ઉના તાલુકાના કાજરડી ગામની સીમમાં બુધવારે બપોરે એક દર્દનાક ઘટના સામે આવી છે. ૨૧ વર્ષીય યુવાન પર સિંહણે હુમલો કરતાં તેને ગંભીર ઈજાઓ થઈ હતી. વન વિભાગે તાત્કાલિક પગલાં લઈને સિંહણ અને તેના બે બચ્ચાંને પાંજરે પૂર્યા છે. બપોરે ૩ઃ૩૦ વાગ્યાની આસપાસ નયનભાઈ જોધાભાઈ ચારણિયા નામનો યુવાન પોતાની વાડીએ જઈ રહ્યો હતો ત્યારે અચાનક સિંહણે હુમલો કર્યો હતો. હુમલામાં યુવાનને હાથ અને પગના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. યુવાને પ્રતિકાર કર્યો અને બૂમાબૂમ કરતાં આજુબાજુના ખેતરોમાં કામ કરતા લોકો દોડી આવ્યા હતા, જેના કારણે સિંહણ ત્યાંથી ભાગી ગઈ હતી. ઈજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક ઉનાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં વન વિભાગનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. આર.એફ.ઓ. એલ.બી. ભરવાડના માર્ગદર્શન હેઠળ નવાબંદર રાઉન્ડ ફોરેસ્ટ સ્ટાફે સિંહણનું લોકેશન શોધવાની કામગીરી શરૂ કરી હતી. ગ્રામજનોની માંગણીને ધ્યાને લઈને વન વિભાગે રાત્રે ૧૧ઃ૩૦ વાગ્યે પાંજરા ગોઠવ્યા હતા અને માદા સિંહણ તથા તેના બે બચ્ચાંનું રેસ્ક્યૂ કર્યું હતું. આ ત્રણેય સિંહોને જસાધર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા છે.