હમાસ વિરુદ્ધ યુદ્ધ લડી રહેલી ઈઝરાયેલની સેનાને મોટી સફળતા મળી છે. ઈઝરાયેલના સુરક્ષા દળોએ સોમવારે જણાવ્યું હતું કે ઈઝરાયેલી સૈનિકોએ ઉત્તરી ગાઝામાં કમલ અડવાન હોસ્પિટલમાં દરોડા દરમિયાન લગભગ ૧૦૦ શંકાસ્પદ હમાસ આતંકવાદીઓને પકડી લીધા છે. દરમિયાન, ગાઝાના આરોગ્ય અધિકારીઓ અને હમાસે હોસ્પિટલમાં કોઈપણ આતંકવાદીઓની હાજરીનો ઈન્કાર કર્યો છે. ગયા અઠવાડિયે શુક્રવારે ઇઝરાયેલી સેનાએ આ હોસ્પિટલ પર હુમલો કર્યો હતો.
ઇઝરાયલી સૈન્યએ જણાવ્યું હતું કે, “સૈનિકોએ કમ્પાઉન્ડમાંથી લગભગ ૧૦૦ આતંકવાદીઓને પકડી લીધા હતા, જેમાં તે લોકોનો પણ સમાવેશ થાય છે જેમણે નાગરિકોને બહાર કાઢવા દરમિયાન ભાગવાનો પ્રયાસ કર્યો હતો. હોસ્પિટલની અંદરથી તેમને હથિયારો, આતંકવાદી ભંડોળ અને ગુપ્તચર દસ્તાવેજા મળ્યા હતા.”
આ દરમિયાન અહીં એ પણ જણાવી દઈએ કે ગાઝામાં પેલેસ્ટીનિયન હેલ્થ મિનિસ્ટ્રીએ કહ્યું છે કે હમાસ અને ઈઝરાયલ વચ્ચે વર્ષોથી ચાલેલા યુદ્ધમાં ૪૩,૦૦૦ પેલેસ્ટીનિયન માર્યા ગયા છે.
ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધને એક વર્ષથી વધુ સમય વીતી ગયો છે. હાલમાં, યુદ્ધ અટકવાના કોઈ સંકેત નથી. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ત્યારે શરૂ થયું જ્યારે હમાસના આતંકવાદીઓએ ગયા વર્ષે ૭ ઓક્ટોબરે ઇઝરાયેલ પર હુમલો કર્યો હતો. હમાસના આતંકવાદીઓએ હુમલો કરીને લગભગ ૧૨૦૦ ઈઝરાયેલી નાગરિકોની હત્યા કરી હતી અને ૨૫૦ લોકોને બંધક બનાવી લીધા હતા. ઇઝરાયેલે વળતો જવાબ આપ્યો અને ગાઝામાં મોટાપાયે બોમ્બમારો શરૂ કર્યો, જે ચાલુ છે. ઈઝરાયેલના હુમલાને કારણે ગાઝાનું ૭૫ ટકા ઈન્ફ્રાસ્ટ્રક્ચર કાટમાળમાં ફેરવાઈ ગયું છે. સ્થીતિ ખૂબ જ ભયાનક છે. ગાઝાના લોકો પાણી, ખોરાક અને અન્ય મૂળભૂત સુવિધાઓની અછતથી પીડાઈ રહ્યા છે.