અખિલ બ્રહ્માંડના અધિપતિ એવા ઈશ્વરની લીલા અપરંપાર છે. આપણી આસપાસ જલ હોય કે સ્થળ, અંબર હોય કે ધરતી, આકાશ હોય કે પાતાળ, હવાથી લઈને પાણી અને શુક્ષ્મ જીવાણુંથી લઈને મહાકાય પ્રાણી કે પશુ, પક્ષી, વનસ્પતિથી લઈને માનવના સર્જનમાં સર્જનહારે અદભુત આયોજન કરેલું છે.
પ્રકૃતિના પાર વગરના ઘટકોના ઘાટ ઘડવામાં ઘડવૈયાએ નીત-નવા રંગોને છૂટા હાથે વેર્યા છે. ક્યાંક બરફના થરમાં તો ક્યાંક દરિયાના પેટાળમાં અનેક જીવોને જીવાડે છે. ઉંચે ઉંચે આભમાંથી ઉતારીને ધરતીના પેટાળમાં પાણી પુગાડે છે એ ઈશ્વર કેવો ગજબનો ઇજનેર છે. કાળા નાગના મોમાં કાતિલ ઝેર ભરીને સામે ઔષધીય વનસ્પતિ રૂપી અમૃત ઉગાડનાર ઈશ્વર કેવો ગજબનો વૈજ્ઞાનિક છે. હૃદયને ધબકતું રાખનારને પણ હૃદયની બીમારીથી બચાવી ના શકાય એ સર્જનહારનો ચમત્કાર કેવો ગજબનો છે. ઉદરમાં ઉછરતા બાળકમાં જીવ પૂરનાર પછી અચાનક ક્યારે ઉપર લઇ જાય એનો અંદાજ ન આપનાર ઈશ્વર કેવો મહાન જાદુગર છે. નભમાં નરને ઉડવા માટે વિજ્ઞાનનો સહારો લેવો પડે જ્યારે પંખીને પાંખો આપીને જાતે ઉડતા કરનાર તારણહાર કેવી ગજબની તરકીબો કરે છે. પાળે છે તું, પોષે છે તું, તારે છે તું અને મારે છે પણ તું જ. કેવું અલબેલાનું આગવું આયોજન. જ્ઞાની હોય કે વિજ્ઞાની બધાને બુદ્ધિ આપીને રમાડે છે પછી અચાનક આઉટ કરીને ક્યારે પરત બોલાવે છે તું, અદભુત લીલા છે ન્યારી તારી પ્રભુ, તું પણ છે વિજ્ઞાની! પથ્થરના પોલાણમાં પોષણ પૂરું પાડીને બંધ શ્રીફળમાં પાણી પુરે છે. તું જેને યાદશક્તિ આપે એ જ પાછા તને ભૂલી જાય એવી મોહ-માયાના બંધનમાં બાંધીને પોતાની મતિ પ્રમાણે આ જગતના ચોકમાં રમતા મૂકી દે છે. પછી સંકટ સમયે કે સ્વાર્થ માટે માત્ર યાદ કરતા પામર માનવીને અચાનક એવી થાપટ મારે છે કે ભલભલા રાજાને પણ રાખનાં રમકડાં સાબિત કરી દે છે. દિવસ આખો ચાવી ભરેલા રમકડાં માફક રખડતા મારું મારું કરતા માનવીને બધી જંજાળ ભૂલવાડીને રાત્રે મીઠી નીંદરમાં સુવાડી દે છે અને સવારે જગાડવો કે નહિ એ ચાવી એના હાથમાં રાખે છે. મોટા મોટા જટિલ યંત્રો બનાવનાર અને ચલાવનારનું મુઠી જેવડું હૃદય ધબકતું રાખવું કે બંધ પાડવું એ હજાર હાથવાળો ઇજનેર એના હાથમાં રાખે છે. હજારો વર્ષો સુધીની મહેનત કરીને અનેક પેઢીઓના પુરુષાર્થથી શોધ સંશોધન કરેલ વૈભવી સવલતોના સુલતાનોને પણ ઘડીના છઠ્ઠા ભાગમાં કુદરતી આફતોની એવી થપાટ મારીને ધૂળ ચાટતા કરી દે ત્યારે ઈશ્વરની અકલ્પનીય તાકાત અને એના અસ્તિત્વનો અહેસાસ કરાવે છે એવા આ વિરાટ અને વૈભવી વૈજ્ઞાનિકના ચરણોમાં વંદન સાથે અકલ્પનીય ચમત્કારોના સર્જકનું નાનકડી પંક્તિઓના સર્જન સાથે સ્મરણ કરીએ.
ઈશ્વર તું પણ છે વિજ્ઞાની !
પથ્થર અંદર જીવ જીવે
ને બંધ શ્રીફળમાં પાણી,
ઈશ્વર તું પણ છે વિજ્ઞાની !
જવાબ દેને પેલા નભમાં
સૂર્ય ચંદ્ર ક્યાં રહેતા હશે ?
જનનીના ઉદરમાં જીવ જીવે
એ વાયુ ક્યાંથી લેતા હશે ?
તું સર્જાવે, તું સંહારે,
પણ રાખે નહિ નિશાની,
ઈશ્વર તું પણ છે વિજ્ઞાની !
પય પાન માટે જાદુગર
તેં લોહીનું દૂધ બનાવ્યું,
કયે કર્મે આ જીવ અવતરે
એ તો ના સમજાવ્યું,
કોને બંધન, આમાં કોને મુક્તિ ?
વાત રાખે છે છાની,
ઈશ્વર તું પણ છે વિજ્ઞાની !
પથ્થર અંદર જીવ જીવે
ને બંધ શ્રીફળમાં પાણી
ઈશ્વર તું પણ છે વિજ્ઞાની !