ગુજરાતમાં ભારે ઠંડી પડી રહી છે. ભારતના ઉત્તરીયભાગમાં હીમવર્ષા થતા રાજ્યમાં હજુ પણ ઠંડીનું જોર વધશે. હિમવર્ષના કારણે ઉત્તરીયભાગોમાંથી ઠંડા પવનો ફૂંકાશે અને આગામી દિવસોમાં કડકડતી ઠંડીને લઈને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી. હવામાન નિષ્ણાત મુજબ રાજ્યમા ફરી એક માવઠાના વરસાદની આગાહી ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં માવઠાંની આગાહી કરી. માવઠું રાજ્યના મોટા ભાગના જિલ્લાને પ્રભાવિત કરે તેવી સંભાવના વ્યક્ત કરી. આજે ગુજરાતમાં ૧૮ ડિગ્રી તાપમાન નોંધાયું છે પરંતુ ઉત્તરીયભાગોમાં બદલાતા હવામાનના કારણે આગામી દિવસોમાં તાપમાનમાં ઘટાડો થઈ શકે છે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા થઈ રહી છે, જેની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. અનેક જિલ્લાઓમાં કડકડતી ઠંડી પડશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીનું મોજું ચાલી રહ્યું છે અને તેનો પ્રકોપ આગામી થોડા દિવસો સુધી ચાલુ રહેશે. ગાંધીનગર અને અમદાવાદમાં તાપમાન ૧૫ ડિગ્રીની આસપાસ નોંધાયું હતું. વરસાદની પણ સંભાવના છે.
આગામી ૨૩ અથવા ૨૪ ડિસેમ્બરે નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ શકે છે. તેમજ બંગાળની ખાડીમાં લો પ્રેશર વિસ્તાર બનવાની સંભાવના છે. તેની અસરને કારણે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આકાશમાં કાળા વાદળો છવાશે અને પૂર્વ-દક્ષિણ રાજ્યોના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. જેના કારણે પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા થશે. આ પછી ૨૬ ડિસેમ્બર, ૨૯ ડિસેમ્બર અને ૨ જાન્યુઆરીએ એક પછી એક ત્રણ વિક્ષેપ આવશે. ભારતમાં પહાડોથી મેદાનો સુધી તાપમાનમાં ઘટાડો થતા સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. પહાડોમાં તાપમાનનો પારો શૂન્યથી નીચે આવી ગયો છે, જેના કારણે જળાશયો અને તળાવોના પાણી પણ થીજી જવા લાગ્યા છે. તે જ સમયે, મેદાની વિસ્તારોમાં ઠંડીનું સ્તર વધ્યું છે.
કડકડતી ઠંડીના પગલે લોકો ઠુંઠવાઈ રહ્યા છે ત્યારે હાલમાં રાજ્યમાં આ સપ્તાહમાં ૭.૬ ડિગ્રીથી લઈને ૨૧.૭ ડિગ્રી વચ્ચે તપામાન જોવા મળ્યું. જેમાં ૭.૬ ડિગ્રી લઘુતમ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. આ ઉપરાંત ડીસામાં ૧૦.૬ ડિગ્રી, કંડલા એરપોર્ટમાં ૧૦.૩ ડિગ્રી, મહુવામાં ૯.૧ ડિગ્રી, વડોદરામાં ૧૧ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.