ઈમરાન હાશ્મીએ પોતાની એક્ટિંગના દમ પર હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક અલગ જ સ્થાન બનાવ્યું છે. પોતાના કરિયરમાં અલગ-અલગ ભૂમિકા ભજવનાર ઈમરાનને લોકો તેના કામના કારણે ઓળખે છે. ઈમરાન હાશ્મી છેલ્લે ફિલ્મ વેબ સિરીઝ ‘શોટાઈમ’માં જોવા મળ્યો હતો, જેમાં તેની એક્ટિંગને લોકોએ ખૂબ પસંદ કરી હતી. હવે સમાચાર આવી રહ્યા છે કે ઇમરાને પ્રખ્યાત નિર્દેશક નીરજ પાંડે સાથે હાથ મિલાવ્યા છે.
પિંકવિલાના એક અહેવાલ અનુસાર, નીરજ એક રસપ્રદ વેબ સિરીઝ લઈને આવી રહ્યો છે, જેમાં ઈમરાન મુખ્ય ભૂમિકામાં જાવા મળશે. આ દિવસોમાં ઈમરાન તેની આગામી વેબ સિરીઝ માટે નીરજ સાથે ચર્ચામાં છે. બંને ઘણી વખત મળ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઈમરાનને સીરિઝની વાર્તા પસંદ આવી છે અને તેણે તેના માટે સંમતિ પણ આપી દીધી છે.
ઈમરાન અને નીરજની આ સિરીઝ નેટફલીક્સ પર રિલીઝ થશે. જો કે હજુ સુધી આની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ આશા છે કે તેની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. પિંકવિલાના અહેવાલ મુજબ, એક સૂત્રએ કહ્યું, “આ હિન્દી ફિલ્મ ઉદ્યોગ છે અને જ્યાં સુધી તે કાગળ પર ન આવે ત્યાં સુધી કંઈપણ સત્તાવાર નથી, પરંતુ વાતચીત યોગ્ય દિશામાં આગળ વધી રહી છે.”
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આ દિવસોમાં ઈમરાન તેની આગામી ફિલ્મ ‘ગુડચારી ૨’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ ૨૦૧૮ની સ્પાય થ્રીલર ફિલ્મ ‘ગુડચારી’ની સિક્વલ છે. આ ફિલ્મમાં આદિવી શેષ લીડ રોલમાં જાવા મળશે. આ ફિલ્મ ૨૦૨૫માં રિલીઝ થશે. નીરજ પાંડે હાલમાં ‘સ્પેશિયલ ઓપ્સ ૨.૦’ના પોસ્ટ-પ્રોડક્શન પર કામ કરી રહ્યો છે, જે આવતા વર્ષે હોટસ્ટાર પર પ્રીમિયર થશે. તે તેની ફિલ્મ ‘સિકંદર કા મુકદ્દર’ પર પણ કામ કરી રહ્યો છે, જે ટૂંક સમયમાં નેટફલીક્સ પર પ્રીમિયર થવા જઈ રહી છે. આ પહેલા તેણે ‘સ્પેશિયલ ૨૬’ અને ‘એમએસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી’ જેવી ફિલ્મો બનાવી છે.