મારી વાડીના બગીચામાં હું નિંદામણ કરી રહ્યો હતો ત્યારે પધારેલ એક ૭૨ વર્ષની મહિલાએ મને એક ગજબનો સવાલ કરી લીધોઃ આ બિયારો મારો બેટો ગમે એટલો કાઢીએ તોય પાછો આવે છે ક્યાંથી?
આ બિયારો એટલે બિયારણ નહીં. તમે ઘઉં, બાજરી કે શાક બકાલુ તમારા ખેતરમાં વાવો છો તે વાવવા માટે જે બીજ લાવો છો એના જથ્થાને બિયારણ કહેવામાં આવે છે. પણ તમે જે બિયારણ નથી લાવતા પરંતુ એની મેળે જ જે અડાબીડ ઊગી નીકળે છે તે ઘાસ અથવા નિંદામણના બીજને બિયારો કહેવામાં આવે છે. ખેતરમાં જે કામના છોડવા તમારે વાવવા છે એ છોડવાના ઉછેર માટે તમે ઈશ્વરની પૂજા કરતા હો એ રીતે ખાતર પાણીનું નૈવેદ્ય ધરાવીને એને ઉછેરો છે. ઈશ્વરની જેમ જ તમારે પાકની ભક્તિ કરવી પડે છે. વળી એથી આગળ વધીને, ઈશ્વરનું તો તમારે રક્ષણ કરવું નથી પડતું ઉલટાનો એ તમારું રક્ષણ કરે છે. પણ પાકનું તો તમારે રક્ષણ પણ કરવું પડે છે.
યજ્ઞ વેદીમાં જે રીતે યજ્ઞ કરતી વખતે દેવતાઓની પધરામણી કરવામાં આવે છે એ રીતે ખેતરમાં તમારે પાકના બિયારણની ભાવભક્તિભેર પધરામણી કરવી પડે છે. પણ બિયારો?
બિયારો તો હવનમાં હાડકા નાખનાર રાક્ષસોની જેમ વગર નિમંત્રણે આવી જાય છે. આવી જાય છે એટલું જ નહીં આક્રમણ કરે છે. દર વર્ષે ખેડૂત બિયારો કાઢી કાઢીને થાકી જાય છે, તૂટી જાય છે. દર વર્ષનો મતલબ એ પણ નહીં કે એક સિઝનમાં એક વખત બિયારો કાઢી નાખ્યા પછી જય ભારત કરી નાખવાનું. બિયારાની પાછળ લાગ્યા જ રહેવાનું. ૧૫ દિવસે કે મહિને બિયારો હતો એનો એ જ. હજી તો ખેતરના એક ભાગમાં તમે માંડ જય ભારત કર્યું હોય ત્યાં તો બીજા ભાગમાં બિયારો ઢેન્ટણેન્‌ કરતો ઊભો હોય. શહેરમાં ઈસ્ત્રી ટાઈટ કપડાં પહેરીને હજામત કરીને ઓફિસે જતા ઓફિસરની જેમ ખેડૂતને પોતાનું થોબડું સાફ રાખવાનો સમય મળતો નથી કારણ કે જ્યારે જુઓ ત્યારે ખેતરની હજામત કરવાની ઉભી જ હોય. ખાનદાન ખેડૂત પોતાની હજામત કરવા કરતાં ખેતરની હજામત કરવાનું વધુ પસંદ કરે છે અને એટલે જ તે મેલો ઘેલો હોય છે, દાઢીયાળ હોય છે. ખેડૂતને પોતાનો ચહેરો ચકાચક દેખાય એના કરતાં પોતાના ખેતરનો ચહેરો ચકાચક દેખાતો હોય એમાં વધુ રસ હોય છે.
બધા કામનો એક ઉકેલ હોય, એક પતાવટ હોય. વાવવાનું કામ? તો કે પત્યું… લણવાનું કામ? તો કે પત્યું… પરંતુ નિંદામણનું કામ? એ કામ ક્યારેય પતતું નથી… ખાલી આત્મસંતોષ ખાતર કે પછી કહેવા ખાતર હારી થાકીને એ અમુક સમય પૂરતું પતેલું જાહેર કરવું પડે છે.
એ રીતે છાપાવાળાનું કામ અને શેતકરીનું કામ એક સરખું ગણાય. છાપાની ઓફિસમાં સમાચારના ઊંબાડિયા ચોવીસે કલાક ચારે દિશામાંથી આવ્યા જ કરતા હોય છે. હજી તો માંડ તંત્રી કે પત્રકારો છાપુ પૂરું કરવાનું વિચારતા હોય ત્યાં તો બીજા ચાર સમાચાર એવા આવે કે એ લેવા જ પડે એમ હોય. એ ચાર લઈ લેવામાં આવે તો પણ ત્યાં સુધીમાં બીજા આઠ ડોકિયું કરીને બિયારાની માફક ઊગીને ઊભા હોય. આખરે ટાઈમ લાઈનનું માન રાખીને તંત્રી કે પત્રકારોએ અજંપા સાથે છાપુ પૂરું જાહેર કરવું પડે છે. બસ એ જ રીતે ખેડૂત પણ નિંદામણ નું કામ ૧૦% આત્મસંતોષ અને ૯૦% અજંપા સાથે પૂરું જાહેર કરે છે. ખેડૂતને પણ ટાઈમ લાઈન જેવું કશુંક હોય છે.