ઈડીએ એક સાથે દેશમાં લગભગ દસ સ્થળોએ દરોડા પાડ્યા છે, જેમાં સપા નેતા અને ચિલ્લુપર બેઠકના ભૂતપૂર્વ ધારાસભ્ય વિનય શંકર તિવારીના ગોરખપુર, લખનૌ, નોઈડા અને મુંબઈના સ્થળોનો સમાવેશ થાય છે. સોમવારે સવારે થયેલી આ કાર્યવાહી એક સાથે કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈડીએ તેમની સામે ચાર્જશીટ તૈયાર કરી હતી. તેને ટૂંક સમયમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
ઈડીની તપાસમાં જાણવા મળ્યું છે કે મેસર્સ ગંગોત્રી એન્ટરપ્રાઇઝ લિમિટેડ, તેના પ્રમોટર્સ, ડિરેક્ટર્સ, ગેરંટર્સ સાથે મળીને બેંક ઓફ ઇન્ડિયાના નેતૃત્વ હેઠળના સાત બેંકોના કન્સોર્ટિયમ પાસેથી રૂ. ૧૧૨૯.૪૪ કરોડની ક્રેડિટ સુવિધાઓ મેળવી હતી. બાદમાં તેણે આ રકમ અન્ય કંપનીઓમાં વાળી દીધી અને બેંકોને પૈસા પરત કર્યા નહીં. આના કારણે, બેંકોના કન્સોર્ટિયમને લગભગ રૂ. ૭૫૪.૨૪ કરોડનું નુકસાન થયું.
નવેમ્બર ૨૦૨૩ માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા ભૂતપૂર્વ ધારાસભ્ય વિનય શંકર તિવારીની ૭૨.૦૮ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી. ઈડીએ આ કાર્યવાહી વિનય તિવારીની કંપની ગંગોત્રી એન્ટરપ્રાઇઝ લિમિટેડ દ્વારા બેંકોના કન્સોર્ટિયમમાંથી લગભગ ૧૧૨૯.૪૪ કરોડ રૂપિયાની ઉચાપત કરવાના કેસમાં કરી હતી. બેંકોની ફરિયાદ પર,સીબીઆઇ મુખ્યાલયે કેસ નોંધ્યો હતો, ત્યારબાદ ઈડ્ઢ એ પણ વિનય તિવારી સહિત કંપનીના તમામ ડિરેક્ટરો, પ્રમોટરો અને ગેરંટરો સામે મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી.
૨૦૨૩ માં જ, રાજધાનીમાં સ્થિત ઈડીની ઝોનલ ઓફિસે ગોરખપુર, મહારાજગંજ અને લખનૌમાં સ્થિત વિનય તિવારીની કુલ ૨૭ મિલકતો જપ્ત કરી હતી, જેમાં ખેતીની જમીન, વાણિજ્યિક સંકુલ, રહેણાંક સંકુલ, રહેણાંક પ્લોટ વગેરેનો સમાવેશ થાય છે.