બજારમાં એલોવેરાની જેલ ટ્યૂબ જૂદીજૂદી કંપનીની મળતી હોય છે જેમાં ફ્લેવર પણ આવે છે, જેમકે કેસર- ચંદન, લીમડો જેવી જૂદી જૂદી ફ્લેવર જેને પસંદ હોય તેવી બજારમાંથી ખરીદતા હોય છે. મોટા ભાગના લોકો ઘરે ક્યારામાં કે કૂંડામાં એલોવેરા ઉગાડતા હોય છે. એલોવેરાની જેલ ચામડી પર લગાવવાથી ચામડી ચમકદાર લાગે છે. ખીલના ડાઘા દૂર થાય છે. તો ચાલો આપણે એલોવેરાના છોડ વિષે વિગતવાર જાણીએ.
આપણા દેશમાં કુંવારની ૩ પ્રસિધ્ધ જાતોમાંથી બે જાતિ ભારતમાં વધુ થાય છે. (૧) ALOE-VERA તે ગુજરાત, મધ્યપ્રદેશ, ઉતરપ્રદેશમાં થોડા વધુ પ્રમાણમાં સર્વત્ર થાય છે. મદ્રાસ- રામેશ્વર તરફ સમુદ્ર કિનારે તેનાં નાના છોડ ALOE-INDICA થાય છે. (૨) જાફરાબાદી કુંવાર(ALOE LITOTATIS) તે સૌરાષ્ટ્રમાં જામનગર જિલ્લામાં તથા ખંભાતની ખાડીઓમાં વધુ થાય છે. કેટલાક સ્થળે કુંવારના વન થાય છે.
લસણના કુળની આ બહુવર્ષાયુ વનસ્પતિના માંસલ (દળદાર) છોડ ૧ થી ૨ ફુટ ઉંચા થાય છે. તે પ્રાયઃ જમીનમાં આપોઆપ થાય છે તથા તેના પાન હથેળી જેવા જાડાં, રસભર્યા, ખૂબ ચળકતાં, લીસાં અને મૂળમાંથી જ એક સાથે નીકળેલ હોય છે. પાન નીચે પહોળું અને ઉપર જતા ભાલાની જેમ સાંકડું અણીદાર હોય છે. પાનની બન્ને કિનારી પર બારીક કાંટા થોડા થોડા અંતરે હોય છે. પાન ૧૦ ઈંચથી ૨ ફુટ લાંબા અને ૨ થી ૪ ઈંચ પહોળાં (નીચે) થાય છે. પાનમાં સફેદ- પીળો, કડવો, ચીકણો ગર્ભ હોય છે. નારંગી રંગના પુષ્પ કે ૧ થી ૧.૫ ઈંચ લાંબી ફળી આવે છે. ફુલ ખાવામાં મીઠા અને ઉગ્ર ગંધના હોય છે. કુંવારના છોડ પાણી વિના પણ મરતા નથી.
એલોવેરા રેતાળ માટી અને ગરમ તાપમાનવાળા ક્ષેત્રમાં ખૂબ ઝડપથી ઉગે છે. જેમાં વધારે પાણીની જરૂર પડતી નથી.
– ખેતી માટે એવી જગ્યા પસંદ કરવી જ્યાં પાણી અને ભેજ ના હોય, જમીન થોડી ઊંચાઇ પર હોવી જોઇએ. જેના કારણે વરસાદનું પાણી ભરાવાનો પણ ડર ન રહે.
– ચોમાસા પહેલા ખેતરને ખેડવું સારું રહે છે. એકવાર ખેડ્યા બાદ ૧૨-૧૫ ટન ખાતર મિક્ષ કરીને ફરીથી ખેડવું જોઇએ. – છાણના ખાતરની સાથે યુરિયા, ફોસ્ફરસ, પોટાશને પણ સરખી માત્રમાં નાખવું જોઇએ. ત્યારબાદ ખેતરમાં ૫૦ટ૫૦ સેમી.ના અંતર પર ક્યારા બનાવી લેવા.
– છોડને કોઇપણ સમયે વાવી શકો છો, જોકે વધારે સારો સમય જૂન-જુલાઇનો હોય છે.
આજના સમયમાં એલોવેરાને મેડિસીન અને કોસ્મેટિક બંને રીતે ઉપયોગમાં લેવામાં આવે છે. લોકો હવે પોતાની તંદુરસ્તી માટે નેચરલ પ્રોડક્ટ તરફ વળી રહ્યા છે. આજે એલોવેરા જેલનું એક મોટુ માર્કેટ ઉભુ થઈ રહ્યુ છે. નીચેની જાણીતી કંપનીઓ સાથે ખેડૂતો પાક ઉગાડતા પહેલાં જ કોન્ટ્રાક્ટ કરી શકે છે.
(૧) પતંજલિ આયુર્વેદ લિમિટેડ, (૨) વિટ્રોમેડ હેલ્થ કેર, (૩) રટ્ટન ઓર્ગેનિક ફૂડ પ્રાઈવેટ લિમિટેડ,
(૪) શ્રી બૈદ્યનાથ આર્યુવેદ ભવન પ્રાઈવેટ લિમિટેડ, (૫) બ્રાઈટ લાઈફકેર પ્રાઈવેટ લિમિટેડ, (૬) એક્સિમો આયુર્વેદ, (૭) બોટનિકા ઈન્ડિયા, (૮) કપીવા આયુર્વેદ, (૯) નરીશ વિટલાસ, (૧૦) કામા આયુર્વેદિક.
આંતરાષ્ટ્રીય ક્ષેત્રે ડિમાન્ડઃ- યુરોપીયન દેશોમાં એલોવેરા જ્યુસનું મહત્વ વધી રહ્યું છે. વળી એલોવેરાનો ઉપયોગ કોસ્મેટિક આઈટમોમાં થતો હોવાને કારણે પણ તેની માંગ વધી રહી છે. વળી ત્યાંના સુપર માર્કેટની પ્રખ્યાત ચેન પણ સીધુ ખેડૂતો સાથે જોડાણ કરીને એલોવેરા ખરીદે છે.
આંતરાષ્ટ્રીય કંપનીઓઃ
(૧) ઓકેએફ કોર્પોરેશન (૨) એએલઓ ડ્રિંક્સ (૩)કેયુમકંગ બી એન્ડ એફ કો. લિમિટેડ (૪) લોટે ચિલસંગ બેવરેજ કો, લિમિટેડ (૫) તુલીપ ઈન્ટરનેશનલ ઈન (૬)મેડિકેપ્સ લિમિટેડ (૭) એલો ફાર્મસ (૮) ફોરેવર લીવિંગ પ્રોડક્ટસ (૯) હૂસી ગ્લોબલ. આ અને આના જેવી અન્ય કંપનીઓ ખેડૂતો સાથે કરાર કરતી હોય છે.
આમ, એલોવેરામાંથી આવક પણ મેળવી શકાય છે.
hemangidmehta@gmail.com