(૧) સાચું બોલવું સારૂ કે ખોટું ન બોલવું સારૂ? કયો વિકલ્પ પસંદ કરાય ?
જીગર આહીર (દાત્રાણા-પાટણ )
તમારામાં નામ પ્રમાણે ગુણ છે. બાકી ઘણા ઘેર કાઈ બોલી જ નથી શકતા એટલે સાચું બોલવું કે ખોટું એ પ્રશ્ન જ ઉપસ્થિત નથી થાતો.
(૨) બધી મોટરકાર ગુમ થઈ જાય તો?
જય દવે (ભાવનગર)
માણસ કરતાં કૂતરાં વધારે મુંઝાય. દોડવું કોની પાછળ?!
(૩) તમે પેલું રેશનકાર્ડમાં ઈ-ાઅષ્ઠ કરાવ્યું કે?
કોબાડ ભગવાન એસ. (મોટા સરાકડિયા)
રેશનકાર્ડ જાતે જઈને કરાવી આવ્યું!
(૪)૧૬૦૦ રૂપિયાનો શર્ટ પહેરીને લગ્નમાં ગયો; પણ ઠંડી એટલી બધી હતી કે આખો દિવસ સ્વેટર પહેરીને ફરવું પડ્‌યું, બોલો!
કનુભાઈ પરમાર (દામનગર)
આવું થાય ત્યારે ચાંદલો ઓછો કરી ને હિસાબ સરભર કરાય!
(૫) શું લાગે છે, આ વખતે ઠંડી કેવી પડશે?
નિદા નસીમ (ઉના)
‘ઉના’માં રહેવું અને ઠંડીની ઉપાધિ શું કરવી?!
(૬) શિયાળામાં કેમ બધા પાક ખાય છે ?
પૂજા પ્રભુદાસ ગોંડલીયા (જસદણ)
શિયાળાને ઈર્ષા કરાવવા.
(૭) અમે સાંભળ્યું છે કે તમે શિયાળામાં તમારા વાચકો માટે અડદિયા મોકલવાના છો!
રાજુ એન. જોષી (ધરાઈ બાલમુકુંદ)
હું જ આવી અફવા દર શિયાળે ફેલાવું છું. પરિણામે સવાલોની સંખ્યા અને ગુણવત્તા વધી જાય છે.
(૮) બારે બુદ્ધિ સોળે સાન આવી તો આવી નકર ગઈ.. આ કહેવત સાચી છે ?
મુસ્તુફા કનોજિયા (રાજુલા)
મારા બાર અને સોળ વરસ થાય પછી કહું!
(૯) આજના સમયમાં પૈસાનું રોકાણ કઈ જગ્યાએ કરવું જોઈએ?
પાંડોર નિધિ (બાયડ)
આમ જાહેરમાં જવાબ આપીશ તો તમારા પૈસા જોખમમાં આવી જશે. ખાનગીમાં કહું છું કે તમને વિશ્વાસ હોય તો પૈસા મને મોકલી આપો. હું સાચવીશ.
(૧૦) મોટાભાગના પતિદેવો કહ્યાગરા કેમ હશે ?
ડાહ્યાભાઈ આદ્ગોજા (લીલિયામોટા)
વારસાગત સંસ્કારો.
(૧૧) એક ડાળના પંખી એટલે શું?
દર્શન પટેલ (વડોદરા)
ગામમાં પિયરિયું ગામમાં સાસરું!
(૧૨) કુછ પા કર ખોના હૈ, કુછ ખો કર પાના હૈ. એટલે શું?
રામભાઈ પટેલ (સુરત)
આમાં કવિની કમાણી ઈન્કમટેકસ ભરવામાં વપરાઈ ગઈ હોય એવું લાગે છે!
(૧૩) હવે જીવનમાં પહેલા જેવી મજા નથી આવતી. શું કરવું?
રમાબેન પટેલ (અમદાવાદ)
મજાને પડતી મૂકી એન્જોય કરો!
(૧૪) કમૂર્તામાં નવાય ખરું?
રતિલાલ ઝિંઝુવાડિયા (લીલીયા મોટા)
ઘણાં માત્ર કમૂર્તામાં જ નહાય છે.
(૧૫) ઘેટાંબકરાં ચરવા જાય ત્યારે કયા સૂત્રો બોલે છે?
જયશ્રીબેન બી. મહેતા (કોટડાપીઠા)
ઘેટાં બકરાં ભાઈ ભાઈ,
ભંભોટ થઈશું ખાઈ ખાઈ!
નોંધ.. આપના હાસ્યરસિક પ્રશ્નો આપના અને ગામનાં નામ સાથે વોટ્‌સએપ નં. ૯૫૭૪૩૭૪૪૫૩ પર મોકલો..