અમરેલી નાગરિક બેંકમાં થયેલા ૨ લાખ રૂપિયાની ઉચાપતના ચકચારી કેસમાં આરોપી શંભુભાઈ ધાનાણીને અમરેલીની ડિસ્ટ્રિક્ટ કોર્ટે નિર્દોષ ઠેરવી છોડી મુક્યા છે. આ કેસમાં એડવોકેટ ઉદયન ત્રિવેદીની દલીલોને ધ્યાને લઈને કોર્ટે આરોપીને નિર્દોષ ઠેરવ્યા છે. આ કેસમાં આરોપ હતો કે, શંભુભાઈ ધાનાણી જે તે સમયે બેંકમાં એકાઉન્ટ કલાર્ક અને કેશીયર તરીકે ફરજ બજાવતા હતા. તેમણે ગ્રાહકો પાસેથી જમા લીધેલી રકમ બેંકના ખાતામાં જમા ન કરીને પોતાના અંગત ઉપયોગમાં લઈ લીધી હતી. આ મામલે તેમની સામે ગુનો નોંધાયો હતો. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે શંભુભાઈને દોષિત ઠેરવી ૭ વર્ષની સજા અને દંડ ફરમાવ્યો હતો. જોકે, શંભુભાઈએ આ ચુકાદા સામે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અપીલ કરી હતી.