રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર) ના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખે સ્પષ્ટતા કરી કે પાર્ટીના તમામ ૧૨ સાંસદો શરદ પવાર સાથે છે. મહારાષ્ટÙના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર દ્વારા શરદ પવાર જૂથના કેટલાક સાંસદોનો સંપર્ક કરવા અને તેમને પક્ષમાં સામેલ કરવાના પ્રયાસો કરવાની અટકળો વચ્ચે તેમનું આ નિવેદન આવ્યું છે.
આ અંગેના એક પ્રશ્નના જવાબમાં દેશમુખે કહ્યું, “આ બધું જુઠ્ઠાણું છે. અમારા બધા ૮ લોકસભા સાંસદો અને ૪ રાજ્યસભા સભ્યો શરદ પવારની સાથે ઉભા છે.” તેમણે એમ પણ કહ્યું કે બંને જૂથોના એકસાથે આવવાની વાતોમાં કોઈ સત્ય નથી અને આ અફવાઓ સંપૂર્ણપણે પાયાવિહોણી છે.
આ દરમિયાન અનિલ દેશમુખે એમ પણ કહ્યું કે શરદ પવાર અને તેમના ભત્રીજા અજિત પવારના નેતૃત્વ હેઠળના જૂથ વચ્ચે, ખાસ કરીને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પછી, કોઈપણ પ્રકારની રાજકીય ભાગીદારીની કોઈ શક્યતા નથી. તેમનું માનવું છે કે પાર્ટીમાં કોઈ વિભાજન નથી અને શરદ પવારના નેતૃત્વ હેઠળ પાર્ટીના બધા સભ્યો એક થયા છે.
આ ઉપરાંત, અનિલ દેશમુખે બીડ જિલ્લામાં સરપંચ સંતોષ દેશમુખની ક્રૂર હત્યા પર પણ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે આ ગુનામાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી થવી જાઈએ અને ગુનેગારોને છોડવા જાઈએ નહીં.
તમને જણાવી દઈએ કે અજિત પવારની માતાના નિવેદન બાદ ચર્ચા તેજ થઈ ગઈ હતી કે શરદ પવાર અને અજિત પવાર એક સાથે આવશે અને પાર્ટીનું વિલીનીકરણ કરવામાં આવશે. શરદ પવાર અને અજિત પવાર જૂથના ઘણા નેતાઓ આ વાત સાથે સંમત થયા હતા.