ઉત્તરાયણના પર્વમાં પતંગના દોરાથી પક્ષીઓ અને પ્રાણીઓને થતી ઇજા રોકવા માટે અમરેલીના વૃંદાવન ગૌસેવા ટ્રસ્ટે શરૂ કરેલી એનિમલ હેલ્પલાઇનને લોકોનો ખૂબ જ સુંદર પ્રતિસાદ મળ્યો હતો. ટ્રસ્ટ દ્વારા અગાસી અને રસ્તા પર પડેલા દોરા એકત્ર કરવાની અપીલ કરવામાં આવી હતી, જેમાં શહેરના અનેક જીવદયા પ્રેમીઓએ સહયોગ આપ્યો હતો. પોલીસ અને ફોરેસ્ટ સ્ટાફના સહયોગથી જીવદયા પ્રેમીઓએ નદીઓ અને શેરીઓમાંથી પતંગના દોરા એકત્ર કરીને તેના નિકાલ માટે ટ્રસ્ટને સોંપ્યા હતા. ટ્રસ્ટના કરુણા અભિયાન સંયોજક તેજસભાઈ નિમાવતએ જણાવ્યું હતું કે, “આપણે સૌએ પક્ષીઓ અને પ્રાણીઓને બચાવવાનો સંકલ્પ લેવો જોઈએ.” આ સફળ આયોજન બદલ પ્રમુખ પ્રશાંતભાઈ ચુડાસમાએ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.