કચ્છ જીલ્લાના લખપત તાલુકામાં ફરીથી ભૂકંપ આવ્યો છે. લખપતમાં ૩.૭ની તીવ્રતાનો ભૂકંપ આવતા લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. આજે સવારે ૧૦ઃ૪૪ મિનિટે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ લખપતથી ૭૬ કિમી દૂર નોંધાયું છે, ભારત-પાકિસ્તાન બોર્ડર ઉપર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાતા ધરા ફરીથી ધ્રુજી ઉઠી છે.
અગાઉ ૩.૯ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતે. બપોરે ૩ઃ૫૮ વાગ્યે બેલાથી ૨૯ કિલોમીટર દૂર આંચકો નોંધાયો હતો. પૂર્વ કચ્છના બેલાથી ૨૯ કિમી દૂર નોર્થ – નોર્થ ઈસ્ટમાં આંચકો નોંધાયો હતો. થોડા સમય અગાઉ ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉથી ૧૦ કિ.મી. દૂર નોંધાયું હતું. બે મહિના અગાઉ કચ્છના ભચાઉમાં મોડી રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ૩.૪ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. લોકો સૂઈ રહ્યા હતા દરમિયાન ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ભયભીત થઈ ગયા હતા. લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
ભૂકંપના અતિ સક્રિય એવા ઝોન-૫માં આવતા કચ્છમાં સમયાંતરે નાના-મોટા અને અતિ વિનાશકારી આંચકાએ પેટાળને ધ્રુજાવી નાખ્યું છે. મોડી રાત્રે ફરી એકવાર કચ્છની ધરા ધ્રૂજી ઉઠી હતી. ચાર-ચાર ફોલ્ટ લાઇન ધરાવતા કચ્છમાં ભૂકંપ અને આંચકા આવતા રહે છે.