આઇપીએલ ૨૦૨૫ માં પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી, જેના કારણે બંને ટીમોને એક-એક પોઈન્ટ આપવામાં આવ્યો હતો. આ મેચમાં પંજાબ કિંગ્સે પ્રથમ બેટિંગ કરીને ૨૦૧ રન બનાવ્યા હતા. ટીમ તરફથી પ્રિયાંશ આર્ય અને પ્રભસિમરન સિંહે શાનદાર બેટિંગ કરી. મેચમાં અડધી સદી ફટકારીને, પ્રિયાંશ ઓરેન્જ કેપ યાદીમાં ટોપ-૧૦માં પ્રવેશ્યો.
પ્રિયાંશ આર્યએ ઇનિંગ્સની શરૂઆતથી જ વિસ્ફોટક બેટિંગ કરી. તેણે ૩૫ બોલમાં ૬૯ રન બનાવ્યા, જેમાં તેના બેટમાંથી ૮ ચોગ્ગા અને ચાર છગ્ગા લાગ્યા. તેમના કારણે જ ટીમ ૨૦૦ રનનો સ્કોર પાર કરી શકી. તેણે પ્રભસિમરન સિંહ સાથે પ્રથમ વિકેટ માટે ૧૨૦ રનની ભાગીદારી કરી. જારદાર ઇનિંગ્સ રમ્યા બાદ, તે આઇપીએલ ૨૦૨૫ માં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં ૯મા સ્થાને પહોંચી ગયો છે.
આ પ્રિયાંશ આર્યની આઇપીએલમાં પહેલી સીઝન છે અને તેણે પોતાની પહેલી જ સીઝનમાં સારું પ્રદર્શન કર્યું છે. અત્યાર સુધીમાં તેણે ૯ આઇપીએલ મેચમાં ૩૨૩ રન બનાવ્યા છે. ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં તેણે ૪૨ બોલમાં ૧૦૩ રન બનાવ્યા અને એક શક્તિશાળી સદી ફટકારી.આઇપીએલ ૨૦૨૫ મેગા ઓક્શનમાં તેની બેઝ પ્રાઈસ ૩૦ લાખ રૂપિયા હતી, ત્યારબાદ તેને પંજાબ કિંગ્સ ટીમે ૩.૮ કરોડ રૂપિયાની મોટી રકમમાં ખરીદ્યો. ઘરેલુ ક્રિકેટમાં, તેણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને દિલ્હી પ્રીમિયર લીગમાં પણ સારી બેટિંગ કરી હતી. ડીપીએલ મેચમાં, તેણે એક ઓવરમાં ૬ છગ્ગા પણ ફટકાર્યા હતા.
બીજી તરફ, શુભમન ગિલ આઇપીએલ ૨૦૨૫ માં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં ટોપ-૧૦ માંથી બહાર છે. તે હાલમાં ૧૧મા ક્રમે છે. તેણે અત્યાર સુધીમાં ૮ મેચમાં કુલ ૩૦૫ રન બનાવ્યા છે, જેમાં ત્રણ અડધી સદીનો સમાવેશ થાય છે. ઓરેન્જ કેપ હાલમાં ગુજરાત ટાઇટન્સના સાઇ સુદર્શન પાસે છે અને તે નંબર વન પર છે. તેણે અત્યાર સુધી ૮ મેચમાં કુલ ૪૧૭ રન બનાવ્યા છે. બીજા નંબરે આરસીબી સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી છે. તેણે ૯ મેચમાં કુલ ૩૯૨ રન બનાવ્યા છે.