ગીર ગઢડા તાલુકાના જુડવડલી ગામે આજે એક મોટી દુર્ઘટના ટળી હતી. રામદેવજી મહારાજના ધાર્મિક કાર્યક્રમ માટે મંડપ ઉભો કરવામાં આવી રહ્યો હતો ત્યારે અચાનક જ મંડપ ધરાશાયી થયો હતો. કાર્યક્રમનું આયોજન લાલજીભાઈ સાખટ અને મિત્રો દ્વારા થયું હતું. બપોરના સમયે જ્યારે મંડપ ઊભો કરવામાં આવી રહ્યો હતો, ત્યારે આ ઘટના બની હતી અને ત્યારે ત્યાં ૬૦૦થી વધુ લોકો હાજર હતા. મંડપ પડતાં જ લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. સદભાગ્યે, આ ઘટનામાં કોઈને પણ નાની-મોટી ઈજા થઈ નથી.