અમરેલી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા શોરલાઇન ક્લિન-અપ મોક એક્સરસાઇઝ અંતર્ગત મશીન અને માનવબળના સંયુક્ત કર્મયોગથી જાફરાબાદના સરકેશ્વર દરિયાકાંઠે મોક એક્સરસાઇઝ કરવામાં આવી હતી. ટીમ વર્ક દ્વારા વિવિધ સંસાધનો જેવા કે, ઓઇલને દરિયામાં વધુ પડતું પ્રસરાતું અટકાવવા માટે બુમ, ઓઇલ-પાણી-રેતીને અલગ તારવતું મશીન સ્કીમર, મલ્ટી સ્કીમર, હાઇડ્રોલિક પંપ, ૧૦, ૦૦૦ લીટર કેપેસિટી ધરાવતી ટા-ટેંક, ઓઇલ નિકાલ કરવા માટેના ડ્રમ દ્વારા એક સંયુક્ત રણનીતિના ભાગરુપે મશીન અને માનવબળના જોરે નક્કી કરેલા ૧૦૦ મીટર વિસ્તાર ટાર્ગેટ એરિયામાં દરિયાની સ્વચ્છતા માટે દરિયામાં રહેલા દૂષિત પાણીને ચોક્કસ રીતે સંગ્રહિત કરી દરિયાકાંઠા વિસ્તારની સફાઇ હાથ ધરવામાં આવી હતી. સરકેશ્વર ખાતે યોજાયેલ આ મોક એક્સરસાઇઝમાં અમરેલી આપત્તિ વ્યવસ્થાપન તંત્ર, કોસ્ટગાર્ડ, મેરીટાઇમ બોર્ડ, ફીશરીઝ, પોલીસ, આરોગ્ય, ફાયરબ્રિગેડ, પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, ઔદ્યોગિક સ્વાસ્થ્ય અને સલામતી, વન વિભાગ, પ્રાંત કચેરી રાજુલા, રાજુલા-જાફરાબાદ નગરપાલિકા અને તાલુકા વહીવટીતંત્ર, પીપાવાવ પોર્ટ, એપીએલ ટર્મિનલ, અલ્ટ્રાટેક, જીએમબી, સિન્ટેક્સ સહિત વિવિધ ખાનગી કંપનીના અધિકારીઓ અને કર્મયોગીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.