છેલ્લા કેટલાક વર્ષોમાં કચ્છમાં સરકારી જમીન પર ગેરકાયદેસર અતિક્રમણ વધ્યું છે તેથી કચ્છ જિલ્લા વહીવટીતંત્રએ સમગ્ર કચ્છ વિસ્તારમાં અતિક્રમણ દૂર કરવા માટે એક મોટું અભિયાન શરૂ કર્યું છે. જિલ્લા વહીવટીતંત્ર કચ્છ પ્રદેશમાં સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામોની યાદી પણ તૈયાર કરી રહ્યું છે. ત્યારે ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સ દ્વારા કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણ પશ્ચિમ કચ્છ પોલીસે દૂર કર્યા છે.

લિયાકતઅલી રસીદઉલ્લા નોડે વિરૂદ્ધ કચ્છ, બનાસકાંઠા, અમદાવાદ જિલ્લામાં ૫થી વધુ ચીટિંગના ગુના દાખલ કરવામાં આવેલા છે. ભુજનાં ખાવડા પોલીસ સ્ટેશન વિસ્તારના સરગુ ગામે આરોપીએ સરગુ ગામની બન્ની વિસ્તારની ફોરેસ્ટ હસ્તકની જમીનમાં ગેરકાયદેસર રીતે દબાણ કરી પોતાના રહેણાક માટે મકાન તથા વાડો બનાવ્યો હતો. આશરે ૧૫૦૦૦ ચો.મીટરની જગ્યા પર જેની અંદાજિત કિંમત ૧૦ લાખ થાય છે તેના પર ગેરકાયદેસર દબાણ કરતા પશ્ચિમ કચ્છ પોલીસે ડિમોલીશન હાથ ધર્યુ હતું.