અમરેલીની શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા સ્કૂલ અને શ્રીમતી ચંપાબેન વસંતભાઈ ગજેરા સ્કૂલ તથા જ્ઞાનશક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ તેમજ જિલ્લા કક્ષા સ્પોટ્‌ર્સ સ્કૂલના બાલમંદિરથી ધો.૧૨ના વિદ્યાર્થીઓની ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, સંગીત સ્પર્ધા, ક્વીઝ સ્પર્ધા વગેરે સ્પર્ધાઓ યોજાઇ હતી જેમાં ૪૦૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિજેતા થનાર અને સારું પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને સાહિત્ય અને કલા ક્ષેત્રે આગળ વધારવા નિયમિત પ્રેક્ટિસ અને પ્રોત્સાહન આપવામાં આવશે, જેથી તેઓ તાલુકા કક્ષા, જિલ્લા કક્ષા તેમજ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે. સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા દ્વારા સાહિત્ય અને કલા માટે સંસ્થામાં અલગ અલગ સુવિધાઓ ઉભી કરી સર્વાંગી શિક્ષણ એટલે કે શ્રેષ્ઠ અભ્યાસ સાથે વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિઓ જાગૃત કરી શ્રેષ્ઠ ઘડતર કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે સાહિત્ય અને કલા સ્પર્ધા યોજાઈ હતી. તમામ બાળકોએ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગપૂર્વક ભાગ લીધો. જેમાં સંસ્થાના મંત્રી ચતુરભાઈ ખૂંટ, કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણી ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના પ્રમુખે ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા.