(૧) તમે હાસ્યરસમાં ડુબકી મારો છો પણ સાગરમાં ડૂબકી લગાવો છો ખરાં ?
ડાહ્યાભાઈ આદ્રોજા (લીલીયા મોટા)
ના ના દરિયો દાંત કાઢવા માંડે એવું ન કરાય.
(૨) અમારા પરિવારમાં બધા પુરુષોના માથે ટાલ છે. શું કરવું?
ધવલભાઈ પાનવાળા (રાજકોટ)
તમે કોઈ લાંબા વાળવાળી સ્ત્રીને તમારા જોખમે અને જવાબદારીએ આજીવન માથાનાં તેલની શીશીઓ પહોંચાડવાની માનતા રાખો.
(૩) ઘેર એકસાથે વીસ મહેમાન આવી જાય તો શું કરવું?
રમાબેન પટેલ (અમદાવાદ)
ભેંકડો તાણવો!
(૪) ગેરુ અને ચૂનો શા માટે ઝાડના થડ પર લાગવામાં આવે છે. બીજા કલરનો ઉપયોગ કેમ નથી થતો?
ચાંદની એમ. ધાનાણી ( અમદાવાદ )
ઝાડને વાંધો નથી તો તમને શું વાંધો છે?
(૫) કેવી વાત કરે છે, ગધેડાને તાવ આવે એવી! શું ગધેડાને તાવ આવતો હશે ?
હાફીઝ રિયાઝ સેલોત (રાજુલા)
મે દવાખાનામાં ગધેડો અંદર જતા જોયો હતો!
(૬) મારે મકાન ભાડે આપવું છે પણ કોઈ સારો ભાડુઆત મળે તો!
રામભાઈ પટેલ (સુરત)
એક વ્યક્તિને ભાડે મકાન જોઈએ છે પણ સારો મકાનમાલિક મળે તો!
(૭) મને સતત એવું લાગે છે કે કોઈ મારો પીછો કરી રહ્યું છે..!
કાળુભાઈ જસમતભાઈ (દેવળિયા)
તમારું નામ કાળુ નહિ શંકાળુ હોવું જોઈએ!
(૮) મામાનું ઘર કેટલે દીવો બળે એટલે. આ દીવો ઠરી જાય તો મામાનું ઘર કેમ શોધવું?
દર્શન પટેલ (વડોદરા)
મામાના ઘરનું લોકેશન મગાવી લો.
(૯) તમે પ્રશ્ન પૂછશો તો જવાબ કોણ આપશે?
કાળુભાઈ ભાડ (અમરેલી)
અંતરાત્મા.
(૧૦) ચૂંટણી સાવ નજીક આવી ગઈ તોયે રાજકીય પક્ષો દ્વારા વચનોનો કમોસમી વરસાદ કેમ શરુ ના થયો ? વાતાવરણ બરાબર જામતું નથી. નહિ?
કનુભાઈ પરમાર (દામનગર)
આ વખતે પણ તમને એકપણ પાર્ટીએ ટિકિટની આૅફર નથી કરી લાગતી!
(૧૧) એક વાર ૩૦૦ પાગલ શિપ મે જા રહે થે. શિપ ડૂબી નહિ ફિર ભી સબ મર ગયે. કૈસે?
જયેશ રાઠોડ (બાબરા)
એને ગુજરાતી નહિ આવડતું હોય!
(૧૨) મોબાઈલનો જમાનો ન હોત તો લોકો શું કરત?
મુસ્તુફા કનોજિયા (રાજુલા)
મોબાઇલનો જમાનો નહોતો ત્યારે શું કરતાં હતા?
(૧૩) આ ગઠબંધનની ગાંઠો છૂટતી કેમ જાય છે?
જયશ્રીબેન બી મહેતા (કોટડાપીઠા)
સરકણી ગાંઠ છે.
(૧૪) ઉનાળામાં જ વંટોળિયો કેમ આવે?
કટારિયા આશા એચ. (કીડી)
ગુલ્ફી ખાવા.
(૧૫) દુનિયામાં “પ્રકાશ” ન હોત તો દુનિયાનું શું થાત?
યોગેશભાઈ આર.જોશી (હાલોલઃજિ.પંચમહાલ)
દુનિયા તો અંધારામાં પણ આનંદથી જીવ્યા કરત પણ દુનિયા ન હોત તો પ્રકાશનું શું થાત?
નોંધ.. આપના હાસ્યરસિક પ્રશ્નો આપના અને ગામનાં નામ સાથે વોટ્‌સએપ નં. ૯૫૭૪૩૭૪૪૫૩ પર મોકલો..