એસ્સાર ગ્રુપના સહ-સ્થાપક શશિ રુઈયાનું લાંબી માંદગી બાદ નિધન થયું છે. કૌટુંબિક સૂત્રોએ જણાવ્યું કે રૂઈયાનું ૨૫ નવેમ્બરે રાત્રે ૧૧.૫૫ વાગ્યે મુંબઈમાં અવસાન થયું હતું. તે લગભગ એક મહિના પહેલા અમેરિકાથી સારવાર માટે પરત ફર્યા હતાં તેમના પાર્થિવ દેહને મંગળવારે બપોરે ૧ થી ૩ દરમિયાન અંતિમ દર્શન માટે રૂઇયા હાઉસ ખાતે રાખવામાં આવ્યો હતો અને સાંજે રુઈયા હાઉસથી હિન્દુ વર્લી સ્મશાન માટે અંતિમયાત્રા નીકળી હતી અને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં
શશિ રુઈયાના પરિવારમાં તેમની પત્ની મંજુ અને બે પુત્રો પ્રશાંત અને અંશુમન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રુઈયાના નિધન પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે તેઓ ઈન્ડસ્ટ્રીના એક મહાન વ્યક્તિ હતા. તેમના દીઘર્દ્રષ્ટા નેતૃત્વ અને શ્રેષ્ઠતા પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતાએ ભારતના વ્યાપાર લેન્ડસ્કેપને બદલી નાખ્યું. તેમનું નિધન ખૂબ જ દુઃખદ છે. તેમણે નવીનતા અને વિકાસ માટે ઉચ્ચ ધોરણો સ્થાપિત કર્યા. તેની પાસે હંમેશા ઘણા વિચારો હતા. હંમેશા આપણે આપણા દેશને કેવી રીતે બહેતર બનાવી શકીએ તેની ચર્ચા કરતા.
૮૦ વર્ષીય ઉદ્યોગપતિ શશિ રુઈયાએ તેમના ભાઈ રવિકાંત રુઈયા (ઉર્ફે રવિ રુઈયા) સાથે મળીને ૧૯૬૯માં એસ્સાર ગ્રૂપની સ્થાપના કરી હતી, જે મેટલથી લઈને ટેકનોલોજી સુધીના વ્યવસાય સાથે સંકળાયેલી હતી. શશિકાંત રુઈયાએ વર્ષ ૧૯૬૫માં તેમના પિતા નંદ કિશોર રુઈયાના માર્ગદર્શન હેઠળ તેમની કારકિર્દીની શરૂઆત કરી અને ચેન્નાઈ પોર્ટ પર આઉટર બ્રેકવોટરનું નિર્માણ કરીને ૧૯૬૯માં એસ્સારનો પાયો નાખ્યો. એસ્સાર ગ્રુપ આજે સ્ટીલ, ઓઇલ રિફાઇનિંગ, એક્સ્પ્લોરેશન અને પ્રોડક્શન, ટેલિકોમ, પાવર અને કન્સ્ટ્રક્શન સહિતના ઘણા ક્ષેત્રોમાં બિઝનેસ કરે છે.