ઉદયપુરમાં એક ટ્રાન્સપોર્ટ બિઝનેસમેનના ઘરે આવકવેરા વિભાગના દરોડામાં એક મોટો ખુલાસો થયો છે. વેપારીના ૭ લોકર ખોલવામાં આવ્યા હતા. તેમાં ૨૫ કિલો વધુ સોનું મળી આવ્યું છે. અત્યાર સુધીમાં વેપારી પાસેથી ૩૭ કરોડ રૂપિયાનું ૫૦ કિલો સોનું અને ૫ કરોડ રૂપિયાની રોકડ મળી આવી છે.જયપુર-ઉદયપુર સહિત દેશભરમાં ગોલ્ડન અને લોજિસ્ટીક્સ ટ્રાન્સપોર્ટ કંપનીના ૨૩ સ્થળો પર ત્રણ દિવસથી આઈટીના દરોડા ચાલુ છે. ઉદયપુરના ટીકમ સિંહ રાવની આ કંપની પર ગેરકાયદેસર પરિવહનનો આરોપ છે.
સર્ચ દરમિયાન ઉદયપુરમાં ટીકમ સિંહ રાવના ઘરમાંથી લગભગ ૨૫ કિલો સોનું અને ૪ કરોડ રૂપિયાની રોકડ પણ મળી આવી હતી. તે જ સમયે લોકરમાંથી ૨૫ કિલો સોનું અને ૧ કરોડ રૂપિયા વધુ રોકડ મળી આવી હતી. ટીકમ સિંહ રાવ ગોવિંદ સિંહ રાવના મોટા ભાઈ છે, જેઓ બાંસવાડાના બીજેપી જિલ્લા અધ્યક્ષ હતા. ગોવિંદ સિંહ બાંસવાડામાં કંપનીના કામકાજ સંભાળે છે.
માહિતી અનુસાર, કાર્યવાહીમાં ૧૦૦ કરોડ રૂપિયાથી વધુની અઘોષિત સંપત્તિનો ખુલાસો થઈ શકે છે. ઇન્કમટેક્સ જાઇન્ટ ડાયરેક્ટર જે.એસ.રાવના નિર્દેશ હેઠળ મોડી સાંજ સુધી કાર્યવાહી ચાલુ છે અને વધુ મિલકતો મળી આવે તેવી ધારણા છે.૨૮ નવેમ્બરના રોજ, આવકવેરા વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, એક ટ્રાન્સપોર્ટ વેપારી પાસેથી માલના ગેરકાયદેસર પરિવહન અંગેની ફરિયાદ મળ્યા બાદ, જયપુર અને ઉદયપુર સહિત વિવિધ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. આ પછી ૨૮ નવેમ્બરે ટીમે રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રમાં દરોડા પાડ્યા હતા. ટીમો ગુજરાતમાં ૨, મુંબઈમાં એક, બાંસવાડા (રાજસ્થાન)માં ત્રણ, જયપુર (વિશ્વકર્મા ઈન્ડસ્ટ્રીયલ એરિયા)માં એક અને ઉદયપુરમાં ૧૯ સ્થળોએ તપાસ કરી રહી છે.
આ કાર્યવાહી ૨૮મી નવેમ્બરે સવારે ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ, જયપુરના પ્રિન્સીપલ ડાયરેક્ટર અવધેશ કુમારના નિર્દેશ હેઠળ શરૂ થઈ હતી. ઉદયપુર, અમદાવાદ, જયપુર અને મુંબઈ વગેરે સહિત કંપનીના ૨૩ સ્થળોએ આ કાર્યવાહી ચાલી રહી છે. જેમાં ૨૫૦થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ જાડાયેલા છે.
૨૯ નવેમ્બરે ઉદયપુરમાં ટ્રાન્સપોર્ટ બિઝનેસમેનના ૧૯ અલગ-અલગ સ્થળોએ પણ સર્ચ કરવામાં આવ્યું હતું. જેમાં ૩ મકાનો, એક વેરહાઉસ અને લગભગ ૯ ઓફિસનો સમાવેશ થાય છે. આ દરમિયાન ટીમ સેક્ટર-૧૩ સ્થિત હિરણ મેગ્રીના ઘરે પહોંચી હતી. ટીકમ સિંહ રાવના આ સેક્ટરમાં ત્રણ મકાનો છે. અહીં શોધખોળ શરૂ કરવામાં આવી હતી. ટીમને અહીંથી ૨૫ કિલો સોનું મળ્યું હતું. તેની કિંમત ૧૮ કરોડ ૩૪ લાખ રૂપિયાની આસપાસ આંકવામાં આવી હતી. આ સોનું ટ્રાન્સપોર્ટ બિઝનેસમેનની દુકાનો અને કોમર્શિયલ પરિસરમાંથી મળી આવ્યું હતું.
આ સિવાય ઘરમાંથી ૪ કરોડ રૂપિયાની રોકડ પણ મળી આવી હતી.આવકવેરા અધિકારીઓએ જણાવ્યું હતું કે સર્ચ દરમિયાન ૮ લોકરનો રેકોર્ડ પણ મળી આવ્યો હતો. શનિવારે ૭ લોકર ખોલવામાં આવ્યા હતા. આ પહેલા ૨૮ નવેમ્બરે ટીમ બાંસવાડાની કોમર્શિયલ કોલોની સ્થિત ઓફિસમાં પણ પહોંચી હતી. આ કાર્યાલયને લગતી કામગીરી ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ ગોવિંદ સિંહ રાવ દ્વારા જાવામાં આવે છે. ગોવિંદ સિંહ રાવનો મુખ્ય વ્યવસાય ટ્રાન્સપોર્ટ છે.
આ સિવાય ઉદયપુરના સેક્ટર ૧૩ના રામસિંહ જી કી બારીમાં ત્રણ ઘરોની તલાશી લેવામાં આવી હતી. ઘરથી ૨ કિમી દૂર ટ્રાન્સપોર્ટ ગોડાઉન પોલીસ લાઇન, પ્રતાપનગરમાં હેડ ઓફિસ અને ડબોકમાં રિસોર્ટમાં પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન ટીકમ સિંહ રાવના નાના ભાઈ ગોવિંદ સિંહ રાવ બાંસવાડામાં બિઝનેસ ચલાવે છે. ગોવિંદ સિંહ બાંસવાડામાં ભાજપના જિલ્લા અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. ટીમોએ બાંસવાડા અને સાગવાડિયા ગામની કોમર્શિયલ કોલોનીમાં આવેલી ઉદયપુર ગોલ્ડન ટ્રાન્સપોર્ટ ઓફિસમાં કાર્યવાહી કરી હતી. તેના નિવાસસ્થાન અને ઓફિસમાં પણ દસ્તાવેજાની તપાસ કરવામાં આવી હતી.