ઉના નગરપાલિકાએ બાકી વેરાની વસૂલાત માટે કડક ઝુંબેશ શરૂ કરી છે. નગરપાલિકાના ચીફ ઓફિસર જયદેવ ચૌહાણ અને વેરા વસૂલાત વિભાગના સ્ટાફે શહેરમાં બાકી વેરો ન ભરનારાઓ સામે કાર્યવાહી હાથ ધરી છે. આ ઝુંબેશના ભાગરૂપે, નગરપાલિકાએ ૬૦ મિલકતોના નળ કનેક્શન કાપી નાખ્યા છે અને વર્ષોથી વેરો ન ભરનારા ૫૨ આસામીઓની મિલકતો સીલ કરી દીધી છે. નગરપાલિકાએ શહેરી વિસ્તારમાં સમયસર વેરો ન ભરનારા આસામીઓને નોટિસ પણ મોકલી છે. ચીફ ઓફિસર જયદેવ ચૌહાણે ૩૧ માર્ચ, ૨૦૨૫ સુધીમાં બાકી વેરો ભરી દેવા માટે આસામીઓને તાકીદ કરી છે. આ સમયમર્યાદામાં વેરો ન ભરનારાઓ સામે વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે, તેમ નગરપાલિકાએ જણાવ્યું છે.