જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને તેમની પત્ની પાયલ અબ્દુલ્લા વચ્ચેના છૂટાછેડા કેસમાં સુપ્રીમ કોર્ટે બંનેને ફરીથી મધ્યસ્થી કરવા કહ્યું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ત્રણ અઠવાડિયાની અંદર બંને પક્ષોએ મુલાકાત કરીને આ મામલા પર ગંભીરતાથી ચર્ચા કરવી જોઈએ. સુપ્રીમ કોર્ટ આ કેસની આગામી સુનાવણી ૭ મેના રોજ કરશે.  ઓમર અબ્દુલ્લા વતી હાજર રહેલા વકીલ કપિલ સિબ્બલે આરોપ લગાવ્યો કે પાયલ અબ્દુલ્લા છૂટાછેડા માટે સંમત નથી અને ૩૦૦ કરોડ રૂપિયાના ભરણપોષણની માંગ કરી રહી છે.

કપિલ સિબ્બલના આ દલીલનો વિરોધ કરતા પાયલ અબ્દુલ્લાના વકીલ શ્યામ દીવાને કહ્યું કે સિબ્બલ ખોટા આંકડા રજૂ કરી રહ્યા છે. આ પછી, પાયલ અબ્દુલ્લાના વકીલ શ્યામ દીવાને કોર્ટને ફરીથી મધ્યસ્થી કરવાની સલાહ આપી. આ અંગે જસ્ટીસ સુધાંશુ ધુલિયા અને જસ્ટીસ કે વિનોદ ચંદ્રનની બેન્ચે કહ્યું કે બંને પક્ષોએ ફરી એકવાર ગંભીરતાથી સાથે બેસવું જોઈએ. ચાલો આપણે મુદ્દાઓ પર વિચાર કરીએ અને અમને આશા છે કે બંને પક્ષો ગંભીરતા બતાવશે અને મામલો ઉકેલાઈ જશે.

ઓમર અબ્દુલ્લાના વકીલે જણાવ્યું હતું કે બંને ૧૫ વર્ષથી અલગ રહી રહ્યા છે. કોર્ટના આદેશ મુજબ ભરણપોષણ ચૂકવવામાં આવી રહ્યું છે. જોકે, બાળકો અને માતાપિતા વચ્ચેના સંબંધો ઘણા સારા છે. હાઈકોર્ટે પાયલ અબ્દુલ્લાના ભરણપોષણ ભથ્થામાં વધારો કર્યો હતો. કોર્ટે ઓમર અબ્દુલ્લાને પાયલને ભરણપોષણ તરીકે ૧.૫ લાખ રૂપિયા અને બંને પુત્રોને ૬૦,૦૦૦ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો, જ્યારે નીચલી કોર્ટે જુલાઈ ૨૦૧૮ માં આદેશ આપ્યો હતો કે ઓમર અબ્દુલ્લા તેમની પત્ની પાયલ અબ્દુલ્લાને દર મહિને ૭૫,૦૦૦ રૂપિયા અને બંને બાળકોને ૨૫,૦૦૦ રૂપિયા ભરણપોષણ તરીકે ચૂકવે, જેમાં દિલ્હી હાઈકોર્ટે વધારો કર્યો હતો.