વિશ્વ પ્રસિદ્ધ બાબા મહાકાલની નગરી, જેને ધાર્મિક નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં શિવના રૌદ્ર સ્વરૂપ ભગવાન કાલભૈરવને સદીઓથી દારૂ ચઢાવવાની પરંપરા છે. ૧ એપ્રિલથી ઉજ્જૈનમાં નગર નિગમની સીમામાં દારૂના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેથી નગરની સીમામાં આવેલી લગભગ ૧૭ દારૂની દુકાનો બંધ કરી દેવામાં આવી છે. સરકારને આ નિર્ણયથી આવકમાં નુકસાન થયું છે, પરંતુ આ નિર્ણયથી ધાર્મિક નગરી ઉજ્જૈનના લોકો ખૂબ ખુશ છે અને તેમણે આ ઐતિહાસિક નિર્ણયનું સ્વાગત કર્યું છે.
મધ્યપ્રદેશના ૧૯ ધાર્મિક સ્થળોએ ૪૭ શરાબની દુકાનો બંધ કર્યા પછી નગર નિગમ સીમામાં આવેલી તમામ દુકાનો પણ બંધ કરી દેવામાં આવી છે. નિયમ મુજબ, આ દુકાનોને ક્્યાંય અન્યત્ર ખસેડવામાં આવી નથી. ધાર્મિક નગરી ઉજ્જૈનમાં પણ ૧૭ શરાબની દુકાનો સહિત ૧૧ બાર બંધ કરી દેવામાં આવ્યા છે. જાકે ઉજ્જૈનમાં કાલ ભૈરવને દારૂનો ભોગ ચઢાવવામાં આવે છે. તો હવે ભોગનું શું થશે? એ સવાલ છે.
સરકારે ઉજ્જૈન સહિત ૧૭ ધાર્મિક શહેરોમાં દારૂબંધીનો નિર્ણય લીધો છે, જે ૧ એપ્રિલથી લાગુ થઈ ગયો છે. પરંતુ કાલ ભૈરવ મંદિરમાં શરાબના ભોગનું શું થશે? આ અંગે ઉજ્જૈનના કલેક્ટરે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, “નગર નિગમ વિસ્તારમાં સંપૂર્ણપણે શરાબની વેચાણ બંધ કરવામાં આવશે, જેમાં કાલ ભૈરવ મંદિર પાસેના દારૂના કાઉન્ટર પણ સામેલ છે. જાકે મંદિરની પરંપરાગત પરંપરાઓ યથાવત્ રહેશે અને તેમાં કોઈ ફેરફાર નહીં થાય.”
દૈનિક રીતે કાલભૈરવ મંદિરમાં હંમેશા ભક્તોની ભીડ રહે છે. પરંતુ ૧ એપ્રિલે વહેલી સવારે મંદિરમાં દર્શન કરવા આવેલા ઘણા ભક્તો પોતાના સાથે દારૂ લઈને આવ્યા હતા. તેમણે જણાવ્યું કે, “અમને જાણકારી મળી હતી કે દારૂબંધીનો નિર્ણય લેવામાં આવ્યો છે, તેથી અમે અમારી સાથે દારૂ લઈને આવ્યા છીએ. કેટલાકને મંદિર આવીને ખબર પડી કે દારૂ મળી રહ્યો નથી. તેમણે ભગવાનને ચણા, ચુરંજી અને નાળિયેરનો પ્રસાદ ચઢાવ્યો હતો.”
કાલભૈરવ મંદિરના પૂજારી ઓમપ્રકાશજીએ જણાવ્યું કે, “દુકાનો બંધ હોવા છતાં મંદિરના ભોગ પર કોઈ અસર પડી નથી. કાલ ભૈરવ મંદિરમાં દરરોજ પાંચ વખત દારૂનો ભોગ ચઢાવવામાં આવે છે, જેની વ્યવસ્થા પ્રશાસન દ્વારા કરવામાં આવે છે.”