તેલંગાણા પોલીસે રાણા દગ્ગુબાતી, પ્રકાશ રાજ, વિજય દેવેરાકોંડા અને મંચુ લક્ષ્મી સહિત લગભગ ૨૫ સેલિબ્રિટી અને પ્રભાવકો વિરુદ્ધ સટ્ટાબાજીની એપ્લિકેશનને પ્રોત્સાહન આપવા બદલ એફઆઇઆર નોંધી છે. ગુરુવારે, અભિનેતા વિજય દેવેરાકોંડા અને પ્રકાશ રાજે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા ગેરકાયદેસર સટ્ટાબાજી અને જુગાર એપ્લિકેશનોને પ્રોત્સાહન આપવાના આરોપો પર સ્પષ્ટતા જારી કરી હતી, જ્યારે આરોપો સામે આવ્યા હતા.
વિજય દેવેરાકોંડાની ટીમે એક નિવેદન બહાર પાડીને સ્પષ્ટતા કરી હતી કે અભિનેતાએ કૌશલ્ય-આધારિત રમતો માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કંપની સાથે કરાર કર્યો હતો અને એવા પ્રદેશોમાં કંપનીને ટેકો આપ્યો હતો જ્યાં ઓનલાઇન કૌશલ્ય-આધારિત રમતોને કાયદેસર રીતે મંજૂરી આપવામાં આવી હતી. નિવેદનમાં લખ્યું હતું કે, “આ જનતા અને તમામ સંબંધિત પક્ષોને જણાવવા માટે છે કે વિજય દેવેરાકોંડાએ કૌશલ્ય-આધારિત રમતો માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સેવા આપવાના મર્યાદિત હેતુ માટે એક કંપની સાથે સત્તાવાર રીતે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. તેમનું સમર્થન ફક્ત તે પ્રદેશો સુધી મર્યાદિત હતું જ્યાં આૅનલાઇન કૌશલ્ય-આધારિત રમતોને કાયદેસર રીતે મંજૂરી છે.
નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, “એ સ્પષ્ટ કરવું મહત્વપૂર્ણ છે કે કૌશલ્ય આધારિત રમતો, જેમાં રમી જેવી ઓનલાઈન રમતોનો સમાવેશ થાય છે, તેને માનનીય સુપ્રીમ કોર્ટ દ્વારા વારંવાર જુગાર અથવા ગેમિંગથી અલગ ઠેરવવામાં આવી છે. કોર્ટે એવું ઠરાવ્યું છે કે આવી રમતોમાં તક કરતાં કૌશલ્યનો સમાવેશ થાય છે, જે તેમને કાયદેસર રીતે માન્ય બનાવે છે.” નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે વિજય દેવેરાકોંડાની કાનૂની ટીમ કોઈપણ કરારમાં પ્રવેશતા પહેલા તેની સમીક્ષા કરે છે. તેમણે એ પણ સ્પષ્ટતા કરી કે એ૨૩ ગેમિંગ પ્લેટફોર્મ સાથેનો તેમનો સોદો ૨૦૨૩ માં સમાપ્ત થયો હતો અને અભિનેતા હવે બ્રાન્ડ સાથે સંકળાયેલા નથી.
આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ અભિનેતા પ્રકાશ રાજે પણ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. અભિનેતાએ ટ્વિટર પર પોતાનો એક વીડિયો પોસ્ટ કર્યો. વીડિયોમાં તેણે ગેમિંગ એપ માટે જાહેરાત કરવાની કબૂલાત કરી હતી, પરંતુ બાદમાં તેને તે યોગ્ય ન લાગતાં તેણે તે ચાલુ રાખવાનો ઇનકાર કર્યો હતો. “મને પોલીસ સ્ટેશન તરફથી કંઈ મળ્યું નથી કે કોઈ પણ પ્રકારનું સમન્સ મળ્યું નથી અને જ્યારે આવું થશે ત્યારે હું તમારો સંપર્ક કરીશ, પરંતુ મને લાગે છે કે જવાબ આપવો અને તમારા માટે સ્પષ્ટતા કરવી એ મારી જવાબદારી છે,” અભિનેતાએ વીડિયોમાં કહ્યું.
અભિનેતાએ આગળ કહ્યું, “૨૦૧૬ માં, લોકોએ મને ગેમિંગ એપ માટે સંપર્ક કર્યો અને મેં તે કર્યું. જાકે, થોડા મહિનામાં મને લાગ્યું કે તે યોગ્ય નથી. પરંતુ હું કંઈ કરી શક્્યો નહીં, તેથી મેં એક વર્ષના કરાર માટે તે કર્યું. થોડા સમય પછી, જ્યારે તેઓ તેને રિન્યુ કરવા માંગતા હતા, ત્યારે મેં ના પાડી.” પ્રકાશ રાજે દાવો કર્યો હતો કે ત્યારથી તેમણે કોઈ જાહેરાત કરી નથી. તેમણે કહ્યું, “આ લગભગ ૮-૯ વર્ષ પહેલાં થયું હતું અને ત્યારથી મેં ઓનલાઈન જુગારને પ્રોત્સાહન આપતી કોઈ જાહેરાત કરી નથી.” તેલંગાણા પોલીસે ઉદ્યોગપતિ પીએમ ફણીન્દ્ર શર્માની ફરિયાદ બાદ હૈદરાબાદના મિયાપુર પોલીસ સ્ટેશનમાં પ્રકાશ રાજ, વિજય દેવરકોંડા અને મંચુ લક્ષ્મી જેવી હસ્તીઓ સહિત ૨૫ લોકો વિરુદ્ધ એફઆઇઆર નોંધી છે.