આજના સમયમાં રોજગારી માનભેર મેળવવી એ સૌથી મોટી સમસ્યા છે. ત્યારે બે રોજગારીના આંસુ પાડવા કરતા રાજય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા સખી મંડળો ઉભા કરીને સ્વમાનભેર રોજગારી આપવાનો સફળ પ્રયત્ન થઈ રહ્યા છે. આમાં પણ અધિકારીઓની મિલીભગત અને કાગળ ઉપર ચાલતા સખી મંડળો કે સેલ્ફ હેલ્થ ગૃપો કે પછી ખેડૂતો માટેના એફ.પી.ઓ. આત્મા દ્વારા ફાર્મસ કલબ નિષ્ફળ રહ્યા છે. બે પગવાળા ઉંદરો સરકારની મદદની ગ્રાન્ટો ચાવ કરી જાય છે.
આ બધા વચ્ચે ખારા જળમાં મિઠી વિરડી સમાન પણ સ્વરોજગારીની પરિવારભાવ સાથે યોજનાઓ સફળ બની રહી છે. સ્વમાન વેચીને માન મેળવવાની લાઈનો કરતા માનભેર વ્યવસાય કરી સ્વમાન મેળવી શકાય છે. એવી અનેક સફળતાઓની યશગાગાથાઓ રહેલી છે.
ભગવાન દ્વારકાધીશની ધર્મની ધજાઓ ફરકે છે. એવા દેવભૂમિ દ્વારકા જિલ્લો ખેતી અને દરિયાઈ વ્યવસાય સાથે જાડાયેલ છે. હા મોટી-મોટી મહાકાય ઈન્ડસ્ટ્રીઝ હોવા છતાં પણ બધાને રોજગારી મળે છે એવું નથી. મહિલાઓ પગભર બને અને પરિવારના બાળકોને સારૂં શિક્ષણ આપી શકે એ માટે સ્વરોજગારલક્ષી યોજના એટલે સખી મંડળ. ઓછો અભ્યાસ, પરિવારની જવાબદારી, ખેતી અને પશુપાલન માટે વહેલા ચાર વાગ્યે ઉઠીને કામે લાગવું પડે, રાત્રે બધા પરિવારના લોકો સુઈ જાય પછી માંડ ઘરકામમાંથી પરવારી આંખ વિચવાનો સમય મળે.
આમાં બાળકોના શિક્ષણ માટે સમયની તો વાત જ કયાં રહી ? છતાં પણ મહિલાઓ સતત ઝઝુમતી રહી છે તે પૈકીના છે શકિતનગર ખંભાળિયાના પુરીબેન અમરાભાઈ મુંધવા માત્ર ચાર ચોપડી અભ્યાસ, ત્રણ દીકરી અને ૧ દીકરો સંયુકત પરિવારની જવાબદારીઓ વચ્ચે બહેનોને મદદરૂપ થવા માટે જય આદ્યશક્તિ સખી મંડળની રચના ર૦૧૩માં ૧૦ બહેનોએ સાથે મળીને કરી. દર મહિને ૧૦ બહેનોની મિટિંગ મળે રૂ.પ૦થી બચતની શરૂઆત કરી અને બાદમાં દર મહિને રૂ.૧૦૦ બચત કરીને ૧,૩૦,૦૦૦ જેવી બચત ઉભી કરી છે.
બેન્કના માધ્યમથી સી.સી. લોન લઈને બહેનોને આંતરીક ધિરાણ કરવામાં આવે છે. જેના હિસાબે ઘરેણા ગીરવે મુકવા કે ઉંચા વ્યાજ ના ચુકવવા પડે.
તાજેતરમાં જિલ્લા વહિવટીતંત્રના સહકાર અને પ્રોત્સાહનથી સખી મંડળના માધ્યમથી જિલ્લા પંચાયત કચેરી ખાતે કેન્ટીન શરૂ કરવામાં આવી છે. જેમાં ચા-પાણી, નાસ્તો અને બપોરે ભોજન અપાય છે. આજે લોકો જમવા માટે કેન્ટીનનો ઉપયોગ સારી રીતે કરી રહ્યા છે. ઉપરાંત આ સખી મંડળનાં માધ્યમથી કલેકટર કચેરીમાં ચા-પાણી અને નાસ્તાની કેન્ટીન ચાલુ કરવામાં આવશે. આજે આ સખી મંડળની બહેનો કેન્ટીનમાં ચા-રસોઈ બનાવે છે અને મહિને ૭ થી ૮ હજાર રૂપિયા મેળવે છે.
પુરીબહેનની કામગીરી આટલેથી પુરી થતી નથી. ગામની બીજી બહેનોને સંગઠીત કરીને બીજા ત્રણ ગૃપો પણ બનાવવામાં આવ્યા છે. મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે અને રોજગારલક્ષી તાલીમો આપવામાં આવે છે. સમય અને પરિસ્થિતિઓને થપાટ મારીને આજે બહેનો આત્મ સન્માન સાથે પગભર બની રહી છે. પુરીબેન મુંધવાનો સંપર્ક ઃ-
૯૦૧૬૪ ૧૦૮૯૩
_ઃઃ તિખારો ઃઃ
આથમતી સંધ્યાએ કોઈએ મને પુછયું. લાગણી, વફાદારી પછી દગાના દર્દની કિંમત શું ? મે હસતા કહ્યું દોસ્ત બધા મને મફત આપી જાય છે.