આપણે જ્યારે મહામુશ્કેલીમાં મુકાઈ ગયા હોઈએ, અનેક પ્રયત્નો કરવા છતાં બાજી ઊંધી જ પડતી હોય, ક્યાંયથી કોઈ પ્રકારે મદદ મળે એમ જ ના હોય ત્યારે ઈશ્વર પર આશા રાખીને સાચા ભાવથી એના ચરણે આત્માના અવાજે અંતરના ઊંડાણથી પ્રાર્થના કરતી વખતે કોઈ માતાના મુખેથી એના સંતાન માટે ઉપરનું વાક્ય નીકળે ત્યારે ખુદ ઈશ્વર કોઈને કોઈ સ્વરૂપે મદદ કરવા પહોંચી જાય છે એવા ઇતિહાસમાં અનેક ઉદાહરણ જોવા મળે છે. સાંપ્રત સમયમાં એક પ્રસિદ્ધ ડોક્ટર અને ખ્યાતનામ લેખક એવા ડોક્ટર આઈ.કે.વીજળીવાળાના જીવનનો આવો જ ચમત્કારી પ્રસંગ એમના પોતાના પુસ્તકમાંથી વાંચીને શબ્દસહ અહી રજૂ કરું છું. ‘હવે શું થશે?’ આ એક જ પ્રશ્ન બધાના મનમાં ઘુમરાતો હતો. દરેકના કાનમાં વગર બોલ્યે પણ આ સવાલ પડઘાતો હતો. અનિશ્ચતતાના ઓછાયા નીચે પસાર થતો સમય આફતના કાળ કરતાં પણ દુષ્કર હોય છે. થાકીને લોથ થઇ ગયેલાં ચરણોને મંજિલ નજીક લાગતી હોય ત્યાં જ આડો હિમાલય જેવો પર્વત ઊભો થઇ જાય તેવો જ કંઇક પ્રસંગ અમારા ઘરમાં બન્યો હતો. હવે શું થશે? – એ પ્રશ્ન સિવાય ઘરમાં જાણે કોઇનું અસ્તિત્વ જ નહોતું. ઘરનાં એક ખુણેથી બીજા ખૂણે આ સવાલ જાણે ચલકચલાણું રમીને પોતાની હાજરીની સતત પ્રતીતિ કરાવતો હતો. વાત એમ બની હતી કે મને મેડિકલ કોલેજમાં એડમિશન મળી ગયાનો કાગળ આવ્યો હતો ! આમ તો આવો કાગળ મળવો એ એક અતિ આનંદની ઘટના જ કહેવાય. એક ગરીબ છાપાવાળાની ઝૂંપડીમાં મોટા થયેલા અને દારુણ ગરીબીમાં ઉછરેલાં વિદ્યાર્થીને મહેનત અને મેરીટથી જ મેડિકલ કોલેજમાં એડમિશન મળે એ ખરેખર ગૌરવ લેવા જેવી બીના હતી. અમારા ઘરમાં પણ ઘડીક આનંદની લહેરખી ફેલાઇ ગઇ હતી. પણ મજૂરને કોઇ મર્સિડિઝ ભેટમાં આપે પછી બીજી ક્ષણે જ પેટ્રોલ કેમ પુરાવવું એ પણ એક પ્રશ્ન હોય તેવી જ દશા અમારા સૌની થયેલી. એડમિશનના લેટરમાં સૌથી પહેલા પાને જ લખેલું હતું કે, ‘૭ જુલાઇ ૧૯૭૮ના રોજ બી.જે.મેડિકલ કોલેજમાં સવારે ૧૧.૦૦ કલાકે હાજર રહેવું. સાથે રૂપિયા ૨૬૮/- અંકે રૂપિયા બસો ને અડસઠ ટર્મ ફીના એ જ દિવસે ભરવા પડશે.’ અને આ બીજા વાક્યથી જ અમને તકલીફ થઇ રહી હતી. અતિ ગરીબાઇના એ દિવસો હતા. બાપુ છાપા વેચીને ગુજરાન ચલાવે. હાંડલામાં કંઇ પણ પડ્યાં ભેગું જ સાફ કરી નાખતાં અમે ઘેરોએક માણસ. ઘરમાં કાયમ અછતના ઓળાઓ જ આંટાફેરા કરતા હોય. બે પૈસાની બચત હોય એવું તો ક્યારેય સપનું પણ ના આવે. આખર તારીખે તાવડી ટેકો લઇ જાય તેવા દિવસો હોય તેમાં બસો ને અડસઠ રૂપિયા કાઢવા ક્યાંથી ? કેટલાય ઉછીના-પાછીના થાય ત્યારે તો મહિનો પૂરો થાય. તેમાં આટલી મોટી રકમ તો સાવ અણધારી જ હતી. એમ કહી શકાય કે અમારી તેવડ અને ગજા બહારની એ વાત હતી. બાપુએ પણ એટલા બધા લોકો પાસેથી ઉછીના પૈસા લીધા હતા કે હવે એમને કોઇ ૧૦ રૂપિયા આપવા પણ તૈયાર નહોતું. તો આ રકમ તો એનાથી ૩૦ ગણી હતી. કોણ આપે ? એટલે ક્યાંયથી ઉછીના પૈસા મળશે એવી ખોટી આશા પણ રાખી શકાય તેમ નહોતું. અને જો બે દિવસમાં પૈસાની વ્યવસ્થા ન થાય તો એડમિશન કેન્સલ થાય તે પણ બધા જાણતા હતા. એટલે આ વ્યવસ્થા કઇ રીતે થશે એ યક્ષપ્રશ્ન અમને ગળેથી પકડીને ગૂંગળાવી રહ્યો હતો. અને કદાચ વ્યવસ્થા ન થઇ શકી તો શું થશે ? આ ‘શું થશે?’ એ પ્રશ્ન જ અમને આજે અકળાવતો હતો. ખુદા હશે કે કેમ એ અંગે હંમેશા સાશંક રહેતા. પણ મારા દાદીમા અત્યંત શ્રધ્ધાળુ હતા. અમારી મૂંઝવણ જોઇને વારંવાર એ બોલતા હતા કે, ‘ખુદા સૌનું ભલું કરશે! સૌ સારા વાના જ થશે. તમે બધા ચિંતા ના કરો.’ પરંતુ અમારામાંથી બીજા કોઇને એ સમયે આ શબ્દો પર રતીભાર પણ વિશ્વાસ નહોતો. ઝાંઝવાના જળ ઢીંચવાના જ જેના નસીબ હોય તેને મીઠા પાણીની આશા આપવા જેવા આ શબ્દો હતા. સહરાના રણની વચ્ચોવચ્ચ આવતા વરસે મીઠામધ જેવા પાણીનું સરોવર હશે એમ કોઇ કહે અને રણમાં રહેતા માણસને જરાય વિશ્વાસ જ ન આવે એવું કંઇક અમારું પણ હતું. પરંતુ તરણું મળે તો તરણું, બચી જવા માટે કંઇક પ્રયત્ન તો કરવો જ રહ્યો એ ન્યાયે બાપુ, ‘ચાલો ! હજુ બે ચાર જણને મળતો આવું, કદાચ ક્યાંકથી મેળ પડી જાય!’ કહી સાઇકલ લઇને મારા ભાગ્યની શોધમાં ગયા. ઘરનાં સૌ પોતપોતાનાં કામે વળગ્યાં. અમારી કાચી માટીની તેમ જ પતરાંના છાપરાવાળી ઝૂંપડીનું ફળિયું ખૂબ વિશાળ હતું. ઉનાળાના ઉત્તરાર્ધના એ ગરમ દિવસોથી આખો દિવસ શેકાયા બાદ અમે ફળિયામાં રહેવાનું પસંદ કરતાં. અલકમલકની વાતો કરતાં કોઇ જુદાં જ પ્રદેશની સફરે પહોંચી જતાં. તે દિવસે પણ રાત્રે સાડા દશ સુધી અમે બધા બાપુની વાટ જોઇ બેઠાં હતા. વાતો તો ત્યારે પણ અલકમલકની જ ચાલતી હતી પણ બધાયનાં મન પેલા સવાલની આસપાસ જ ઘુમરાતાં હતા. છેક પોણા અગિયાર વાગ્યા ત્યારે બાપૂજી આવ્યા. એમનાં અમારી સામે દષ્ટિ માંડવાના અંદાજથી એ ખાલી હાથે પાછા આવ્યા છે એ અમે સમજી ગયા. એમને કોઇએ કંઇ પણ પુછ્યું નહીં. ફક્ત દાદીમાં એક જ બોલ્યાં કે, ‘ખુદા સૌ સારા વાના કરશે. (ક્રમશઃ)