ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ અમેરિકન અબજાપતિ જ્યોર્જ સોરોસ પર વિપક્ષ સાથે કામ કરીને ભારતની અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. બીજેપી સાંસદે રાહુલ ગાંધી પર પણ આક્ષેપો કર્યા હતા. તેની સામે ગુરુવારે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઇના કાર્યકરોએ દિલ્હીમાં નિશિકાંત દુબેના ઘરની બહાર અનોખો વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન એનએસયુઆઇ કાર્યકર્તાઓએ બીજેપી સાંસદને ન માત્ર ફૂલ અર્પણ કર્યા પરંતુ તેમને લાડુ પણ ખવડાવ્યા.
જ્યારે ભાજપના સાંસદને આ અનોખા વિરોધ અંગે પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે તેમણે હસતાં હસતાં કહ્યું, ‘આ લોકો મૂંઝવણમાં છે. કોઈએ તેમને છેતર્યા છે. આજે તે એનએસયુઆઇ સાથે છે પરંતુ કાલે તે ભારતીય જનતા યુવા મોરચાનો કાર્યકર બનશે. હું તેમને યુવા મોરચામાં લાવીશ. રાહુલ ગાંધી પર લાગેલા આરોપો પર તેમણે કહ્યું કે, ‘તેમને છેલ્લા ચાર દિવસથી ઝીરો અવર દરમિયાન બોલવાનો સમય મળી રહ્યો છે, પરંતુ વિપક્ષ મને બોલવા દેતો નથી. તેઓ આજે સંસદમાં આ મુદ્દે વાત કરશે.
નિશિકાંત દુબેએ લોકસભામાં કોંગ્રેસ સહિત વિપક્ષી દળો પર વિદેશી સંસ્થાઓ અને લોકો દ્વારા દેશની સંસદ, સરકાર અને અર્થવ્યવસ્થાને અસ્થિર કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો, જેના કારણે ગૃહમાં ભારે હોબાળો થયો હતો. નિશિકાંત દુબેએ આજે લોકસભાના શૂન્યકાળ દરમિયાન કોંગ્રેસ અને રાહુલ ગાંધીને ૧૦ પ્રશ્નો પૂછ્યા હતા, જેમાં તેમણે પૂછ્યું હતું કે કાશ્મીરને અલગ દેશ માનતી સંસ્થા સાથે રાહુલ ગાંધીના શું સંબંધો છે. સોનિયા ગાંધી અને જ્યોર્જ સોરોસ વચ્ચે શું સંબંધ છે? કોંગ્રેસના નેતા સામ પિત્રોડા પર ભ્રષ્ટાચારનો આરોપ હતો. રાહુલ ગાંધી, સામ પિત્રોડા અને જ્યોર્જ સોરોસ વચ્ચે શું સંબંધ છે. સોરોસ અને ગાંધી પરિવાર વચ્ચે શું સંબંધ છે? સોરોસે સૌથી વધુ પૈસા રાજીવ ગાંધી ફાઉન્ડેશનને આપ્યા હતા. રાજીવ ગાંધી ફાઉન્ડેશન સાથે સોરોસનો શું સંબંધ છે? સોરોસે ઘણા ફંડ બનાવ્યા, આ ફંડમાંથી તેમણે કોંગ્રેસના ૩૦૦ લોકોને પૈસા આપ્યા છે. કોંગ્રેસે ભારત જાડો યાત્રામાં કેટલા પૈસા ખર્ચ્યા અને સોરોસ ફાઉન્ડેશને કેટલા પૈસા આપ્યા?