ઉના શહેરમાં આવેલ ફાઇનાન્સની ઓફિસે યુવાન કોઈ કામ સબબ ગયેલ હોય અને ત્યાં યુવાનનાં ગજવામાં રહેલો vivo મોબાઇલ અચાનક બ્લાસ્ટ થતાં યુવાન પગનાં સાથળનાં ભાગે દાઝી જતાં સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. વિગતો મુજબ ગીરગઢડાના દ્રોણ ગામે રહેતા દલપતભાઈ શંભુભાઈ મકવાણા ઉના આવેલી મુથુટ ફાઇનાન્સની ઓફિસે કોઈ કામ સબબ આવેલ હતો. અહીં ઓફિસના ટેબલ પર બેઠો હતો ત્યારે ગજવામાં રહેલો વીવો અ૫૧ કંપનીનો મોબાઇલ અચાનક ગરમ થઈ ધુમાડા નીકળતા બ્લાસ્ટ થયો હતો. યુવાને તાત્કાલિક પોતાના ગજવામાં હાથ નાખીને હિંમતભેર મોબાઇલ બહાર કાઢી ફેંકી દીધો હતો.
ત્યારે ફાઇનાન્સની ઓફિસમાં રહેલા લોકોમાં અફડાતફડી મચી ગયેલ અને એક યુવાને આ બ્લાસ્ટ થયેલ મોબાઇલ પગ વડે ઓફિસની બહાર ફેંકી દીધો હતો. જોકે આ ઘટનામાં યુવાન પગે સાથળના ભાગે ગંભીર રીતે દાઝ્યો હતો. જેથી તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનામાં મોટી જાનહાનિ થતી અટકી હતી. મોબાઇલ બ્લાસ્ટની ઘટના બનતા લોકોમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. આ સમગ્ર ઘટના ફાઇનાન્સ ઓફિસમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.