મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકાર હોવા છતાં, પવાર પરિવાર રાજ્યમાં પ્રભુત્વ જાળવી રાખે છે, જા કે, તેનાથી વિપરીત, બુધવારે પુણેમાં એક વિચિત્ર પરિસ્થિતિ ઊભી થઈ. મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા શરદ પવારની પુત્રી અને ચોથી વખત બારામતીથી સાંસદ સુપ્રિયા સુલે પોતે ધરણા પર બેઠા હતા. પુણેના કલેક્ટર દ્વારા રસ્તાનું સમારકામ ન કરાવવા બદલ સુપ્રિયા સુલેએ મહાત્મા ગાંધીની શૈલીમાં પોતાનો વિરોધ વ્યક્ત કર્યો. સુપ્રિયા સુળેએ કહ્યું કે આ રસ્તાની હાલત એટલી ખરાબ છે કે વહીવટીતંત્ર તેના પર કોઈ ધ્યાન આપી રહ્યું નથી. આ રસ્તા પર એટલા બધા ખાડા છે કે શિવભક્તોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સુપ્રિયા સુળેના પિતરાઈ ભાઈ અજિત પવાર રાજ્યના નાયબ મુખ્યમંત્રી છે. તેઓ પાંચમી વખત ડેપ્યુટી સીએમ પદ સંભાળી રહ્યા છે.
બારામતીના સાંસદ અને એનસીપી એસપી નેતા સુપ્રિયા સુલેએ કહ્યું કે અમે નવા રસ્તાની માંગણી કરી રહ્યા નથી. અમે ફક્ત એટલી જ માંગ કરી રહ્યા છીએ કે મંદિર તરફ જતા હાલના રસ્તાનું સમારકામ કરવામાં આવે કારણ કે તેમાં ખાડા છે. તેમણે દાવો કર્યો હતો કે આ રસ્તા પર કોંક્રિટ નાખવા માટે વારંવાર વિનંતી કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. સુલેએ કહ્યું કે વહીવટીતંત્રને વારંવાર વિનંતીઓથી કંટાળીને અમે અહીં વિરોધ કરવાનું નક્કી કર્યું. તેમણે કહ્યું કે આ વિસ્તારમાં ૯૦૦ કરોડ રૂપિયાના માર્ગ વિકાસ કાર્યોનો પ્રસ્તાવ છે. તેમણે કહ્યું, “અમે તેનું સ્વાગત કરીએ છીએ. કામમાં બે થી ત્રણ વર્ષ લાગશે, તેથી અમારી વિનંતી છે કે ઓછામાં ઓછા ખાડા તો ભરાઈ જાય.
બારામતીના બાણેશ્વરમાં ૧.૫ કિલોમીટર લાંબો રસ્તો ખૂબ જ ખરાબ હાલતમાં છે. સુલેએ તેના સમારકામની માંગણી સાથે ધરણા કર્યા. સુલે બાણેશ્વર ગામના સ્થાનિક લોકોના જૂથ સાથે પુણે જિલ્લા કલેક્ટરની ઓફિસની બહાર બેઠા હતા. બપોરે પણ વિરોધ ચાલુ રહ્યો. નોંધનીય છે કે અજિત પવાર પોતે બારામતીના ધારાસભ્ય છે. અજિત પવારના પત્નીએ બારામતીથી લોકસભાની ચૂંટણી લડી હતી પરંતુ તેઓ ચૂંટણી હારી ગયા હતા. ત્યારે સુપ્રિયા સુલે જીતી ગયા હતા. સુપ્રિયા સુળે ધરણા પર બેસવાની ઘટના એવા સમયે બની છે જ્યારે થોડા દિવસો પહેલા જ અજિત પવારે બારામતીના વિકાસ અંગે મોટા દાવા કર્યા હતા. સુપ્રિયા સુળે જે રસ્તા પર ધરણા પર બેઠા હતા તે બારામતી લોકસભા મતવિસ્તારમાં આવે છે.