હતા જેમાંથી છ ૭ ઓક્ટોબરના હુમલામાં સામેલ હતા. આ ઓપરેશન એવા હમાસ આતંકવાદીઓને શોધવા અને ખતમ કરવા માટે કરવામાં આવી રહ્યા છે જેમણે મોટા પાયે ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો.
વિગતો મુજબ ૭ ઓક્ટોબરના રોજ હમાસે ઇઝરાયેલ પર એક મોટો આતંકવાદી હુમલો કર્યો જેમાં ૧,૨૦૦થી વધુ લોકો માર્યા ગયા અને ૨૫૦ થી વધુને બંધક બનાવવામાં આવ્યા. લગભગ ૧૦૦ બંધકો હજુ પણ હમાસની કસ્ટડીમાં છે. આ હુમલાએ ઈઝરાયેલને મોટા સુરક્ષા પડકારોનો સામનો કરવાની ફરજ પડી હતી. ઈઝરાયેલે હમાસ સામે વળતો જવાબ આપ્યો અને ગાઝામાં અનેક હુમલા કર્યા જેમાં અત્યાર સુધીમાં ૪૫,૦૦૦થી વધુ લોકો માર્યા ગયા છે. આ હુમલાઓએ મોટા પાયે માનવતાવાદી કટોકટી સર્જી છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે યુદ્ધવિરામની માંગણીઓ તીવ્ર બની છે.